એઝરા ૫:૧-૧૭

  • યહૂદીઓએ મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું (૧-૫)

  • રાજા દાર્યાવેશને તાત્તનાયનો પત્ર (૬-૧૭)

 એ સમયે હાગ્ગાય+ અને ઝખાર્યા+ પ્રબોધકો* હતા. ઝખાર્યા ઈદ્દોનો+ પૌત્ર હતો. એ પ્રબોધકોએ યહૂદા અને યરૂશાલેમમાં રહેતા યહૂદીઓને ઇઝરાયેલના ઈશ્વરના નામે સંદેશો આપ્યો. ઈશ્વર એ પ્રબોધકોને માર્ગદર્શન આપતા હતા. ૨  શઆલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલે+ અને યહોસાદાકના દીકરા યેશૂઆએ+ યરૂશાલેમમાં ઈશ્વરનું મંદિર ફરીથી બાંધવાનું શરૂ કરી દીધું.+ ઈશ્વરના પ્રબોધકો તેઓની સાથે હતા અને તેઓની હોંશ વધારતા હતા.+ ૩  એ જોઈને નદીની પેલે પારના વિસ્તારનો* રાજ્યપાલ તાત્તનાય તથા શથાર-બોઝનાય અને તેઓના સાથીદારો આવ્યા અને પૂછ્યું: “કોણે તમને આ મંદિર બાંધવાનો અને બાંધકામ પૂરું કરવાનો હુકમ આપ્યો?” ૪  તેઓએ કહ્યું: “આ બાંધકામ કરનારા માણસોનાં નામ અમને આપો.” ૫  પણ ઈશ્વર યહૂદીઓના વડીલોની સંભાળ રાખતા હતા.+ એટલે દુશ્મનોએ તેઓનું કામ રોક્યું નહિ, પણ દાર્યાવેશ રાજાને એની જાણ કરી. તેઓએ રાજા પાસેથી પત્ર દ્વારા જવાબ આવે એની રાહ જોઈ. ૬  નદીની પેલે પારના વિસ્તારનો રાજ્યપાલ તાત્તનાય તથા શથાર-બોઝનાય અને તેના સાથીદારો કે જેઓ નદીની પેલે પારના વિસ્તારના ઉપરાજ્યપાલો હતા, તેઓએ રાજા દાર્યાવેશને મોકલેલા પત્રની આ નકલ છે. ૭  તેઓએ રાજાને એ વિશે માહિતી મોકલતા આમ લખ્યું: “હે રાજા દાર્યાવેશ! “તમને શાંતિ થાઓ! ૮  રાજાને જણાવવાનું કે અમે યહૂદાના પ્રાંતમાં મહાન ઈશ્વરના મંદિરે ગયા હતા. લોકો એને બાંધવા મોટા મોટા પથ્થરો ગબડાવી લાવ્યા છે અને કોટ બાંધવા લાકડાં વાપરે છે. તેઓ પૂરી ધગશથી એ કામ કરે છે અને તેઓની મહેનતને લીધે એ કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. ૯  અમે તેઓના વડીલોને પૂછ્યું: ‘કોણે તમને આ મંદિર બાંધવાનો અને બાંધકામ પૂરું કરવાનો હુકમ આપ્યો?’+ ૧૦  અમે તેઓને કામમાં આગેવાની લેનારાઓનાં નામ પણ પૂછ્યાં, જેથી એ નામ અમે તમને લખી મોકલીએ. ૧૧  “તેઓએ અમને આવો જવાબ આપ્યો: ‘અમે સ્વર્ગ અને પૃથ્વીના ઈશ્વરના ભક્તો છીએ. અમે એ મંદિર ફરીથી બાંધીએ છીએ, જે ઇઝરાયેલના એક મહાન રાજાએ વર્ષો અગાઉ બાંધ્યું હતું.+ ૧૨  પણ અમારા પૂર્વજોએ સ્વર્ગના ઈશ્વરને રોષ ચઢાવ્યો હતો.+ એટલે તેમણે તેઓને બાબેલોનના ખાલદી* રાજા નબૂખાદનેસ્સારના+ હાથમાં સોંપી દીધા. રાજાએ આ મંદિર તોડી પાડ્યું+ અને લોકોને બાબેલોનની ગુલામીમાં લઈ ગયા.+ ૧૩  પણ બાબેલોનના રાજા કોરેશે પોતાના રાજના પહેલા વર્ષે ઈશ્વરનું આ મંદિર ફરી બાંધવાનો હુકમ કર્યો.+ ૧૪  નબૂખાદનેસ્સાર યરૂશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરમાંથી સોના-ચાંદીનાં વાસણો બાબેલોનના મંદિરમાં લઈ આવ્યા હતા.+ એ વાસણો પણ રાજા કોરેશે બાબેલોનના મંદિરમાંથી મંગાવી આપ્યાં. કોરેશે એ વાસણો શેશ્બાસ્સાર*+ નામના માણસને આપ્યાં, જેને તેમણે રાજ્યપાલ બનાવ્યો હતો.+ ૧૫  કોરેશે તેને કહ્યું: “આ વાસણો યરૂશાલેમના મંદિરમાં પાછાં લઈ જા. ઈશ્વરનું મંદિર અગાઉ જે જગ્યાએ હતું, ત્યાં ફરીથી બંધાવ.”+ ૧૬  શેશ્બાસ્સારે યરૂશાલેમ આવીને ઈશ્વરના મંદિરનો પાયો નાખ્યો.+ ત્યારથી લઈને આજ સુધી એ મંદિરનું બાંધકામ ચાલે છે, પણ હજી પૂરું થયું નથી.’+ ૧૭  “જો રાજાને યોગ્ય લાગે, તો બાબેલોનમાં રાજાના ભંડારમાં મૂકવામાં આવેલાં લખાણોમાં તપાસ કરાવો. એનાથી ખબર પડશે કે રાજા કોરેશે યરૂશાલેમમાં ઈશ્વરનું મંદિર ફરીથી બાંધવાનો હુકમ આપ્યો હતો+ કે કેમ. આને લગતો રાજાનો જે પણ નિર્ણય હોય, એ અમને જણાવજો.”

ફૂટનોટ

એટલે કે, યુફ્રેટિસની પશ્ચિમે આવેલો વિસ્તાર.
કદાચ ઝરુબ્બાબેલ, જેના વિશે એઝ ૨:૨; ૩:૮ જણાવે છે.