ગણના ૧૯:૧-૨૨
-
લાલ ગાય અને શુદ્ધિકરણનું પાણી (૧-૨૨)
૧૯ યહોવાએ ફરીથી મૂસા અને હારુન સાથે વાત કરતા કહ્યું:
૨ “આ નિયમ યહોવાએ આપ્યો છે, ‘ઇઝરાયેલીઓને કહો કે, તમારા માટે તેઓ ખોડખાંપણ વગરની+ એક લાલ ગાય* લે, જેના પર કદી ઝૂંસરી* મૂકવામાં આવી ન હોય.
૩ તમે એ ગાય એલઆઝાર યાજકને આપો. તે એને છાવણી બહાર લઈ જાય અને એ ગાય તેની આગળ કાપવામાં આવે.
૪ પછી એલઆઝાર યાજક એનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર તરફ સાત વાર છાંટે.+
૫ તેના દેખતાં ગાયને બાળવામાં આવે. એનું ચામડું, માંસ, લોહી અને છાણ પણ બાળવામાં આવે.+
૬ પછી યાજક દેવદારનું લાકડું, મરવો છોડની* ડાળી+ અને લાલ કપડું લઈને એ આગમાં નાખે, જેમાં ગાયને બાળવામાં આવી રહી છે.
૭ પછી યાજક પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. ત્યાર બાદ, તે છાવણીમાં આવી શકે; પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૮ “‘જે માણસ ગાયને બાળે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૯ “‘શુદ્ધ માણસ ગાયની રાખ+ ભેગી કરે અને છાવણી બહાર શુદ્ધ જગ્યાએ એનો ઢગલો કરે. એ રાખ સાચવી મૂકવી, જેથી ઇઝરાયેલીઓ માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા એનો ઉપયોગ થાય.+ એ ગાય પાપ-અર્પણ છે.
૧૦ જે માણસ ગાયની રાખ ભેગી કરે, તે પોતાનાં કપડાં ધૂએ અને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
“‘ઇઝરાયેલીઓ અને તેઓ મધ્યે રહેતા પરદેશીઓ માટે આ નિયમ હંમેશ માટે છે:+
૧૧ શબને અડકનાર માણસ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+
૧૨ એવા માણસે ત્રીજા દિવસે પાણીથી શુદ્ધિકરણ કરવું અને સાતમા દિવસે તે શુદ્ધ ગણાશે. જો તે ત્રીજા દિવસે શુદ્ધિકરણ ન કરે, તો તે સાતમા દિવસે શુદ્ધ ગણાશે નહિ.
૧૩ જો કોઈ માણસ કોઈ શબને અડકે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને ભ્રષ્ટ કરે છે.+ એવા માણસને મારી નાખો.+ તે અશુદ્ધ છે, કેમ કે શુદ્ધિકરણનું પાણી+ તેના પર છાંટવામાં આવ્યું નથી. તે અશુદ્ધ જ રહેશે.
૧૪ “‘જો કોઈ માણસ તંબુમાં મરણ પામે, તો એ માટે આ નિયમ છે: તંબુમાં જનાર અને તંબુમાં પહેલેથી જ હાજર હોય, એ બધા લોકો સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
૧૫ એવું દરેક ખુલ્લું વાસણ જેના પર ઢાંકણ* ઢાંક્યું ન હોય એ અશુદ્ધ ગણાય.+
૧૬ જો ખુલ્લી જગ્યામાં કોઈ માણસ કોઈ શબને કે તલવારથી માર્યા ગયેલા માણસને કે માણસના હાડકાને કે કબરને અડકે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+
૧૭ અશુદ્ધ માણસ માટે તેઓ પાપ-અર્પણ તરીકે બાળવામાં આવેલી ગાયની થોડી રાખ લે, એને એક વાસણમાં મૂકે અને એના પર ઝરાનું તાજું પાણી રેડે.
૧૮ પછી એક શુદ્ધ માણસ+ મરવો છોડની ડાળી લે+ અને એને પાણીમાં બોળે. એનાથી તે તંબુ પર, તંબુની અંદરનાં બધાં વાસણો પર અને તંબુની અંદરના બધા લોકો પર પાણી છાંટે. તે એવા માણસ ઉપર પણ પાણી છાંટે, જે હાડકાને કે માર્યા ગયેલા માણસને કે શબને કે કબરને અડક્યો હોય.
૧૯ શુદ્ધ માણસ ત્રીજા અને સાતમા દિવસે અશુદ્ધ માણસ પર પાણી છાંટે. તે અશુદ્ધ માણસને સાતમા દિવસે તેના પાપથી શુદ્ધ કરે.+ પછી અશુદ્ધ માણસ પોતાનાં કપડાં ધૂએ, સ્નાન કરે અને સાંજે તે શુદ્ધ થશે.
૨૦ “‘પણ જો અશુદ્ધ માણસ પોતાને શુદ્ધ ન કરે, તો તેને મારી નાખો,+ કેમ કે તેણે યહોવાની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ કરી છે. શુદ્ધિકરણનું પાણી તેના પર છાંટવામાં આવ્યું નથી, માટે તે અશુદ્ધ છે.
૨૧ “‘આ નિયમ હંમેશ માટે લાગુ પડે છે: શુદ્ધિકરણનું પાણી+ છાંટનાર માણસ પોતાનાં કપડાં ધૂએ. શુદ્ધિકરણના પાણીને અડકનાર દરેક માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૨૨ અશુદ્ધ માણસ જે કંઈ વસ્તુને અડકે, એ અશુદ્ધ ગણાય. બીજો કોઈ માણસ એ વસ્તુને અડકે તો, તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.’”+