ગણના ૬:૧-૨૭

  • નાઝીરીની માનતા (૧-૨૧)

  • યાજકો તરફથી આશીર્વાદ (૨૨-૨૭)

 યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨  “ઇઝરાયેલીઓ સાથે વાત કર અને તેઓને કહે, ‘જો કોઈ પુરુષે કે સ્ત્રીએ યહોવા માટે નાઝીરી* તરીકે જીવવાની ખાસ માનતા લીધી હોય,+ ૩  તો તે દ્રાક્ષદારૂ અને કોઈ પણ પ્રકારના શરાબથી દૂર રહે. તે દ્રાક્ષદારૂનો સરકો* અથવા બીજા કોઈ શરાબનો પણ સરકો ન પીએ.+ તે દ્રાક્ષમાંથી બનાવેલું કોઈ પીણું ન પીએ તેમજ લીલી કે સૂકી દ્રાક્ષ ન ખાય. ૪  તે જેટલા દિવસ સુધી નાઝીરી હોય, એટલા દિવસ દ્રાક્ષાવેલાની ઊપજમાંથી બનેલું કંઈ ન ખાય. તે ન તો કાચી દ્રાક્ષ ખાય, ન એની છાલ ખાય. ૫  “‘તેણે જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હોય, એટલા દિવસ તેના માથા પર અસ્ત્રો ન ફરે.+ યહોવા માટે અલગ થવાના તેના દિવસો પૂરા થાય ત્યાં સુધી તે પોતાના માથાના વાળ વધવા દે અને આ રીતે પવિત્ર બની રહે. ૬  તે યહોવા માટે પોતાને જેટલા દિવસો અલગ રાખે, એટલા દિવસો તે કોઈ શબ* પાસે ન જાય. ૭  તેના પિતા કે માતા કે ભાઈ કે બહેન મરણ પામે તોપણ, એ શબને અડકીને તે પોતાને અશુદ્ધ ન કરે,+ કેમ કે તેના લાંબા વાળ એ વાતની નિશાની છે કે તે ઈશ્વર માટે નાઝીરી છે. ૮  “‘તેણે જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હોય, એટલા દિવસ તે યહોવા માટે પવિત્ર છે. ૯  પણ જો કોઈ વ્યક્તિ અચાનક તેની પડખે મરણ પામે+ અને તેના વાળ અશુદ્ધ થઈ જાય, જે ઈશ્વર માટે અલગ થવાની નિશાની છે,* તો તેના શુદ્ધિકરણના દિવસે, એટલે કે સાતમા દિવસે તે માથું મૂંડાવે.+ ૧૦  આઠમા દિવસે તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે લાવે. ૧૧  યાજક એકને પાપ-અર્પણ* તરીકે અને બીજાને અગ્‍નિ-અર્પણ* તરીકે ચઢાવે અને મરેલી વ્યક્તિને લીધે થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરે.+ પછી માનતા લેનાર વ્યક્તિ એ જ દિવસે પોતાનું માથું પવિત્ર કરે.* ૧૨  તેણે પહેલાં જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હતું, એટલા દિવસ માટે તે ફરીથી પોતાને યહોવા માટે અલગ કરે. પણ તેના અગાઉના દિવસો રદ ગણાય. તેનું નાઝીરીપણું ભ્રષ્ટ થયું હોવાથી, તે દોષ-અર્પણ* માટે એક વર્ષનો નર ઘેટો લાવે. ૧૩  “‘નાઝીરીવ્રત લેનાર વિશે આ નિયમ છે: જ્યારે તેના નાઝીરીવ્રતના દિવસો પૂરા થાય,+ ત્યારે તેને મુલાકાતમંડપ આગળ રજૂ કરવામાં આવે. ૧૪  ત્યાં તે યહોવાને આ અર્પણો રજૂ કરે: અગ્‍નિ-અર્પણ માટે ખોડખાંપણ વગરનો એક વર્ષનો ઘેટો,+ પાપ-અર્પણ માટે ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ શાંતિ-અર્પણ* માટે ખોડખાંપણ વગરનો એક ઘેટો,+ ૧૫  ટોપલીમાં મૂકેલી મેંદાની રોટલી,* જે તેલ નાખીને બનાવેલી હોય, તેલ ચોપડેલા બેખમીર* પાપડ અને એની સાથે અનાજ-અર્પણ+ અને દ્રાક્ષદારૂ-અર્પણો.+ ૧૬  પછી યાજક એ બધું યહોવા આગળ રજૂ કરે અને તે વ્યક્તિનાં પાપ-અર્પણ તથા અગ્‍નિ-અર્પણ ચઢાવે. ૧૭  તે શાંતિ-અર્પણ તરીકે નર ઘેટાને યહોવા આગળ ચઢાવે અને એની સાથે ટોપલીમાં મૂકેલી બેખમીર રોટલી ચઢાવે. ઘેટા સાથે તે અનાજ-અર્પણ+ અને દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવે. ૧૮  “‘પછી નાઝીરીવ્રત લીધેલી વ્યક્તિ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પોતાના લાંબા વાળ કાપીને માથું મૂંડાવે,*+ જે તેના વ્રતના દિવસો દરમિયાન વધ્યા હતા. તે પોતાના કાપેલા વાળ લઈને શાંતિ-અર્પણ નીચે સળગતા અગ્‍નિમાં બાળી દે. ૧૯  પછી યાજક નર ઘેટાનો એક બાફેલો+ ખભો લે. એની સાથે તે ટોપલીમાંથી એક બેખમીર રોટલી* અને એક બેખમીર પાપડ લે. નાઝીરીવ્રત લેનાર પોતાનું માથું મૂંડાવે પછી યાજક એ બધી વસ્તુઓ તેના હાથમાં મૂકે. ૨૦  યાજક એ બધાને હલાવવાના અર્પણ* તરીકે યહોવા સામે આગળ-પાછળ હલાવે.+ હલાવવાના અર્પણના પ્રાણીની છાતીના ભાગ અને પવિત્ર હિસ્સાના પગના ભાગની+ જેમ એ વસ્તુઓ યાજકને આપવી. ત્યાર બાદ, નાઝીરીવ્રત લેનાર વ્યક્તિ દ્રાક્ષદારૂ પી શકે. ૨૧  “‘નાઝીરીવ્રત લેનાર વ્યક્તિ વિશે આ નિયમ છે:+ જો તે નાઝીરીવ્રત માટે જરૂરી હોય એનાથી વધારે અર્પણો યહોવાને ચઢાવી શકતી હોય અને એ આપવાની તેણે માનતા લીધી હોય, તો તેણે કોઈ પણ સંજોગોમાં પોતાની એ માનતા પૂરી કરવી.’” ૨૨  પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૩  “હારુન અને તેના દીકરાઓને કહે, ‘તમે આમ કહીને ઇઝરાયેલીઓને આશીર્વાદ આપો:+ ૨૪  “યહોવા તમને આશીર્વાદ આપે+ અને તમારું રક્ષણ કરે. ૨૫  યહોવાના મુખનો પ્રકાશ તમારા પર રહે+ અને તે તમને કૃપા બતાવે. ૨૬  યહોવા પોતાનું મોં તમારા તરફ રાખે અને તમને શાંતિ આપે.”’+ ૨૭  તેઓ મારું નામ લઈને+ ઇઝરાયેલીઓને આશીર્વાદ આપે, જેથી હું તેઓને આશીર્વાદ આપું.”+

ફૂટનોટ

હિબ્રૂ, નાઝીર. અર્થ, “સમર્પિત કરાયેલ; અલગ કરાયેલ.” શબ્દસૂચિ જુઓ.
એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “અને તેના નાઝીરીપણાનું માથું અશુદ્ધ થઈ જાય.”
દેખીતું છે, એમ કરવા તે પોતાના વાળ ફરી વધારશે.
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું. શબ્દસૂચિમાં “અનાજ-અર્પણ” જુઓ.
અથવા, “ખમીર વગરના.”
અથવા, “પોતાના નાઝીરીપણાનું માથું મૂંડાવે.”
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું.