ઉત્પત્તિ ૪૩:૧-૩૪

  • યૂસફના ભાઈઓ બીજી વાર ઇજિપ્ત જાય છે; બિન્યામીન સાથે (૧-૧૪)

  • યૂસફ ફરી ભાઈઓને મળે છે (૧૫-૨૩)

  • યૂસફ ભાઈઓ સાથે મિજબાની માણે છે (૨૪-૩૪)

૪૩  હવે કનાન દેશમાં દુકાળ આકરો થયો હતો.+ ૨  ઇજિપ્તથી લાવેલું અનાજ ખતમ થઈ ગયું+ ત્યારે, યાકૂબે પોતાના દીકરાઓને કહ્યું: “ઇજિપ્ત પાછા જઈને થોડું અનાજ ખરીદી લાવો.” ૩  યહૂદાએ પિતાને કહ્યું: “ત્યાંના અધિકારીએ અમને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી, ‘તમારો નાનો ભાઈ સાથે ન હોય તો, ફરી મારી પાસે આવતા જ નહિ.’+ ૪  જો તમે બિન્યામીનને અમારી સાથે મોકલશો, તો જ અમે ત્યાં અનાજ ખરીદવા જઈશું. ૫  જો તમે તેને નહિ મોકલો, તો અમે નહિ જઈએ, કેમ કે પેલા અધિકારીએ કહ્યું હતું, ‘તમારો ભાઈ સાથે ન હોય તો, ફરી મારી પાસે આવતા જ નહિ.’”+ ૬  ઇઝરાયેલે+ કહ્યું: “તમે કેમ કહ્યું કે, તમારે હજી એક ભાઈ છે? તમે મારા માથે આવું સંકટ કેમ લાવ્યા?” ૭  તેઓએ કહ્યું: “એ માણસે આપણા કુટુંબ વિશે પૂછપરછ કરી. તેણે પૂછ્યું, ‘શું તમારા પિતા હજી જીવે છે? શું તમારે બીજો કોઈ ભાઈ છે?’ એટલે અમે તેને બધું જણાવ્યું.+ અમને શું ખબર કે તે કહેશે, ‘જાઓ, તમારા ભાઈને અહીં લઈ આવો’?”+ ૮  યહૂદાએ પિતાને અરજ કરતા કહ્યું: “છોકરાને મારી સાથે મોકલો,+ જેથી અમે ઇજિપ્ત જઈ શકીએ. નહિતર તમે, અમે અને આપણાં બાળકો+ ભૂખે મરીશું.+ ૯  તેની સલામતીની જવાબદારી હું લઉં છું.+ તેને કંઈ થઈ જાય તો મને સજા કરજો. જો હું તેને પાછો ન લાવું, તો એ પાપ હંમેશ માટે મારા માથે રહેશે. ૧૦  હવે અમને જવા દો, એમ પણ ઘણું મોડું થઈ ગયું છે. અત્યાર સુધીમાં તો અમે બે વાર જઈને પાછા આવી ગયા હોત.” ૧૧  ઇઝરાયેલે કહ્યું: “જો બીજો કોઈ રસ્તો જ ન હોય, તો પછી જાઓ. પણ એ માણસ માટે પોતાની ગૂણમાં ભેટ-સોગાદો લઈ જજો.+ આ દેશની ઉત્તમ વસ્તુઓ, એટલે કે, સુગંધી દ્રવ્ય,+ મધ, ખુશબોદાર ગુંદર, ઝાડની સુગંધિત છાલ*+ અને બદામ-પિસ્તાં તેને ભેટમાં આપજો. ૧૨  તમારી સાથે બમણી રકમ લઈ જજો. તમારી ગૂણોમાં જે પૈસા મળ્યા હતા, એ પણ પાછા આપી દેજો.+ કદાચ એ ભૂલથી આવી ગયા હશે. ૧૩  જાઓ, તમારા નાના ભાઈને એ માણસ પાસે લઈ જાઓ. ૧૪  મારી પ્રાર્થના છે કે, એ માણસની નજરમાં કૃપા પામવા સર્વશક્તિમાન ઈશ્વર તમને મદદ કરે અને તે તમારા ભાઈ શિમયોન અને બિન્યામીનને પાછા ઘરે આવવા દે. પણ જો મારે તેઓને ગુમાવવા પડે, તો એ દુઃખ સહેવા પણ હું તૈયાર છું, કેમ કે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી!”+ ૧૫  યાકૂબના દીકરાઓએ બધી ભેટ-સોગાદો, બમણી રકમ અને બિન્યામીનને પોતાની સાથે લીધાં. પછી તેઓ ઇજિપ્ત જઈને યૂસફ આગળ ફરી ઊભા રહ્યા.+ ૧૬  યૂસફે તેઓ સાથે બિન્યામીનને જોયો ત્યારે, તેણે તરત જ પોતાના ઘરના કારભારીને કહ્યું: “આ માણસોને મારા ઘરે લઈ જા અને પ્રાણીઓ કાપીને જમવાનું તૈયાર કર. તેઓ બપોરે મારી સાથે જમશે.” ૧૭  તેણે તરત જ યૂસફના કહ્યા પ્રમાણે કર્યું+ અને તેઓને યૂસફના ઘરે લઈ ગયો. ૧૮  તેઓ યૂસફના ઘરે પહોંચ્યા ત્યારે ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા: “ગઈ વખતે આપણી ગૂણોમાં જે પૈસા મૂક્યા હતા, એના લીધે જ તેઓ આપણને અહીં લઈ આવ્યા છે. હવે તેઓ આપણાં ગધેડાં લઈ લેશે અને આપણને પકડીને ગુલામ બનાવી દેશે!”+ ૧૯  એટલે ઘરના આંગણે પહોંચીને તેઓએ કારભારી સાથે વાત કરી. ૨૦  તેઓએ કહ્યું: “માફ કરો માલિક, અમારે કંઈક કહેવું છે. અનાજ ખરીદવા અમે અહીં પહેલાં પણ આવ્યા હતા.+ ૨૧  ઘરે જતી વખતે અમે જ્યારે ઉતારાની જગ્યાએ પહોંચ્યા અને પોતાની ગૂણો ખોલી, ત્યારે એમાંથી અમને દરેકને પૂરેપૂરા પૈસા મળ્યા.+ અમે એ પૈસા પાછા આપવા માંગીએ છીએ. ૨૨  અમે જાણતા નથી કે અમારી ગૂણોમાં એ પૈસા કોણે મૂક્યા.+ આ વખતે અનાજ ખરીદવા અમે વધારે પૈસા લાવ્યા છીએ.” ૨૩  કારભારીએ તેઓને કહ્યું: “ડરશો નહિ. તમે ચૂકવેલા પૈસા મને મળી ગયા છે. તમારા અને તમારા પિતાના ઈશ્વરે એ પૈસા ગૂણોમાં મૂક્યા હતા.” પછી કારભારીએ શિમયોનને કેદમાંથી બહાર કાઢ્યો અને તેઓ પાસે લાવ્યો.+ ૨૪  કારભારી તેઓને યૂસફના ઘરમાં લઈ આવ્યો. તેઓને પગ ધોવા પાણી આપ્યું અને તેઓનાં ગધેડાંને ચારો આપ્યો. ૨૫  તેઓએ સાંભળ્યું હતું કે યૂસફ બપોરે તેઓ સાથે જમવાનો છે.+ એટલે યૂસફના આવતા પહેલાં તેઓએ પોતે લાવેલી ભેટ-સોગાદો તેના માટે તૈયાર કરી.+ ૨૬  યૂસફ ઘરે આવ્યો ત્યારે, તેઓએ તેને એ ભેટ-સોગાદો આપી અને જમીન સુધી માથું નમાવીને પ્રણામ કર્યા.+ ૨૭  યૂસફે તેઓના ખબરઅંતર પૂછ્યા અને કહ્યું: “તમારા વૃદ્ધ પિતા, જેમના વિશે તમે મને જણાવ્યું હતું, તે કેમ છે? શું તે હજી જીવે છે?”+ ૨૮  તેઓએ કહ્યું: “હા માલિક, અમારા પિતાને સારું છે. તે હજી જીવે છે.” પછી તેઓએ ઘૂંટણિયે પડીને યૂસફને ફરી નમન કર્યું.+ ૨૯  યૂસફે પોતાના સગા ભાઈ+ બિન્યામીનને જોઈને કહ્યું: “શું આ જ તમારો સૌથી નાનો ભાઈ છે, જેના વિશે તમે મને કહ્યું હતું?”+ તેણે આગળ કહ્યું: “મારા દીકરા, ઈશ્વરની કૃપા તારા પર રહે.” ૩૦  બિન્યામીનને જોઈને યૂસફનું હૈયું ભરાઈ આવ્યું. તે રડવાની અણીએ હતો, એટલે ઉતાવળે ત્યાંથી નીકળી ગયો અને પોતાના ઓરડામાં જઈને ખૂબ રડ્યો.+ ૩૧  પછી પોતાનું મોં ધોઈને તે બહાર આવ્યો. પોતાની લાગણીઓ પર કાબૂ કરીને તેણે ચાકરોને કહ્યું: “ખાવાનું પીરસો.” ૩૨  પછી તેઓએ યૂસફને, તેના ભાઈઓને અને ત્યાં હાજર ઇજિપ્તના લોકોને અલગ અલગ મેજ પર બેસાડીને ખાવાનું પીરસ્યું. અલગ બેસાડવાનું કારણ એ હતું કે ઇજિપ્તના લોકો માટે હિબ્રૂઓ સાથે બેસીને જમવું ધિક્કારને લાયક હતું.+ ૩૩  યૂસફના ભાઈઓ તેની સામે બેઠા. તેઓ મોટા દીકરાથી*+ લઈને નાના સુધી ઉંમર પ્રમાણે બેઠા. તેઓ દંગ થઈને એકબીજા સામે જોતા હતા. ૩૪  યૂસફ પોતાની મેજ પરથી તેઓ માટે ખોરાક મોકલતો રહ્યો. પણ તેણે બીજા ભાઈઓ કરતાં બિન્યામીનને પાંચ ગણું વધારે આપ્યું.+ આમ તેઓ બધાએ ધરાઈને ખાધું-પીધું.

ફૂટનોટ

એ છાલના ચીકણા પદાર્થમાંથી અત્તર બનાવવામાં આવતું.
એટલે કે, જેની પાસે પ્રથમ જન્મેલાનો હક છે.