ઓબાદ્યા ૧:૧-૨૧
૧ ઓબાદ્યાનું* દર્શન:
તેણે અદોમ* વિશે વિશ્વના માલિક* યહોવાનો* આ સંદેશો જણાવ્યો,+“અમને યહોવા પાસેથી ખબર મળી છે,પ્રજાઓમાં સંદેશવાહક મોકલવામાં આવ્યો છે, જે કહે છે,‘ઊભા થાઓ, ચાલો આપણે અદોમ સામે લડવા તૈયાર થઈએ.’”+
૨ “જો! મેં તને પ્રજાઓમાં સાવ નકામો બનાવી દીધો છે;તને એકદમ તુચ્છ ગણવામાં આવે છે.+
૩ ઓ ખડકોની બખોલમાં રહેનાર,તારા ઘમંડી દિલે તને છેતર્યો છે,+ઓ ઊંચી જગ્યાએ રહેનાર, તું પોતાના દિલમાં કહે છે,‘કોની મજાલ કે મને નીચે પાડે?’
૪ ભલે તું ગરુડની જેમ તારો માળો ઊંચે બાંધે,*છેક તારાઓ વચ્ચે તારું ઘર બનાવે,તોપણ હું તને ત્યાંથી નીચે પાડી દઈશ,” એવું યહોવા કહે છે.
૫ “જો રાતે તારે ત્યાં ચોર-લુટારા આવે,તો શું તેઓ થોડું-ઘણું રહેવા નહિ દે?
જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે,તો શું તેઓ થોડી-ઘણી દ્રાક્ષ પડતી નહિ મૂકે?+
પણ તારા દુશ્મનો તો તારો પૂરેપૂરો નાશ કરશે!*
૬ હે એસાવ, તને કેવો ફંફોસવામાં આવ્યો!
તારો સંતાડેલો ખજાનો શોધી કાઢવામાં આવ્યો!
૭ તારા બધા સાથીઓએ* તને દગો દીધો.
તેઓએ છેક સરહદ સુધી તને તગેડી મૂક્યો.
તારી સાથે શાંતિથી રહેનારાઓએ તારા પર જીત મેળવી.
તને ખ્યાલ પણ નહિ આવેઅને તારી સાથે રોટલી ખાનારાઓ તારા માટે જાળ બિછાવી દેશે.”
૮ યહોવા જાહેર કરે છે, “એ દિવસે,હું અદોમના બુદ્ધિશાળી માણસોનો નાશ કરીશ,+એસાવના પહાડી વિસ્તારના સમજદાર લોકોનો સફાયો કરીશ.
૯ હે તેમાન,+ તારા શૂરવીરો થરથર કાંપશે,+કેમ કે એસાવના પહાડી વિસ્તારનો એકેએક માણસ માર્યો જશે.+
૧૦ તેં* તારા ભાઈ યાકૂબ પર જુલમ ગુજાર્યો છે,+એટલે તારે શરમાવું પડશે,+તારું અસ્તિત્વ કાયમ માટે ભૂંસાઈ જશે.+
૧૧ જ્યારે પારકાઓ તેની સેનાને ગુલામ બનાવીને લઈ ગયા,+ત્યારે તું રસ્તાની કોરે ઊભો ઊભો તમાશો જોતો રહ્યો.
જ્યારે પરદેશીઓએ શહેરમાં* ઘૂસીને યરૂશાલેમ માટે ચિઠ્ઠીઓ* નાખી,+ત્યારે તું પણ તેઓના જેવો દુષ્ટ બન્યો.
૧૨ તેં આ બહુ ખોટું કર્યું,તારા ભાઈની બરબાદીના દિવસે તેં આનંદ-ઉલ્લાસ કર્યો,+યહૂદાના લોકોનો નાશ થયો એ દિવસે તું ખૂબ હરખાયો,+તેઓની મુસીબતની ઘડીએ તેં તેઓની હાંસી ઉડાવી.
૧૩ મારા લોકોની બરબાદીના દિવસે તું શહેરમાં* ઘૂસી ગયો,+વિપત્તિના દિવસે તેઓની દુર્દશા જોઈને તું ખુશ થયો,સંકટના દિવસે તેં તેઓની સંપત્તિ પર હાથ નાખ્યો.+
૧૪ જેઓ જીવ બચાવીને ભાગી રહ્યા હતા, તેઓનો રસ્તો રોકીને તેં તેઓને મારી નાખ્યા,+જેઓ વિપત્તિમાંથી બચી ગયા હતા, તેઓને તેં દુશ્મનોના હાથમાં સોંપી દીધા.+
૧૫ બધી પ્રજાઓ વિરુદ્ધ યહોવાનો દિવસ નજીક છે.+
તેં જેવું કર્યું, એવું જ તારી સાથે પણ કરવામાં આવશે.+
તું બીજાઓ સાથે જે રીતે વર્ત્યો, એવી જ રીતે તારી સાથે પણ વર્તવામાં આવશે.
૧૬ જેમ તેં મારા પવિત્ર પર્વત પર દ્રાક્ષદારૂ પીધો,તેમ બધી પ્રજાઓએ મારા કોપનો દ્રાક્ષદારૂ પીવો પડશે.+
તેઓ એ પીશે, એને ગટગટાવી જશે,તેઓ હતા ન હતા થઈ જશે.
૧૭ પણ બચી જનારાઓ તો સિયોન પર્વત પર હશે,+એ પવિત્ર થશે.+
યાકૂબના વંશજો* પોતાની સંપત્તિ પાછી મેળવશે.+
૧૮ યાકૂબના વંશજો* આગ બનશે,યૂસફના વંશજો* જ્વાળા બનશે,પણ એસાવના વંશજો* સૂકા ઘાસ જેવા બનશે,તેઓ તેને બાળીને ખાખ કરી નાખશે.
એસાવના વંશજોમાંથી* કોઈ નહિ બચે,+કેમ કે યહોવાએ પોતે એવું કહ્યું છે.
૧૯ તેઓ નેગેબને અને એસાવના પહાડી વિસ્તારને કબજે કરશે,+શેફેલાહને અને પલિસ્તીઓના દેશને તાબે કરશે,+એફ્રાઈમનો અને સમરૂનનો પ્રદેશ જીતી લેશે.+
બિન્યામીન જઈને ગિલયાદને કબજે કરશે.
૨૦ આ કિલ્લામાંથી* ગુલામીમાં* ગયેલા લોકો,+હા, ઇઝરાયેલના લોકો કનાનથી છેક સારફત+ સુધીનો પ્રદેશ કબજે કરશે.
સફારાદમાં હતા એ યરૂશાલેમના બંદીવાનો નેગેબનાં શહેરો જીતી લેશે.+
૨૧ બચાવ કરનારાઓ સિયોન પર્વત પર જશે,તેઓ એસાવના પહાડી વિસ્તારનો ન્યાય કરશે,+અને યહોવા પોતે રાજા તરીકે રાજ કરશે.”+
ફૂટનોટ
^ અર્થ, “યહોવાનો સેવક.”
^ એસાવ પણ કહેવાતો.
^ વધારે માહિતી ક-૪ જુઓ.
^ અથવા કદાચ, “જેમ ઊંચે ઊડે.”
^ અથવા કદાચ, “તારા દુશ્મનો કેટલી હદે નાશ કરશે?”
^ અથવા, “તારી સાથે કરાર કરનારાઓએ.”
^ એટલે કે, અદોમ.
^ મૂળ, “દરવાજામાંથી.”
^ મૂળ, “દરવાજામાંથી.”
^ મૂળ, “યાકૂબનું ઘર.”
^ મૂળ, “યૂસફનું ઘર.”
^ મૂળ, “એસાવના ઘરમાંથી.”
^ મૂળ, “એસાવનું ઘર.”
^ મૂળ, “યાકૂબનું ઘર.”
^ અથવા, “રક્ષણ આપતી દીવાલો કે ઢોળાવમાંથી.”