એસ્તેર ૫:૧-૧૪
૫ ત્રીજે દિવસે+ એસ્તેરે પોતાનો શાહી પોશાક પહેર્યો. તે અંદરના આંગણામાં આવીને રાજાના મહેલની* સામે ઊભી રહી. રાજા પોતાના મહેલમાં* રાજગાદી પર બેઠો હતો. એ મહેલ પ્રવેશદ્વારની સામે હતો.
૨ એસ્તેર રાણીને આંગણામાં ઊભેલી જોઈને રાજા ખુશ થઈ ગયો. રાજાએ પોતાના હાથમાં જે સોનાનો રાજદંડ હતો, એ એસ્તેર સામે ધર્યો.+ તે નજીક આવી અને રાજદંડની ટોચને અડકી.
૩ રાજાએ એસ્તેરને પૂછ્યું: “એસ્તેર રાણી, બોલ, શું થયું? તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!”
૪ એસ્તેરે કહ્યું: “મેં આજે રાજા માટે એક મિજબાની રાખી છે. જો રાજાને ઠીક લાગે, તો તે અને હામાન+ એ મિજબાનીમાં આવે.”
૫ રાજાએ પોતાના ચાકરોને કહ્યું: “હામાનને જલદી બોલાવી લાવો. એસ્તેરના કહ્યા પ્રમાણે કરો.” પછી રાજા અને હામાન એસ્તેરે રાખેલી મિજબાનીમાં ગયા.
૬ દ્રાક્ષદારૂની મિજબાની વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું: “બોલ, તારી શી અરજ છે? એ પ્રમાણે તને આપવામાં આવશે. તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!”+
૭ એસ્તેરે કહ્યું: “મારી આટલી જ અરજ છે,
૮ જો રાજા મારાથી ખુશ હોય અને મારી અરજ પૂરી કરવા, મારી વિનંતી પ્રમાણે કરવા રાજી હોય, તો રાજા અને હામાન કાલે પણ મારી મિજબાનીમાં આવે. હું કાલે મારી વિનંતી રાજાને જણાવીશ.”
૯ એ દિવસે હામાન બહાર નીકળ્યો ત્યારે ખુશખુશાલ હતો. તેના દિલમાં ખુશી સમાતી ન હતી. તેણે મહેલના પ્રવેશદ્વારે મોર્દખાયને જોયો. હામાનને જોઈને તે ઊભો થયો નહિ કે તેનાથી જરાય ગભરાયો નહિ. એટલે હામાનનો ગુસ્સો તેના પર સળગી ઊઠ્યો.+
૧૦ પણ હામાન ગમ ખાઈ ગયો અને પોતાના ઘરે જતો રહ્યો. તેણે પોતાના મિત્રોને અને પોતાની પત્ની ઝેરેશને+ બોલાવ્યાં.
૧૧ હામાને તેઓ આગળ પોતાની માલ-મિલકત અને પોતાના ઘણા દીકરાઓ+ વિશે બડાઈ હાંકી. રાજાએ કઈ રીતે તેને ઊંચો હોદ્દો આપ્યો તથા બીજા રાજ્યપાલો અને અમલદારો કરતાં વધારે માન-મોભો આપ્યો એની પણ ડંફાસ મારી.+
૧૨ હામાને કહ્યું: “અરે, એસ્તેર રાણીએ મિજબાનીમાં રાજા સાથે બીજા કોઈને નહિ, ફક્ત મને જ બોલાવ્યો હતો!+ તેમણે કાલે પણ મને રાજા સાથે મિજબાનીમાં બોલાવ્યો છે.+
૧૩ પણ જ્યાં સુધી હું પેલા યહૂદી મોર્દખાયને મહેલના પ્રવેશદ્વારે બેઠેલો જોઈશ, ત્યાં સુધી આ બધું મારા માટે નકામું છે.”
૧૪ ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના બધા મિત્રોએ તેને કહ્યું: “૫૦ હાથ* ઊંચો એક થાંભલો ઊભો કરાવો. સવારે રાજાને કહેજો કે એના પર મોર્દખાયને લટકાવી દે.+ પછી તમે ખુશી ખુશી રાજા સાથે મિજબાનીમાં જજો.” એ સલાહ હામાનને સારી લાગી અને તેણે એક થાંભલો ઊભો કરાવ્યો.