ઉત્પત્તિ ૩૪:૧-૩૧

  • દીનાહ પર બળાત્કાર (૧-૧૨)

  • યાકૂબના દીકરાઓનું કાવતરું (૧૩-૩૧)

૩૪  હવે યાકૂબ અને લેઆહની દીકરી દીનાહ,+ કનાન દેશની યુવતીઓ સાથે સમય વિતાવવા* તેઓને ત્યાં વારંવાર જતી હતી.+ ૨  એ દેશનો મુખી હિવ્વી હમોર હતો.+ તેના દીકરા શખેમે દીનાહને જોઈ. એકવાર તેણે દીનાહને બળજબરીથી પકડી અને તેના પર બળાત્કાર કર્યો. ૩  એ પછી તેનું દિલ યાકૂબની દીકરી દીનાહ પર આવી ગયું. તે તેના પ્રેમમાં ડૂબી ગયો અને દીનાહનું દિલ જીતવા મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. ૪  આખરે શખેમે પોતાના પિતા હમોરને+ કહ્યું: “કંઈક કરો, પણ મને આ યુવતી સાથે પરણાવો.” ૫  યાકૂબને જાણ થઈ કે, શખેમે તેની દીકરી દીનાહની આબરૂ લીધી છે. પણ તેણે એ વિશે કોઈને કશું કહ્યું નહિ. તે પોતાના દીકરાઓની રાહ જોવા લાગ્યો, જેઓ મેદાનમાં ઢોરઢાંક ચરાવવા ગયા હતા. ૬  પછી શખેમનો પિતા હમોર યાકૂબ સાથે વાત કરવા આવ્યો. ૭  યાકૂબના દીકરાઓએ પોતાની બહેન વિશે સાંભળ્યું ત્યારે, તરત જ મેદાનમાંથી પાછા ફર્યા. તેઓ ખૂબ જ ગુસ્સે હતા. એ વાત તેઓને અપમાનજનક લાગી, કેમ કે યાકૂબની દીકરી સાથે એવું કુકર્મ કરીને શખેમે ઇઝરાયેલનું અપમાન કર્યું હતું.+ ૮  હમોરે તેઓને કહ્યું: “મારો દીકરો શખેમ તમારી દીકરીને ખૂબ ચાહે છે. કૃપા કરીને તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. ૯  અમારી સાથે લગ્‍નવ્યવહાર કરો. તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે લો.+ ૧૦  આખો દેશ તમારી આગળ છે. અમારી સાથે રહો, વેપાર કરો અને અહીં જ વસી જાઓ.” ૧૧  પછી શખેમે યાકૂબ અને દીનાહના ભાઈઓને કહ્યું: “તમે જે કંઈ માંગશો એ હું આપીશ, બસ મારી ઇચ્છા પૂરી કરો. ૧૨  તમે માંગશો એટલી મોટી રકમ અને ભેટો આપીશ.+ તમે જે કહેશો એ બધું હું ખુશી ખુશી આપીશ. બસ, તમારી દીકરી મારી સાથે પરણાવો.” ૧૩  શખેમે દીનાહની આબરૂ લીધી હતી. એટલે યાકૂબના દીકરાઓએ શખેમ અને તેના પિતા હમોરને કપટથી જવાબ આપ્યો. ૧૪  તેઓએ કહ્યું: “અમે અમારી બહેનને એવા માણસ સાથે ન પરણાવી શકીએ, જેની સુન્‍નત+ થઈ ન હોય. એ અપમાનજનક કહેવાય! ૧૫  પણ એક જ શરતે એ શક્ય છે, અમારી જેમ તમારા બધા પુરુષોની સુન્‍નત કરાવો.+ ૧૬  પછી અમારી દીકરીઓ અમે તમને આપીશું અને તમારી દીકરીઓ અમે લઈશું. અમે તમારી સાથે રહીશું અને આપણે એક પ્રજા થઈશું. ૧૭  પણ જો તમે અમારું સાંભળીને સુન્‍નત નહિ કરાવો, તો અમે અમારી દીકરીને લઈને ચાલ્યા જઈશું.” ૧૮  હમોર+ અને તેના દીકરા શખેમને+ તેઓની વાત સારી લાગી. ૧૯  તેઓની વાત માનવામાં એ યુવાને જરાય મોડું ન કર્યું,+ કેમ કે તે યાકૂબની દીકરીના પ્રેમમાં ગળાડૂબ હતો. હવે હમોરના ઘરમાં શખેમનું ઘણું માન હતું. ૨૦  હમોર અને તેનો દીકરો શખેમ તરત જ શહેરના દરવાજે ગયા અને ત્યાંના પુરુષોને કહ્યું:+ ૨૧  “આ માણસો આપણી સાથે શાંતિથી રહેવા માંગે છે. આ દેશ ખૂબ વિશાળ છે અને જગ્યાની કોઈ ખોટ નથી. તેઓને અહીં રહેવા દો અને વેપાર કરવા દો. આપણે તેઓની દીકરીઓ લઈશું અને તેઓને આપણી દીકરીઓ આપીશું.+ ૨૨  તેઓ આપણી સાથે રહેવા અને એક પ્રજા થવા રાજી છે. પણ તેઓએ એક શરત મૂકી છે કે, તેઓની જેમ આપણા દરેક પુરુષની સુન્‍નત થવી જોઈએ.+ ૨૩  પછી તેઓની માલ-મિલકત અને ઢોરઢાંક આપણાં જ સમજો. ચાલો, તેઓની શરત માનીએ, જેથી તેઓ આપણી સાથે રહે.” ૨૪  શહેરના દરવાજે ભેગા થયેલા પુરુષોએ હમોર અને તેના દીકરા શખેમની વાત માની. આમ એ શહેરના દરેક પુરુષની સુન્‍નત કરવામાં આવી. ૨૫  સુન્‍નત પછી ત્રીજા દિવસે એ શહેરના પુરુષો પીડાથી કણસતા હતા. એવામાં યાકૂબના બે દીકરાઓ શિમયોન અને લેવી તલવાર લઈને કોઈને શંકા ન જાય એ રીતે શહેરમાં ઘૂસ્યા. દીનાહના એ બે ભાઈઓએ+ શહેરના બધા પુરુષોને મારી નાખ્યા.+ ૨૬  તેઓએ હમોર અને તેના દીકરા શખેમને પણ તલવારથી મારી નાખ્યા. પછી તેઓ શખેમના ઘરમાંથી દીનાહને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. ૨૭  યાકૂબના બીજા દીકરાઓ શહેરમાં આવ્યા ત્યારે, તેઓએ પુરુષોની લાશો જોઈ. પછી તેઓએ આખા શહેરને લૂંટી લીધું, કેમ કે ત્યાં તેઓની બહેનની આબરૂ લૂંટાઈ હતી.+ ૨૮  તેઓનાં ઘેટાં-બકરાં, ઢોરઢાંક, ગધેડાં તેમજ શહેરમાં અને મેદાનમાં જે કંઈ હતું એ બધું તેઓએ લૂંટી લીધું. ૨૯  તેઓની બધી માલ-મિલકત, બાળકો અને પત્નીઓ કબજે કરી લીધાં. તેઓનાં ઘરમાં જે કંઈ હતું એ બધું લૂંટી લીધું. ૩૦  એ વિશે સાંભળીને યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું:+ “તમે મારા પર મોટી આફત લાવ્યા છો.* હવે આ દેશના લોકો, એટલે કે કનાનીઓ અને પરિઝ્ઝીઓ મને ધિક્કારશે. જો તેઓ ભેગા થઈને મારા પર હુમલો કરશે, તો સમજો મારું આવી જ બન્યું. કેમ કે તેઓની સરખામણીમાં આપણે થોડા જ છીએ. તેઓ મારો અને મારા આખા ઘરનો વિનાશ કરી નાખશે.” ૩૧  પણ એ બે દીકરાઓએ કહ્યું: “અમારી બહેન શું વેશ્યા છે કે કોઈ તેની સાથે આ રીતે વર્તે? શું એ જોઈને અમે ચૂપચાપ બેસી રહીએ?”

ફૂટનોટ

અથવા, “યુવતીઓને મળવા.”
અથવા, “તમારા લીધે તેઓ મને સમાજમાંથી કાઢી મૂકશે.”