ગણના ૧૩:૧-૩૩

  • ૧૨ જાસૂસોને કનાન મોકલ્યા (૧-૨૪)

  • દસ જાસૂસોનો ખરાબ અહેવાલ (૨૫-૩૩)

૧૩  યહોવાએ મૂસાને કહ્યું: ૨  “જે કનાન દેશ હું ઇઝરાયેલીઓને આપવાનો છું, એની જાસૂસી કરવા અમુક માણસો મોકલ. તું દરેક કુળમાંથી એક એક માણસ મોકલ, જે એ કુળનો મુખી હોય.”+ ૩  તેથી મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે પારાનના વેરાન પ્રદેશમાંથી તેઓને મોકલ્યા.+ એ દરેક માણસ ઇઝરાયેલીઓનો વડો હતો. ૪  તેઓનાં નામ આ છે: રૂબેનના કુળમાંથી ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ; ૫  શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ; ૬  યહૂદાના કુળમાંથી યફૂન્‍નેહનો દીકરો કાલેબ;+ ૭  ઇસ્સાખારના કુળમાંથી યૂસફનો દીકરો ઇગાલ; ૮  એફ્રાઈમના કુળમાંથી નૂનનો દીકરો હોશીઆ;+ ૯  બિન્યામીનના કુળમાંથી રાફુનો દીકરો પાલ્ટી; ૧૦  ઝબુલોનના કુળમાંથી સોદીનો દીકરો ગાદ્દીએલ; ૧૧  યૂસફના કુળમાંથી+ મનાશ્શાના કુળ માટે+ સૂસીનો દીકરો ગાદ્દી; ૧૨  દાનના કુળમાંથી ગમાલ્લીનો દીકરો આમ્મીએલ; ૧૩  આશેરના કુળમાંથી મિખાયેલનો દીકરો સથૂર; ૧૪  નફતાલીના કુળમાંથી વોફસીનો દીકરો નાહબી; ૧૫  ગાદના કુળમાંથી માખીનો દીકરો ગેઉએલ. ૧૬  એ માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા હતા. મૂસાએ નૂનના દીકરા હોશીઆનું નામ યહોશુઆ*+ પાડ્યું હતું. ૧૭  જ્યારે મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા, ત્યારે તેઓને કહ્યું: “તમે આ રસ્તેથી નેગેબ જજો અને પછી પહાડી વિસ્તારમાં જજો.+ ૧૮  તમે તપાસ કરજો કે એ દેશ કેવો છે;+ ત્યાંના લોકો શક્તિશાળી છે કે કમજોર; તેઓની વસ્તી વધારે છે કે ઓછી; ૧૯  દેશની હાલત સારી છે કે ખરાબ; તેઓ કેવાં શહેરોમાં રહે છે, કોટ વગરનાં કે કિલ્લાવાળાં. ૨૦  એ પણ તપાસ કરજો કે ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ+ અને ત્યાં વૃક્ષો છે કે નહિ. તમે હિંમત બતાવજો+ અને એ દેશનાં થોડાં ફળો લઈ આવજો.” હવે એ તો પહેલી દ્રાક્ષો પાકવાની મોસમ હતી.+ ૨૧  તેથી તેઓએ જઈને ઝીનના વેરાન પ્રદેશથી+ લીબો-હમાથ* પાસેના+ રહોબ સુધી+ આખા દેશની જાસૂસી કરી. ૨૨  તેઓ નેગેબ થઈને હેબ્રોન પહોંચ્યા,+ જ્યાં અહીમાન, શેશાય અને તાલ્માય+ નામના અનાકીઓ*+ વસતા હતા. ઇજિપ્તનું સોઆન શહેર બંધાયું એના સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું. ૨૩  તેઓ એશ્કોલની ખીણ+ પાસે આવ્યા ત્યારે, તેઓએ દ્રાક્ષની ઝૂમખાવાળી એક ડાળી કાપી, જેને બે માણસોએ દાંડા ઉપર લટકાવીને ઊંચકવી પડી. તેઓએ થોડાં દાડમ અને અંજીર પણ લીધાં.+ ૨૪  તેઓએ એ જગ્યાનું નામ એશ્કોલની* ખીણ+ પાડ્યું, કેમ કે ઇઝરાયેલીઓએ ત્યાંથી દ્રાક્ષનું ઝૂમખું કાપ્યું હતું. ૨૫  તેઓ ૪૦ દિવસ+ દેશની જાસૂસી કરીને પાછા ફર્યા. ૨૬  તેઓ પારાનના વેરાન પ્રદેશના કાદેશમાં+ મૂસા, હારુન અને ઇઝરાયેલીઓ પાસે પાછા આવ્યા. તેઓએ બધા લોકોને એ દેશનો અહેવાલ આપ્યો અને તેઓને ત્યાંનાં ફળ બતાવ્યાં. ૨૭  તેઓએ મૂસાને આ અહેવાલ આપ્યો: “તમે જે દેશમાં અમને મોકલ્યા હતા, એ સાચે જ દૂધ-મધની રેલમછેલવાળો દેશ છે+ અને આ ત્યાંનાં ફળ છે.+ ૨૮  પણ ત્યાં રહેતા લોકો બહુ શક્તિશાળી છે. તેઓનાં કોટવાળાં શહેરો બહુ મોટાં છે. અમે ત્યાં અનાકીઓને પણ જોયા.+ ૨૯  નેગેબ+ પ્રદેશમાં અમાલેકીઓ+ વસે છે; પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ+ અને અમોરીઓ+ વસે છે; તેમજ સમુદ્રની પાસે+ અને યર્દનને કિનારે કનાનીઓ+ વસે છે.” ૩૦  પછી કાલેબે મૂસાની બાજુમાં ઊભેલા લોકોને શાંત પાડવાની કોશિશ કરતા કહ્યું: “ચાલો, આપણે હમણાં જ તેઓ પર હુમલો કરીએ, કેમ કે આપણે એ દેશને હરાવીને એના પર ચોક્કસ કબજો કરી શકીશું.”+ ૩૧  પણ કાલેબ સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું: “આપણે એ લોકો પર ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતાં વધારે શક્તિશાળી છે.”+ ૩૨  તેઓએ જે દેશની જાસૂસી કરી હતી, એ વિશે તેઓ ખરાબ અહેવાલ આપતા રહ્યા.+ તેઓએ કહ્યું: “જે દેશની અમે જાસૂસી કરી, એ દેશ તો એના જ રહેવાસીઓને મારી નાખે છે. જે લોકોને અમે જોયા એ બધા તો રાક્ષસી કદના છે.+ ૩૩  ત્યાં અમે અનાકના દીકરાઓને,+ હા, કદાવર લોકોને* પણ જોયા. તેઓની સામે તો અમે તીતીઘોડા સમાન હતા અને તેઓને પણ અમે એવા જ લાગ્યા હોઈશું.”

ફૂટનોટ

અર્થ, “યહોવા તારણ છે.”
અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”
રાક્ષસી કદના અને મજબૂત લોકો.
અર્થ, “દ્રાક્ષનું ઝૂમખું.”
હિબ્રૂ, નેફિલિમ. શબ્દસૂચિમાં “નેફિલિમ” જુઓ.