એસ્તેર ૭:૧-૧૦

  • એસ્તેર હામાનનું કાવતરું ખુલ્લું પાડે છે (૧-૬ક)

  • હામાનને તેણે જ ઊભા કરેલા થાંભલા પર લટકાવવામાં આવે છે (૬ખ-૧૦)

 રાણી એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં રાજા અને હામાન+ આવ્યા. ૨  આ બીજી મિજબાની વખતે દ્રાક્ષદારૂ પીરસવામાં આવ્યો ત્યારે* રાજાએ ફરીથી એસ્તેરને પૂછ્યું: “એસ્તેર રાણી, બોલ, તારી શી અરજ છે? એ પૂરી કરવામાં આવશે. તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!”+ ૩  રાણી એસ્તેરે જવાબ આપ્યો: “હે રાજા, જો હું તમારી નજરમાં કૃપા પામી હોઉં, તો મારી અરજ છે કે મારો જીવ બચાવવામાં આવે અને મારી વિનંતી છે કે મારા લોકોને+ જીવતદાન આપવામાં આવે. ૪  મારો અને મારા લોકોનો વિનાશ કરવા, અમારી કતલ કરવા અને અમને મારી નાખવા વેચી દેવામાં આવ્યા છે.+ જો અમને દાસ-દાસીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત, તો હું ચૂપ રહી હોત. પણ અમારા પર આવનાર આફતથી, હે રાજા, તમને પણ નુકસાન થશે.” ૫  રાજા અહાશ્વેરોશે રાણી એસ્તેરને કહ્યું: “આવું દુષ્ટ કામ કરવાની હિંમત કોણે કરી? ક્યાં છે એ માણસ?” ૬  એસ્તેરે કહ્યું: “એ વેરી અને દુશ્મન તો આ દુષ્ટ હામાન છે!” એ સાંભળતાં જ હામાન તેઓની સામે ધ્રૂજવા લાગ્યો. ૭  રાજાનો ગુસ્સો સળગી ઊઠ્યો. તે દ્રાક્ષદારૂની મિજબાની છોડીને મહેલના બાગમાં જતો રહ્યો. પણ હામાન ઊભો થયો અને એસ્તેર રાણી આગળ પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો. તે સમજી ગયો કે હવે રાજા તેને નહિ છોડે, તેનું આવી બન્યું છે. ૮  રાજા મહેલના બાગમાંથી મિજબાનીના ભવનમાં પાછો ફર્યો. તેણે જોયું કે એસ્તેર આડી પડી હતી એ દીવાન પર હામાન દયાની ભીખ માંગતો ઊંધો પડ્યો હતો. રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું: “શું તે હવે મારા જ ઘરમાં મારી રાણી પર બળાત્કાર કરશે?” રાજાના મોંમાંથી એ શબ્દો નીકળતાં જ ચાકરોએ હામાનનું મોં ઢાંકી દીધું. ૯  રાજાના દરબારમાં હાર્બોના+ નામે એક પ્રધાન હતો. તેણે કહ્યું: “જે મોર્દખાયની ખબરને લીધે રાજાનો જીવ બચ્યો હતો,+ તેના માટે હામાને ૫૦ હાથ* ઊંચો એક થાંભલો ઊભો કર્યો છે.+ એ થાંભલો હામાનના ઘરની નજીક છે.” રાજાએ કહ્યું: “એ જ થાંભલા પર હામાનને લટકાવી દો.” ૧૦  તેઓએ હામાનને એ જ થાંભલા પર લટકાવી દીધો, જે તેણે મોર્દખાય માટે ઊભો કર્યો હતો. આખરે રાજાનો ગુસ્સો શમી ગયો.

ફૂટનોટ

મૂળ, “બીજા દિવસે, દ્રાક્ષદારૂની મિજબાની વખતે.”
આશરે ૨૨.૩ મી. (૭૩ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.