એઝરા ૪:૧-૨૪

  • મંદિર ફરીથી બાંધવાનો વિરોધ (૧-૬)

  • દુશ્મનોએ રાજા આર્તાહશાસ્તાને ફરિયાદ કરી (૭-૧૬)

  • આર્તાહશાસ્તાનો જવાબ (૧૭-૨૨)

  • મંદિરનું બાંધકામ અટકી ગયું (૨૩, ૨૪)

 યહૂદા અને બિન્યામીનના દુશ્મનોએ+ સાંભળ્યું કે ગુલામીમાંથી પાછા ફરેલા લોકો+ ઇઝરાયેલના ઈશ્વર યહોવા માટે મંદિર બાંધે છે. ૨  તેઓએ તરત જ ઝરુબ્બાબેલ અને ઇઝરાયેલનાં કુટુંબોના વડાઓ પાસે જઈને કહ્યું: “અમને તમારી સાથે બાંધકામ કરવા દો. તમારી જેમ અમે પણ તમારા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ.+ આશ્શૂરના રાજા એસાર-હાદ્દોન+ અમને અહીં લઈ આવ્યા,+ એ દિવસથી અમે એ ઈશ્વરને બલિદાનો ચઢાવીએ છીએ.” ૩  પણ ઝરુબ્બાબેલે, યેશૂઆએ અને ઇઝરાયેલનાં કુટુંબોના બાકીના વડાઓએ તેઓને કહ્યું: “અમારા ઈશ્વરનું મંદિર બાંધવામાં અમારી સાથે તમારો કોઈ લાગભાગ નથી.+ ઈરાનના રાજા કોરેશે અમને હુકમ આપ્યો છે એ પ્રમાણે, અમે જ ઇઝરાયેલના ઈશ્વર યહોવા માટે મંદિર બાંધીશું.”+ ૪  પછી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો યહૂદાના લોકોને ધમકાવીને નિરાશ કરવા લાગ્યા, જેથી તેઓ મંદિરનું બાંધકામ પડતું મૂકે.+ ૫  તેઓએ યહૂદાના લોકોની યોજનાઓ નિષ્ફળ બનાવવા+ ભાડેથી સલાહકારો રાખ્યા. ઈરાનના રાજા કોરેશના સમયથી લઈને ઈરાનના રાજા દાર્યાવેશના+ શાસન સુધી તેઓએ એમ કર્યું. ૬  રાજા અહાશ્વેરોશના રાજની શરૂઆતમાં તેઓએ યહૂદા અને યરૂશાલેમમાં રહેતા લોકો વિરુદ્ધ આરોપ મૂકતો પત્ર લખ્યો. ૭  ઈરાની રાજા આર્તાહશાસ્તાના દિવસોમાં પણ બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ અને તેના બાકીના સાથીદારોએ આર્તાહશાસ્તા રાજાને પત્ર લખ્યો. તેઓએ એનો અરામિક ભાષામાં અનુવાદ કર્યો+ અને અરામિક લિપિમાં લખ્યો.* ૮  * રાજ્યના મુખ્ય અધિકારી રહૂમે અને શાસ્ત્રી* શિમ્શાયે યરૂશાલેમ વિરુદ્ધ આર્તાહશાસ્તા રાજાને પત્રમાં આમ લખ્યું: ૯  (રાજ્યના મુખ્ય અધિકારી રહૂમ, શાસ્ત્રી શિમ્શાય અને તેઓના બાકીના સાથીદારો, ન્યાયાધીશો, ઉપરાજ્યપાલો, મંત્રીઓ,* એરેખના+ લોકો, બાબેલોનીઓ, સૂસાના+ રહેવાસીઓ એટલે કે એલામીઓ,+ ૧૦  બાકીની બીજી પ્રજાઓ જેઓને મહાન અને માનનીય ઓસ્નાપ્પાર ગુલામીમાં લઈ ગયા હતા અને સમરૂનનાં શહેરોમાં વસાવી હતી+ તથા બાકીના લોકો જેઓ મોટી નદીની પેલે પારના વિસ્તારમાં* રહેતા હતા, તેઓ તરફથી આ પત્ર હતો. ૧૧  તેઓએ રાજાને મોકલેલા પત્રની આ નકલ છે.) “હે રાજા આર્તાહશાસ્તા, નદીની પેલે પારના વિસ્તારના તમારા સેવકો તરફથી આ પત્ર છે. ૧૨  રાજાને જાણ થાય કે તમારી પાસેથી યહૂદીઓ અહીં અમારી પાસે યરૂશાલેમ આવી પહોંચ્યા છે. તેઓ શહેર ફરીથી બાંધી રહ્યા છે. તેઓ શહેરનો કોટ પૂરો કરવાની તૈયારીમાં છે+ અને પાયાનું સમારકામ કરી રહ્યા છે. એ શહેરમાં અગાઉ બળવાખોર અને દુષ્ટ લોકો રહેતા હતા. ૧૩  રાજાને જણાવવાનું કે જો એ શહેર ફરીથી બંધાઈ જશે અને એના કોટનું બાંધકામ પૂરું થઈ જશે, તો તેઓ કરવેરો,+ ભેટ-સોગાદો કે જકાત નહિ આપે. એનાથી રાજાના ભંડારની આવક ઘટી જશે. ૧૪  અમે તમારું અન્‍ન ખાધું છે.* તો પછી રાજાનું નુકસાન થતા અમે કઈ રીતે જોઈ શકીએ? એટલે અમે રાજાને એ જણાવવા સંદેશો મોકલીએ છીએ કે ૧૫  તમારા પૂર્વજોનાં લખાણોનાં પુસ્તકોમાં એની તપાસ કરાવવામાં આવે.+ તમને એ લખાણોથી જાણવા મળશે કે એ શહેરના લોકો તો બંડખોર છે, રાજાઓ અને પ્રાંતોને નુકસાન કરનારા છે. જૂના જમાનાથી એ શહેરના લોકો બંડ પોકારતા આવ્યા છે. એટલે જ તો એ શહેરનો નાશ થયો હતો.+ ૧૬  અમે રાજાને જણાવવા માંગીએ છીએ કે જો આ શહેર બંધાઈ જશે અને કોટ ચણી લેવામાં આવશે, તો નદીની પેલે પારના વિસ્તાર પર તમારો કોઈ કાબૂ* રહેશે નહિ.”+ ૧૭  રાજ્યના મુખ્ય અધિકારી રહૂમને, શાસ્ત્રી શિમ્શાયને અને સમરૂનમાં રહેતા તેઓના બાકીના સાથીદારોને અને નદીની પેલે પારના વિસ્તારમાં રહેતા બીજા લોકોને રાજાએ જવાબમાં આ સંદેશો મોકલ્યો: “તમને શાંતિ થાઓ! ૧૮  તમે મોકલેલો પત્ર મારી આગળ સ્પષ્ટ રીતે વાંચવામાં આવ્યો છે.* ૧૯  મારા હુકમથી તપાસ કરવામાં આવી છે અને જાણવા મળ્યું છે કે વર્ષો અગાઉ આ શહેરે રાજાઓ વિરુદ્ધ માથું ઊંચું કર્યું હતું. એમાં ઘણાં બંડ અને તોફાનો થયાં હતાં.+ ૨૦  યરૂશાલેમમાં બળવાન રાજાઓ થઈ ગયા છે, જેઓએ નદીની પેલે પારના આખા વિસ્તારમાં રાજ કર્યું હતું. લોકો તેઓને કરવેરો, ભેટ-સોગાદો અને જકાત આપતા હતા. ૨૧  એ માણસોને કામ બંધ કરવાનો હુકમ આપો. હું ફરમાન ન કરું ત્યાં સુધી તેઓ ફરીથી શહેર બાંધે નહિ. ૨૨  આ હુકમ પાળવામાં જરાય ઢીલ થવી ન જોઈએ, જેથી રાજાને હજુ વધારે નુકસાન ન થાય.”+ ૨૩  આર્તાહશાસ્તા રાજાના પત્રની નકલ રહૂમ, શાસ્ત્રી શિમ્શાય અને તેઓના સાથીદારો આગળ વાંચવામાં આવી. તેઓ તરત જ યરૂશાલેમમાં યહૂદીઓ પાસે પહોંચી ગયા અને જોરજુલમથી તેઓનું કામ બંધ કરાવી દીધું. ૨૪  એ સમયથી યરૂશાલેમમાં ઈશ્વરના મંદિરનું કામ અટકી પડ્યું. ઈરાની રાજા દાર્યાવેશના રાજના બીજા વર્ષ સુધી એ કામ બંધ રહ્યું.+

ફૂટનોટ

અથવા કદાચ, “એ અરામિક ભાષામાં લખાયો અને પછી એનો અનુવાદ થયો.”
એઝ ૪:૮–૬:૧૮ કલમો અરામિક ભાષામાં લખાઈ હતી.
એટલે કે, યુફ્રેટિસની પશ્ચિમે આવેલો વિસ્તાર.
અથવા, “અમને મહેલમાંથી પગાર મળે છે.”
મૂળ, “ભાગ.”
અથવા કદાચ, “અનુવાદ કરીને વાંચવામાં આવ્યો છે.”