ગણના ૩૧:૧-૫૪

  • મિદ્યાન પાસેથી બદલો લેવામાં આવ્યો (૧-૧૨)

    • બલામ માર્યો ગયો ()

  • યુદ્ધની લૂંટ વિશે સૂચનો (૧૩-૫૪)

૩૧  પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨  “મિદ્યાનીઓએ ઇઝરાયેલીઓ સાથે જે કર્યું, એનો તું બદલો લે.+ એ પછી તું મરણ પામશે અને તારા બાપદાદાઓની જેમ તને દફનાવવામાં આવશે.”*+ ૩  મૂસાએ લોકોને કહ્યું: “મિદ્યાન વિરુદ્ધ યુદ્ધ કરવા તમારામાંથી પુરુષોને તૈયાર કરો, જેથી તેઓ યહોવા વતી બદલો વાળે. ૪  યુદ્ધ માટે તમે ઇઝરાયેલના દરેક કુળમાંથી ૧,૦૦૦ પુરુષો મોકલો.” ૫  તેથી દરેક કુળમાંથી ૧,૦૦૦ પુરુષોને પસંદ કરવામાં આવ્યા. આમ, લાખો ઇઝરાયેલીઓમાંથી+ ૧૨,૦૦૦ પુરુષોને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા. ૬  મૂસાએ તેઓને, એટલે કે દરેક કુળમાંથી ૧,૦૦૦ પુરુષોને યુદ્ધમાં મોકલ્યા. તેઓની સાથે તેણે એલઆઝારના દીકરા ફીનહાસને+ સૈન્યના યાજક તરીકે મોકલ્યો. તેના હાથમાં પવિત્ર વાસણો અને યુદ્ધનો સંકેત આપવા રણશિંગડાં હતાં.+ ૭  યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ મિદ્યાન વિરુદ્ધ યુદ્ધ કર્યું અને તેઓમાંના દરેક પુરુષને મારી નાખ્યો. ૮  એ પુરુષો ઉપરાંત તેઓએ મિદ્યાનના આ પાંચ રાજાઓને પણ મારી નાખ્યા: અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા. તેઓએ બયોરના દીકરા બલામને+ પણ તલવારથી મારી નાખ્યો. ૯  પણ તેઓએ મિદ્યાની સ્ત્રીઓને અને બાળકોને બંદી બનાવ્યાં. તેઓની બધી માલ-મિલકત, તેઓનાં બધાં પાલતુ પ્રાણીઓ અને ઢોરઢાંક લૂંટી લીધાં. ૧૦  તેઓ રહેતા હતા એ બધાં શહેરોને અને છાવણીઓને* આગથી બાળી દીધાં. ૧૧  તેઓ બધી લૂંટ, કબજે કરેલાં પ્રાણીઓ અને બંદીવાનોને લઈ આવ્યા. ૧૨  પછી એ બધી લૂંટ અને બંદીવાનોને તેઓ મૂસા, એલઆઝાર યાજક અને બધા ઇઝરાયેલીઓ પાસે લઈ આવ્યા. એ વખતે ઇઝરાયેલીઓએ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી હતી,+ જે યર્દન પાસે યરીખો સામે હતી. ૧૩  પછી મૂસા, એલઆઝાર યાજક અને બધાં કુળોના મુખી તેઓને મળવા છાવણીની બહાર ગયા. ૧૪  પણ યુદ્ધમાંથી પાછા આવેલા સૈન્યના અધિકારીઓ પર, એટલે કે હજાર હજારની અને સો સોની ટુકડીઓના મુખીઓ પર મૂસા ગુસ્સે ભરાયો. ૧૫  મૂસાએ તેઓને કહ્યું: “તમે કેમ બધી સ્ત્રીઓને જીવતી રાખી? ૧૬  જુઓ! આ એ જ સ્ત્રીઓ છે, જેઓએ બલામના કહેવાથી ઇઝરાયેલીઓને ફસાવ્યા હતા અને પેઓરના કિસ્સામાં+ યહોવાને બેવફા બનવા લોકોને ઉશ્કેર્યા હતા.+ એના લીધે યહોવાના લોકો પર રોગચાળો ફાટી નીકળ્યો હતો.+ ૧૭  હવે તમે દરેક નર બાળકને મારી નાખો અને પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય એવી દરેક સ્ત્રીને મારી નાખો. ૧૮  પણ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય એવી દરેક છોકરીને જીવતી રાખો.+ ૧૯  તમે સાત દિવસ સુધી છાવણી બહાર રહો. તમારામાંથી જેણે જેણે કોઈને મારી નાખ્યો હોય અથવા કોઈના શબને અડક્યો હોય,+ તે ત્રીજા દિવસે અને સાતમા દિવસે પોતાને શુદ્ધ કરે.+ તમે અને તમારા બધા બંદીવાનો એ પ્રમાણે કરો. ૨૦  તમે દરેક કપડાને, ચામડાની દરેક વસ્તુને, બકરાના વાળથી બનેલી દરેક વસ્તુને અને લાકડાની દરેક વસ્તુને શુદ્ધ કરો.” ૨૧  યુદ્ધમાં ગયેલા સૈનિકોને એલઆઝાર યાજકે કહ્યું: “યહોવાએ મૂસા દ્વારા આ નિયમ આપ્યો છે: ૨૨  ‘સોનું, ચાંદી, તાંબું, લોઢું, કલાઈ, સીસું ૨૩  અને એવી દરેક વસ્તુ જે આગમાં ટકી શકે છે, એને તમે આગમાં નાખો અને એ શુદ્ધ થશે. પછી એ વસ્તુઓને તમે શુદ્ધિકરણના પાણીથી શુદ્ધ કરો.+ પણ આગમાં ટકી ન શકે એવી દરેક વસ્તુને તમે પાણીથી ધૂઓ. ૨૪  સાતમા દિવસે તમે તમારાં કપડાં ધૂઓ, એટલે તમે શુદ્ધ થશો. પછી તમે છાવણીમાં આવી શકો.’”+ ૨૫  પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૬  “એલઆઝાર યાજક અને પિતાનાં કુટુંબોના વડા સાથે મળીને તું લૂંટની, કબજે કરેલાં પ્રાણીઓની અને બંદીવાનોની યાદી બનાવ. ૨૭  લૂંટના બે હિસ્સા પાડ. એક હિસ્સો યુદ્ધમાં ગયેલા સૈનિકોને આપ અને બીજો હિસ્સો બાકીના ઇઝરાયેલીઓને આપ.+ ૨૮  યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી યહોવા માટે કર લે. દર ૫૦૦માંથી એક,* એટલે કે લોકોમાંથી, ઢોરઢાંકમાંથી, ગધેડાંમાંથી અને ઘેટાં-બકરાંમાંથી એક એક લે. ૨૯  સૈનિકોના હિસ્સામાંથી તું એ બધું લે અને એલઆઝાર યાજકને આપ. એ દાન યહોવાનું છે.+ ૩૦  ઇઝરાયેલીઓના હિસ્સામાંથી તું દર ૫૦માંથી એક, એટલે કે લોકોમાંથી, ઢોરઢાંકમાંથી, ગધેડાંમાંથી, ઘેટાં-બકરાંમાંથી અને દરેક પ્રકારના પાલતુ પ્રાણીમાંથી એક એક લે. તું એ બધું લેવીઓને આપ,+ જેઓ યહોવાના મંડપને લગતી જવાબદારીઓ નિભાવે છે.”+ ૩૧  યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ મૂસાએ અને એલઆઝાર યાજકે કર્યું. ૩૨  સૈનિકો જે લૂંટ લાવ્યા હતા, એમાંથી જે બચ્યું એ આ પ્રમાણે હતું: ૬,૭૫,૦૦૦ ઘેટાં-બકરાં; ૩૩  ૭૨,૦૦૦ ઢોરઢાંક; ૩૪  ૬૧,૦૦૦ ગધેડાં. ૩૫  પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય+ એવી સ્ત્રીઓની સંખ્યા ૩૨,૦૦૦ હતી. ૩૬  યુદ્ધમાં ગયેલા સૈનિકોને હિસ્સામાં ૩,૩૭,૫૦૦ ઘેટાં-બકરાં મળ્યાં. ૩૭  એમાંથી ૬૭૫ ઘેટાં-બકરાં યહોવાને કર તરીકે આપ્યાં. ૩૮  ૩૬,૦૦૦ ઢોરઢાંક હતાં, જેમાંથી ૭૨ ઢોરઢાંક યહોવાને કર તરીકે આપ્યાં. ૩૯  ૩૦,૫૦૦ ગધેડાં હતાં, જેમાંથી ૬૧ ગધેડાં યહોવાને કર તરીકે આપ્યાં. ૪૦  ૧૬,૦૦૦ લોકો હતા, જેમાંથી ૩૨ લોકો યહોવાને કર તરીકે આપ્યા. ૪૧  પછી મૂસાએ એ કર યહોવાના દાન તરીકે એલઆઝાર યાજકને આપ્યો.+ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ તેણે કર્યું. ૪૨  મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકોને હિસ્સો આપ્યો, એ પછી જે અડધો હિસ્સો ઇઝરાયેલીઓને મળ્યો એ આ હતો: ૪૩  ૩,૩૭,૫૦૦ ઘેટાં-બકરાં; ૪૪  ૩૬,૦૦૦ ઢોરઢાંક; ૪૫  ૩૦,૫૦૦ ગધેડાં ૪૬  અને ૧૬,૦૦૦ લોકો. ૪૭  પછી મૂસાએ ઇઝરાયેલીઓના હિસ્સામાંથી દર ૫૦માંથી એક, એટલે કે લોકોમાંથી અને પ્રાણીઓમાંથી એક એક લઈને એ બધું લેવીઓને આપ્યું,+ જેઓ યહોવાના મંડપને લગતી જવાબદારીઓ નિભાવતા હતા.+ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેણે કર્યું. ૪૮  પછી સૈન્યના અધિકારીઓ, એટલે કે હજાર હજારની+ અને સો સોની ટુકડીઓના મુખીઓ મૂસા પાસે આવ્યા. ૪૯  તેઓએ મૂસાને કહ્યું: “અમારા અધિકાર નીચે જે પુરુષો યુદ્ધમાં ગયા હતા, તેઓની અમે ગણતરી કરી અને એક પણ પુરુષ ઓછો થયો નથી.+ ૫૦  અમારામાંનો દરેક જણ અમને જે મળ્યું છે એમાંથી યહોવાને આ અર્પણ કરવા માંગે છે: સોનાની વસ્તુઓ, ઝાંઝરો, બંગડીઓ, વીંટીઓ,* કાનની કડીઓ અને બીજાં ઘરેણાં, જેથી અમે યહોવા આગળ પોતાના માટે પ્રાયશ્ચિત્ત કરી શકીએ.” ૫૧  તેથી મૂસા અને એલઆઝાર યાજકે તેઓ પાસેથી સોનાનાં બધાં ઘરેણાં સ્વીકાર્યાં. ૫૨  હજાર હજાર અને સો સોની ટુકડીઓના મુખીઓએ યહોવા માટે દાનમાં જે સોનું આપ્યું, એનું વજન ૧૬,૭૫૦ શેકેલ* હતું. ૫૩  દરેક સૈનિકે પોતાના માટે લૂંટ રાખી લીધી હતી. ૫૪  મૂસા અને એલઆઝાર યાજકે હજાર હજાર અને સો સોની ટુકડીઓના મુખીઓ પાસેથી સોનું લીધું અને એને મુલાકાતમંડપમાં લાવ્યા. એ યહોવા આગળ ઇઝરાયેલીઓ માટે યાદગીરીરૂપ હતું.

ફૂટનોટ

મૂળ, “પોતાના લોકો સાથે ભળી જશે.”
અથવા, “દીવાલવાળી છાવણીઓને.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.