એઝરા ૯:૧-૧૫

  • ઇઝરાયેલીઓએ બીજી પ્રજામાં લગ્‍ન કર્યાં (૧-૪)

  • એઝરાએ પ્રાર્થનામાં પાપ કબૂલ કર્યાં (૫-૧૫)

 આ બધું બન્યા પછી આગેવાનોએ તરત જ મારી પાસે આવીને કહ્યું: “ઇઝરાયેલના લોકો, યાજકો અને લેવીઓ આસપાસના લોકોથી અલગ રહેતા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, ઇજિપ્તવાસીઓ*+ અને અમોરીઓમાં+ થતાં ધિક્કારપાત્ર કામો કરે છે.+ ૨  તેઓએ એ લોકોની દીકરીઓમાંથી અમુકને પોતાની પત્નીઓ અને અમુકને પોતાના દીકરાઓની પત્નીઓ બનાવી છે.+ આ પવિત્ર વંશજો+ આસપાસ રહેતા લોકોમાં ભળી ગયા છે.+ એ પાપની શરૂઆત આગેવાનોએ અને ઉપઅધિકારીઓએ કરી છે.” ૩  એ સાંભળતા જ મેં મારાં કપડાં અને ઝભ્ભો ફાડ્યાં.* મેં મારાં માથાના અને દાઢીના વાળ ખેંચી કાઢ્યા. આઘાત લાગવાને લીધે હું જમીન પર બેસી ગયો. ૪  ઇઝરાયેલના ઈશ્વરના નિયમો માટે જે લોકોને માન હતું, તેઓ બધા મારી આસપાસ ભેગા થયા. ગુલામીમાંથી પાછા ફરેલા લોકોના પાપને લીધે તેઓને પણ અફસોસ થતો હતો. હું સાંજના અનાજ-અર્પણના સમય સુધી આઘાતમાં બેસી રહ્યો.+ ૫  હું જ્યાં શોક મનાવવા બેઠો હતો, ત્યાંથી છેક સાંજે અનાજ-અર્પણના સમયે ઊભો થયો.+ મારાં કપડાં અને ઝભ્ભો ફાટેલાં હતાં. હું ઘૂંટણિયે પડ્યો અને મેં મારા ઈશ્વર યહોવા આગળ હાથ ફેલાવ્યા. ૬  મેં કહ્યું: “હે મારા ઈશ્વર, તમને મોં બતાવતા પણ મને શરમ આવે છે. હે મારા ઈશ્વર, અમારા માથે પાપનો ભાર વધી ગયો છે અને અમારા અપરાધો છેક આસમાને પહોંચ્યા છે.+ ૭  અમારા બાપદાદાઓના સમયથી આજ સુધી અમે ઘણાં પાપ કર્યાં છે.+ અમારા અપરાધોને લીધે આજ સુધી અમને, અમારા રાજાઓને અને યાજકોને બીજા દેશોના રાજાઓના હાથમાં સોંપી દેવાયા છે.+ અમને તલવાર,+ ગુલામી,+ લૂંટફાટ+ અને અપમાનને હવાલે કરવામાં આવ્યા છે. ૮  પણ હે અમારા ઈશ્વર યહોવા, તમે થોડા સમય માટે અમારા પર કૃપા વરસાવીને અમને ગુલામીમાંથી બચાવ્યા છે. તમારી આ પવિત્ર જગ્યામાં* સલામત સ્થાન* આપીને તમે અમારી આંખોમાં ચમક લાવી દીધી છે.+ હે અમારા ઈશ્વર, તમે અમને ગુલામીમાંથી થોડી રાહત આપી છે. ૯  હે ઈશ્વર, અમે ગુલામો હોવા છતાં,+ તમે અમને ગુલામીમાં છોડી દીધા નથી. પણ અમારા પર અતૂટ પ્રેમ બતાવ્યો છે, જેથી ઈરાનના રાજાઓની અમારા પર કૃપા થાય+ અને અમે રાહત મેળવીએ. એ માટે કે અમે અમારા ઈશ્વરનું મંદિર ઊભું કરીએ,+ એનાં ખંડેરોની મરામત કરીએ તથા યરૂશાલેમમાં અને યહૂદામાં રક્ષણ આપતો કોટ* બાંધીએ. ૧૦  “હે અમારા ઈશ્વર, જે બનાવો બન્યા છે એ જોતા અમે શું કહીએ? અમે તમારી આજ્ઞાઓ પાળી નથી. ૧૧  એ આજ્ઞાઓ તમે તમારા સેવકો, તમારા પ્રબોધકો દ્વારા અમને આમ કહેતા આપી હતી: ‘તમે જે દેશનો વારસો લેવા જાઓ છો, એ દેશ અશુદ્ધ છે, એના લોકો અશુદ્ધ છે. તેઓનાં ધિક્કારપાત્ર કામોને લીધે આખો દેશ એક છેડાથી બીજા છેડા સુધી અશુદ્ધ થઈ ગયો છે.+ ૧૨  તેથી તમારી દીકરીઓને તેઓના દીકરાઓ સાથે પરણાવશો નહિ અને તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો નહિ.+ એવું કંઈ કરશો નહિ જેનાથી એ દેશના લોકોને સુખ-શાંતિ અને આબાદી મળે.+ આમ તમે બળવાન થશો, એ દેશની સારી ઊપજ ખાશો અને તમારા દીકરાઓને હંમેશ માટે એ દેશનો વારસો આપશો.’ ૧૩  અમારાં દુષ્ટ કામો અને ઘોર અપરાધોને લીધે અમારા પર મુસીબતો આવી પડી હતી. હે અમારા ઈશ્વર, તમે તો અમને એટલી સજા પણ કરી નથી,+ જેટલી થવી જોઈતી હતી. એટલું જ નહિ, તમે અમને બચાવીને અહીં લઈ આવ્યા છો.+ ૧૪  તો પછી અમે કઈ રીતે તમારી આજ્ઞાઓ ફરીથી તોડીએ અને ધિક્કારપાત્ર કામો કરનારા લોકો સાથે લગ્‍નસંબંધ બાંધીએ?+ શું એનાથી તમારો રોષ ભભૂકી નહિ ઊઠે? એમ થાય તો, તમે અમારો નાશ કરી નાખશો અને અમારામાંથી કોઈ પણ નહિ બચે. ૧૫  હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, તમે ન્યાયી છો.+ એટલે જ તો અમે થોડા લોકો આજ સુધી બચી ગયા છીએ. અમે તમારા ગુનેગાર છીએ અને એના લીધે તમારી આગળ ઊભા રહેવાને પણ લાયક નથી.”+

ફૂટનોટ

અથવા, “મિસરવાસીઓ.”
શબ્દસૂચિમાં “શોક” જુઓ.
મૂળ, “એક ખીલો.”
અથવા, “પથ્થરનો કોટ.”