ગણના ૨૪:૧-૨૫

  • બલામનું ત્રીજું ભવિષ્યવચન (૧-૧૧)

  • બલામનું ચોથું ભવિષ્યવચન (૧૨-૨૫)

૨૪  જ્યારે બલામે જોયું કે ઇઝરાયેલને આશીર્વાદ આપવાથી યહોવા ખુશ થાય છે,* ત્યારે તે પહેલાંની જેમ ઇઝરાયેલના વિનાશ વિશે શુકન જોવા ગયો નહિ.+ પણ તે વેરાન પ્રદેશ તરફ મોં ફેરવીને ઊભો રહ્યો. ૨  બલામે નજર ઉઠાવીને જોયું તો ઇઝરાયેલીઓ પોતપોતાનાં કુળ પ્રમાણે છાવણીમાં રહેતા હતા.+ પછી ઈશ્વરની શક્તિ* બલામ પર આવી+ ૩  અને તેણે આ ભવિષ્યવચન કહ્યું:+ “બયોરના દીકરા બલામનો સંદેશો, હા, એ માણસનો સંદેશો જેની આંખો ઉઘાડવામાં આવી છે,  ૪  એ માણસનો સંદેશો જે ઈશ્વરની વાણી સાંભળે છે, જેણે જમીન પર પડીને ખુલ્લી આંખે, સર્વશક્તિમાનનું દર્શન જોયું છે:+  ૫  હે યાકૂબ, તારા તંબુઓ કેટલા સુંદર છે! હે ઇઝરાયેલ, તારા મંડપો કેટલા રમણીય છે!+  ૬  તેઓ એવી રીતે ફેલાયા છે, જાણે દૂર પથરાયેલી ખીણો હોય,+ જાણે નદી પાસેના બાગ-બગીચા હોય, જાણે યહોવાએ રોપેલા અગરના* છોડ હોય, જાણે પાણી પાસે દેવદારનાં ઝાડ હોય.  ૭  તેનાં* ચામડાનાં બે પાત્રમાંથી પાણી ટપકતું રહે છે, તેનું બી* પુષ્કળ પાણી પાસે રોપવામાં આવ્યું છે.+ તેનો રાજા+ તો અગાગ કરતાં પણ મહાન બનશે,+ તેનું રાજ્ય ઊંચું મનાવવામાં આવશે.+  ૮  ઈશ્વર તેને ઇજિપ્તમાંથી બહાર લાવે છે. ઈશ્વર તેઓ માટે જંગલી આખલાનાં શિંગડાં* જેવા છે. ઇઝરાયેલ બીજી પ્રજાઓને, હા, તેને સતાવનારાઓને ભરખી જશે,+ તે તેઓનાં હાડકાં ચાવી જશે અને પોતાનાં બાણોથી તેઓને વીંધી નાખશે.  ૯  તે સિંહની જેમ જમીન પર પગ ફેલાવીને આડો પડ્યો છે, તેને છંછેડવાની હિંમત કોણ કરે? તને આશીર્વાદ આપનાર પર આશીર્વાદ આવે, અને તને શ્રાપ આપનાર પર શ્રાપ ઊતરી આવે.”+ ૧૦  એ સાંભળીને બલામ પર બાલાકનો ગુસ્સો સળગી ઊઠ્યો. તેણે ગુસ્સામાં પોતાના હાથ પછાડીને બલામને કહ્યું: “મારા દુશ્મનોને શ્રાપ આપવા મેં તને અહીં બોલાવ્યો હતો,+ પણ આ ત્રણ વાર તેં તેઓને આશીર્વાદ જ આપ્યો છે. ૧૧  હવે અહીંથી ચાલ્યો જા. હું તો તને સન્માન આપવા માંગતો હતો,+ પણ જો! યહોવાએ તને સન્માન મેળવવાથી રોક્યો છે.” ૧૨  બલામે બાલાકને કહ્યું: “મેં તો તમારા સંદેશવાહકોને કહ્યું હતું, ૧૩  ‘જો બાલાક સોના-ચાંદીથી ભરેલો પોતાનો મહેલ મને આપી દે, તોપણ મારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને હું મારી મરજી પ્રમાણે* કંઈ જ સારું કે ખરાબ કરી શકતો નથી. યહોવા જે કહેશે, એ જ હું બોલીશ.’+ ૧૪  હવે હું મારા લોકો પાસે જઈ રહ્યો છું. ચાલો, હું તમને જણાવું કે આ લોકો ભાવિમાં* તમારા લોકોનું શું કરશે.” ૧૫  પછી તેણે આ ભવિષ્યવચન કહ્યું:+ “બયોરના દીકરા બલામનો સંદેશો,હા, એ માણસનો સંદેશો જેની આંખો ઉઘાડવામાં આવી છે,+ ૧૬  એ માણસનો સંદેશો જે ઈશ્વરની વાણી સાંભળે છે,જેની પાસે સર્વોચ્ચ ઈશ્વરે આપેલું જ્ઞાન છે,જેણે જમીન પર પડીને ખુલ્લી આંખે,સર્વશક્તિમાનનું દર્શન જોયું છે: ૧૭  હું તેને જોઈશ, પણ હમણાં નહિ;હું તેના પર નજર કરીશ, પણ આજકાલમાં નહિ. યાકૂબમાંથી તારો નીકળશે,+ઇઝરાયેલમાંથી રાજદંડ*+ ઊભો થશે.+ તે મોઆબના કપાળને* વચ્ચેથી ચીરી નાખશે,+અને હિંસાના દીકરાઓની ખોપરી ભાંગી નાખશે. ૧૮  ઇઝરાયેલ પોતાનું પરાક્રમ બતાવશે ત્યારે,અદોમ તેનો વારસો બનશે,+હા, સેઈર+ પોતાના દુશ્મનોનો વારસો બનશે.+ ૧૯  યાકૂબમાંથી એક માણસ આવશે, જે દુશ્મનોને પગ તળે કચડી નાખશે,+તે શહેરના બચી ગયેલાઓનો પણ વિનાશ કરી દેશે.” ૨૦  અમાલેકને જોઈને તેણે આ ભવિષ્યવચન કહ્યું: “અમાલેક બધી પ્રજાઓમાં સૌથી પહેલો હતો,*+પણ છેવટે તેનો નાશ થશે.”+ ૨૧  કેનીઓને+ જોઈને તેણે આ ભવિષ્યવચન કહ્યું: “તારું રહેઠાણ સલામત છે, ખડક પરના માળાની જેમ તારું ઘર સુરક્ષિત છે. ૨૨  પણ કોઈ આવશે અને કેનીઓને* બાળી નાખશે. એ દિવસ દૂર નથી, જ્યારે આશ્શૂર તને બંદી બનાવીને લઈ જશે.” ૨૩  બલામે પોતાના ભવિષ્યવચનમાં આમ પણ કહ્યું: “અફસોસ! ઈશ્વર એ બધું કરશે ત્યારે કોણ બચશે? ૨૪  કિત્તીમના+ કિનારેથી વહાણો આવશે,તેઓ આશ્શૂરને+ સતાવશે,અને એબેર પર જુલમ ગુજારશે. આખરે તે પોતે પણ નાશ પામશે.” ૨૫  પછી બલામ+ ત્યાંથી નીકળી ગયો અને બાલાક પણ પોતાને રસ્તે રવાના થયો.

ફૂટનોટ

મૂળ, “યહોવાની નજરમાં સારું છે.”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.
અથવા, “વંશજ.”
દેખીતું છે, એ ઇઝરાયેલને બતાવે છે.
મૂળ, “મારા દિલથી.”
અથવા, “છેલ્લા દિવસોમાં.”
અથવા, “લમણાંને.”
એટલે કે, ઇઝરાયેલ ઇજિપ્તમાંથી નીકળ્યો ત્યારે, અમાલેકે કોઈ કારણ વગર તેના પર સૌથી પહેલા હુમલો કર્યો હતો.
મૂળ, “કાઈનને.”