ગણના ૧૪:૧-૪૫

  • લોકો ઇજિપ્ત પાછા જવા ચાહે છે (૧-૧૦)

    • યહોશુઆ અને કાલેબનો સારો અહેવાલ (૬-૯)

  • યહોવા ગુસ્સે થયા; મૂસાએ વચ્ચે પડીને બચાવ કર્યો (૧૧-૧૯)

  • સજા: ૪૦ વર્ષ વેરાન પ્રદેશમાં (૨૦-૩૮)

  • અમાલેકીઓએ ઇઝરાયેલીઓને હરાવ્યા (૩૯-૪૫)

૧૪  ત્યારે બધા લોકોએ મોટેથી પોકાર કર્યો અને આખી રાત રડીને વિલાપ કર્યો.+ ૨  બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત! ૩  યહોવા અમને તલવારથી મારવા એ દેશમાં કેમ લઈ જાય છે?+ હવે અમારી સ્ત્રીઓ અને બાળકોને લૂંટી લેવામાં આવશે.+ અમે ઇજિપ્ત પાછા જતા રહીએ+ એમાં જ શું અમારું ભલું નથી?” ૪  તેઓ એકબીજાને આમ પણ કહેવા લાગ્યા: “ચાલો, આપણે એક આગેવાન પસંદ કરીએ અને ઇજિપ્ત પાછા જઈએ!”+ ૫  ત્યારે મૂસા અને હારુન બધા ઇઝરાયેલીઓ* સામે ઘૂંટણિયે પડ્યા અને જમીન સુધી માથું નમાવ્યું. ૬  દેશની જાસૂસી કરવા ગયા હતા એમાંના બે માણસોએ, એટલે કે નૂનના દીકરા યહોશુઆએ+ અને યફૂન્‍નેહના દીકરા કાલેબે+ પોતાનાં કપડાં ફાડ્યાં ૭  અને બધા ઇઝરાયેલીઓને કહ્યું: “જે દેશની જાસૂસી કરવા અમે ગયા હતા, એ ખરેખર અતિ ઉત્તમ દેશ છે.+ ૮  જો યહોવા આપણાથી ખુશ હશે, તો તે ચોક્કસ આપણને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જશે.+ ૯  પણ તમે યહોવા વિરુદ્ધ બંડ ન પોકારો અને એ દેશના લોકોથી ન ડરો,+ કેમ કે આપણે તેઓને ભરખી જઈશું.* તેઓનું રક્ષણ કરનાર હવે કોઈ રહ્યું નથી, પણ યહોવા આપણી સાથે છે.+ તેઓથી ગભરાશો નહિ.” ૧૦  પણ આખું ટોળું તેઓને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યું.+ એવામાં, યહોવાનું ગૌરવ બધા ઇઝરાયેલીઓ સામે+ મુલાકાતમંડપ પર પ્રગટ થયું. ૧૧  પછી યહોવાએ મૂસાને કહ્યું: “ક્યાં સુધી આ લોકો મારું અપમાન કરશે?+ મેં તેઓ વચ્ચે આટલા બધા ચમત્કારો* કર્યા છે, છતાં ક્યાં સુધી તેઓ મારામાં શ્રદ્ધા નહિ મૂકે?+ ૧૨  હવે હું તેઓ પર ભારે રોગચાળો લાવીશ અને જડમૂળથી તેઓનો નાશ કરી દઈશ. હું તારામાંથી એક મોટી પ્રજા બનાવીશ, જે તેઓ કરતાં મહાન અને બળવાન હશે.”+ ૧૩  પણ મૂસાએ યહોવાને કહ્યું: “તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો. હવે જો તમે તેઓનો નાશ કરશો, તો ઇજિપ્તના લોકો એ વિશે સાંભળશે+ ૧૪  અને આ દેશના રહેવાસીઓને પણ જણાવશે. એ રહેવાસીઓ તો પહેલેથી જાણે છે કે, આ લોકો મધ્યે યહોવા છે+ અને તેઓ સામે તે મોઢામોઢ પ્રગટ થાય છે.+ તમે યહોવા છો અને તમારું વાદળ તમારા લોકો પર થોભે છે. દિવસે વાદળના સ્તંભમાં અને રાતે અગ્‍નિના સ્તંભમાં તમે તેઓની આગળ આગળ ચાલો છો.+ ૧૫  જો તમે એક જ વારમાં* આ લોકોને મારી નાખશો, તો જે પ્રજાઓએ તમારી કીર્તિ વિશે સાંભળ્યું છે, તેઓ કહેશે: ૧૬  ‘આ લોકોને જે દેશ આપવાના યહોવાએ સમ ખાધા હતા, એમાં તે તેઓને લઈ જઈ શકતા ન હતા, એટલે તેમણે તેઓને વેરાન પ્રદેશમાં જ મારી નાખ્યા.’+ ૧૭  હે યહોવા, તમારું સામર્થ્ય મોટું મનાવો, જેમ તમે વચન આપ્યું હતું. તમે કહ્યું હતું: ૧૮  ‘યહોવા, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર,+ ભૂલો અને અપરાધોને માફ કરનાર, પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર; પિતાનાં પાપોની સજા દીકરાઓ પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.’+ ૧૯  મહેરબાની કરીને તમારા મહાન અને અતૂટ પ્રેમને લીધે આ લોકોનો અપરાધ માફ કરો. જેમ ઇજિપ્તથી લઈને હમણાં સુધી તમે તેઓને માફ કર્યા છે, તેમ હમણાં પણ તેઓને માફ કરો.”+ ૨૦  પછી યહોવાએ કહ્યું: “સારું, તારા કહેવા પ્રમાણે હું તેઓને માફ કરું છું.+ ૨૧  પણ મારા સમ* કે આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરાઈ જશે,+ ૨૨  પણ જે લોકોએ મારું ગૌરવ જોયું છે તેમજ ઇજિપ્ત અને વેરાન પ્રદેશમાં મેં કરેલા ચમત્કારો જોયા છે,+ છતાં દસ વખત* મારી પરીક્ષા કરી છે+ અને મારું સાંભળ્યું નથી,+ તેઓમાંથી એક પણ માણસ ૨૩  એ દેશ ક્યારેય જોઈ નહિ શકે, જે વિશે મેં તેઓના પિતાઓ આગળ સમ ખાધા હતા. હા, જેઓ મારું અપમાન કરે છે તેઓમાંથી એક પણ માણસ એ દેશ જોઈ નહિ શકે.+ ૨૪  પણ મારો સેવક કાલેબ+ તેઓ કરતાં એકદમ અલગ છે અને તે પૂરા દિલથી મારી પાછળ ચાલતો રહ્યો છે. તે જે દેશમાં ગયો હતો, એ દેશમાં હું તેને ચોક્કસ લઈ જઈશ અને તેનો વંશજ એનો વારસો પામશે.+ ૨૫  એ દેશની ખીણમાં* અમાલેકીઓ અને કનાનીઓ+ વસે છે, માટે તમે આવતી કાલે પાછા ફરો અને લાલ સમુદ્રને રસ્તે વેરાન પ્રદેશમાં જાઓ.”+ ૨૬  પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨૭  “આ દુષ્ટ લોકો ક્યાં સુધી મારી વિરુદ્ધ કચકચ કર્યા કરશે?+ ઇઝરાયેલીઓ મારી વિરુદ્ધ જે કચકચ કરે છે,+ એ મેં સાંભળી છે. ૨૮  તેઓને જણાવ, ‘યહોવા કહે છે, “મારા સમ,* તમે જે બોલ્યા છો, એ જ હું તમારી સાથે કરીશ!+ ૨૯  આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે.+ જેઓની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ છે અને જેઓની નોંધણી કરવામાં આવી હતી એ બધા, હા, મારી વિરુદ્ધ કચકચ કરનારા બધા માર્યા જશે.+ ૩૦  યફૂન્‍નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ+ સિવાય કોઈ પણ એ દેશમાં પ્રવેશી નહિ શકે,+ જેમાં તમને વસાવવાના મેં સમ ખાધા હતા. ૩૧  “‘“પણ જે બાળકો વિશે તમે કહ્યું હતું કે તેઓને લૂંટી લેવામાં આવશે,+ એ બાળકોને હું એ દેશમાં લઈ જઈશ. તમે જે દેશનો નકાર કર્યો છે,+ એ દેશમાં તેઓ વસશે.* ૩૨  પણ આ વેરાન પ્રદેશમાં તમારી લાશો પડશે. ૩૩  હવે તમારા દીકરાઓ ૪૦ વર્ષ સુધી+ વેરાન પ્રદેશમાં ઘેટાં-બકરાં ચરાવશે. વેરાન પ્રદેશમાં તમારામાંના છેલ્લા માણસની લાશ નહિ પડે ત્યાં સુધી+ તેઓ તમારી બેવફાઈની* સજા ભોગવશે. ૩૪  તમે ૪૦ દિવસ+ ફરીને એ દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસ માટે એક વર્ષને હિસાબે ૪૦ વર્ષ સુધી+ તમે તમારા અપરાધની સજા ભોગવશો. ત્યારે તમને ખબર પડશે કે, મારી વિરુદ્ધ જવાનું* કેવું પરિણામ આવે છે! ૩૫  “‘“હું યહોવા એ બોલ્યો છું. આ દુષ્ટ લોકો, એટલે કે જે લોકો મારી વિરુદ્ધ થયા છે તેઓના હું આવા હાલ કરીશ: આ વેરાન પ્રદેશમાં તેઓનો અંત આવશે, તેઓ અહીં જ મરણ પામશે.+ ૩૬  જે માણસોને મૂસાએ દેશની જાસૂસી માટે મોકલ્યા હતા અને જેઓએ પાછા આવીને ખરાબ અહેવાલ આપ્યો હતો+ અને લોકોને મૂસા વિરુદ્ધ કચકચ કરવા ઉશ્કેર્યા હતા, ૩૭  હા, જે માણસોએ એ દેશ વિશે ખરાબ અહેવાલ આપ્યો હતો, તેઓને સજા મળશે અને તેઓ યહોવા આગળ માર્યા જશે.+ ૩૮  પણ દેશની જાસૂસી કરવા ગયા હતા, તેઓમાંથી ફક્ત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્‍નેહનો દીકરો કાલેબ ચોક્કસ જીવતા રહેશે.”’”+ ૩૯  જ્યારે મૂસાએ સર્વ ઇઝરાયેલીઓને એ જણાવ્યું, ત્યારે તેઓએ ભારે શોક કર્યો. ૪૦  એટલું જ નહિ, તેઓ સવારે વહેલા ઊઠ્યા અને પર્વતના શિખર પર જવા લાગ્યા. તેઓએ એકબીજાને કહ્યું: “આપણે પાપ કર્યું છે.+ પણ હવે આપણે એ દેશમાં જવા તૈયાર છીએ, જે વિશે યહોવાએ કહ્યું છે.” ૪૧  પણ મૂસાએ કહ્યું: “તમે યહોવાના હુકમની ઉપરવટ કેમ જાઓ છો? તમે સફળ નહિ થાઓ. ૪૨  યહોવા તમારી સાથે નથી, એટલે પર્વત પર ન જાઓ. તમે તમારા દુશ્મનો સામે હારી જશો.+ ૪૩  ત્યાં તમારે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરવો પડશે+ અને તમે તલવારથી માર્યા જશો. તમે યહોવાના માર્ગે ચાલવાનું છોડી દીધું છે, એટલે યહોવા પણ તમને સાથ નહિ આપે.”+ ૪૪  તેમ છતાં, લોકો ઘમંડી બનીને પર્વતના શિખર તરફ ગયા.+ પણ યહોવાનો કરારકોશ છાવણીની વચ્ચે જ રહ્યો અને મૂસા પણ ત્યાંથી હઠ્યો નહિ.+ ૪૫  પછી એ પર્વત પર રહેતા અમાલેકીઓ અને કનાનીઓ નીચે આવ્યા અને ઇઝરાયેલીઓ પર તૂટી પડ્યા. તેઓએ ઇઝરાયેલીઓને છેક હોર્માહ સુધી નસાડી મૂક્યા.+

ફૂટનોટ

મૂળ, “ઇઝરાયેલના આખા મંડળ.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
મૂળ, “તેઓ આપણો ખોરાક છે.”
મૂળ, “નિશાનીઓ.”
મૂળ, “એક માણસને મારતા હો એમ.”
મૂળ, “મારા જીવના સમ.”
અથવા, “ઘણી વાર.”
અથવા, “નીચાણ પ્રદેશમાં.”
મૂળ, “મારા જીવના સમ.”
મૂળ, “એ દેશને તેઓ જાણશે.”
મૂળ, “વેશ્યાગીરીની.”
અથવા, “મારાથી દુશ્મનાવટ કરવાનું.”