એફેસીઓને પત્ર ૩:૧-૨૧
૩ એ કારણે, હું પાઉલ બીજી પ્રજાઓને મદદ કરવા ખ્રિસ્ત ઈસુ માટે કેદી છું.*+
૨ તમે જરૂર સાંભળ્યું હશે કે તમારા માટે ઈશ્વરની અપાર કૃપાનો કારભાર મને સોંપવામાં આવ્યો છે+
૩ અને પવિત્ર રહસ્ય મને પ્રગટ કરવામાં આવ્યું છે. એ વિશે મેં તમને શરૂઆતમાં ટૂંકમાં લખ્યું છે.
૪ તમે આ પત્ર વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે હું ખ્રિસ્તનું પવિત્ર રહસ્ય+ સમજ્યો છું.
૫ જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને અને પ્રબોધકોને તેમની શક્તિ દ્વારા આ રહસ્ય જણાવવામાં આવ્યું છે, તેમ અગાઉની પેઢીઓને જણાવવામાં આવ્યું ન હતું.+
૬ એ રહસ્ય છે, બીજી પ્રજાના લોકોમાંથી જેઓ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે, તેઓ ખ્રિસ્ત સાથે વારસાના ભાગીદાર થશે અને તેમના શરીરનો ભાગ બનશે.+ ખુશખબરને લીધે ઈશ્વરે અમને જે આશીર્વાદો આપવાનું વચન આપ્યું છે, એ આશીર્વાદો તેઓને પણ મળશે.
૭ ઈશ્વરની અપાર કૃપાની ભેટથી હું એ પવિત્ર રહસ્યનો સેવક બન્યો છું. એ ભેટ મને તેમની શક્તિ દ્વારા મળી છે.+
૮ બધા પવિત્ર જનોમાં નાનામાં નાનો હોવા છતાં,+ મને એ અપાર કૃપા આપવામાં આવી,+ જેથી ખ્રિસ્તની અખૂટ સંપત્તિ વિશેની ખુશખબર હું બીજી પ્રજાઓને જાહેર કરું.
૯ તેમ જ, લોકોને એ જોવા મદદ કરું કે બધું ઉત્પન્ન કરનાર ઈશ્વર કઈ રીતે પવિત્ર રહસ્ય+ અમલમાં લાવે છે. એ રહસ્ય તેમણે યુગોના યુગોથી છુપાવી રાખ્યું હતું.
૧૦ એવું એટલા માટે થયું, જેથી હમણાં મંડળ દ્વારા+ સ્વર્ગની સરકારોને અને સત્તાઓને જુદી જુદી રીતે ઈશ્વરના જ્ઞાન વિશે જણાવવામાં આવે.+
૧૧ એ બધું યુગોના યુગોથી ઈશ્વરે નક્કી કરેલા હેતુ પ્રમાણે થયું. એ હેતુ આપણા માલિક ખ્રિસ્ત ઈસુ વિશે છે.+
૧૨ તેમના દ્વારા આપણે સંકોચ વિના બોલી શકીએ છીએ અને તેમના* પર શ્રદ્ધા હોવાથી અચકાયા વગર ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ.+
૧૩ તેથી, હું વિનંતી કરું છું કે તમારા વતી હું જે સંકટો સહન કરું છું, એના લીધે તમે નિરાશ ન થતા, કેમ કે એનાથી તમને મહિમા મળે છે.+
૧૪ આ કારણે હું પિતા આગળ ઘૂંટણિયે પડું છું,
૧૫ જેમના લીધે સ્વર્ગમાં અને પૃથ્વી પર દરેક કુટુંબ અસ્તિત્વમાં આવ્યું છે.*
૧૬ હું પ્રાર્થના કરું છું કે મહિમાથી ભરપૂર ઈશ્વર પવિત્ર શક્તિ દ્વારા તમને બળ આપે, જેથી તમારું મન અને દિલ દૃઢ થાય.+
૧૭ હું પ્રાર્થના કરું છું કે તમારા દિલમાં બીજાઓ માટેનો પ્રેમ અને ખ્રિસ્ત વસે,+ કેમ કે તમને ખ્રિસ્તમાં શ્રદ્ધા છે. તમે અડગ બનો*+ અને શ્રદ્ધાના પાયાને વળગી રહો,+
૧૮ જેથી તમે અને બધા પવિત્ર જનો સત્યની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજી શકો
૧૯ તેમજ ખ્રિસ્તનો પ્રેમ જાણી શકો.+ એ પ્રેમ બધા જ્ઞાન કરતાં ચઢિયાતો છે. આમ ઈશ્વર આપે છે એ ગુણોથી તમે ભરપૂર થશો.
૨૦ ઈશ્વરની શક્તિ આપણામાં કામ કરે છે+ અને આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં અનેક ગણું વધારે તે કરી શકે છે.+
૨૧ એ ઈશ્વરને મંડળ અને ખ્રિસ્ત ઈસુ દ્વારા પેઢી દર પેઢી સદાને માટે મહિમા મળે. આમેન.*
ફૂટનોટ
^ એવું લાગે છે કે આ કલમનો વિચાર એફે ૩:૧૪માં ચાલુ રહે છે.
^ એટલે કે, ખ્રિસ્ત.
^ મૂળ, “દરેક કુટુંબને નામ મળ્યું છે.”
^ અથવા, “તમારાં મૂળ ઊંડાં ઉતારો.”