ગણના ૮:૧-૨૬

  • હારુન સાત દીવાઓ સળગાવે છે (૧-૪)

  • લેવીઓને શુદ્ધ કરવામાં આવ્યા, તેઓએ સેવા શરૂ કરી (૫-૨૨)

  • સેવા માટે લેવીઓની નક્કી કરેલી ઉંમર (૨૩-૨૬)

 યહોવાએ મૂસાને કહ્યું: ૨  “હારુનને કહે, ‘તું દીવાઓ સળગાવે ત્યારે, એ સાતેય દીવાઓનો પ્રકાશ દીવીના સામેના ભાગમાં પડે એનું ધ્યાન રાખજે.’”+ ૩  તેથી હારુને દીવીના સામેના ભાગમાં પ્રકાશ ફેલાય એ રીતે દીવા સળગાવ્યા.+ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ હારુને કર્યું. ૪  દીવીને સોનાના ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી હતી. એની દાંડીથી લઈને એની પાંખડીઓને હથોડીથી ટીપીને બનાવી હતી.+ યહોવાએ મૂસાને દર્શનમાં જે નમૂનો બતાવ્યો હતો,+ એ પ્રમાણે જ દીવી બનાવવામાં આવી હતી. ૫  યહોવાએ ફરીથી મૂસાને કહ્યું: ૬  “ઇઝરાયેલીઓમાંથી લેવીઓને લે અને તેઓને શુદ્ધ કર.+ ૭  તું તેઓને આ રીતે શુદ્ધ કર: તું તેઓ પર પાપથી શુદ્ધ કરનાર પાણી છાંટ. તેઓ અસ્ત્રાથી પોતાના આખા શરીરના વાળ ઉતારે, પોતાનાં કપડાં ધૂએ અને પોતાને શુદ્ધ કરે.+ ૮  પછી તેઓ એક આખલો લે+ અને એના અનાજ-અર્પણ માટે+ તેલ ઉમેરેલો મેંદો લે. તું પાપ-અર્પણ માટે+ બીજો એક આખલો લે. ૯  તું બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર અને બધા ઇઝરાયેલીઓને ભેગા કર.+ ૧૦  તું જ્યારે લેવીઓને યહોવા આગળ રજૂ કરે, ત્યારે ઇઝરાયેલીઓ તેઓ પર પોતાના હાથ મૂકે.*+ ૧૧  હારુન લેવીઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કરે.*+ એ ઇઝરાયેલીઓ તરફથી અર્પણ ગણાશે. ત્યાર બાદ, લેવીઓ યહોવાની સેવા કરે.+ ૧૨  “લેવીઓ આખલાનાં માથાં પર પોતાના હાથ મૂકે.+ પછી લેવીઓના પ્રાયશ્ચિત્ત માટે+ એમાંનો એક આખલો પાપ-અર્પણ તરીકે અને બીજો આખલો અગ્‍નિ-અર્પણ તરીકે યહોવાને ચઢાવવામાં આવે. ૧૩  તું લેવીઓને હારુન અને તેના દીકરાઓ સામે ઊભા રાખ અને તેઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કર.* ૧૪  તું લેવીઓને ઇઝરાયેલીઓ મધ્યેથી અલગ કર, તેઓ મારા ગણાશે.+ ૧૫  લેવીઓ સેવા કરવા મુલાકાતમંડપમાં આવે. એ રીતે, તું તેઓને શુદ્ધ કર અને હલાવવાના અર્પણ તરીકે તેઓને અર્પિત કર.* ૧૬  કેમ કે ઇઝરાયેલીઓમાંથી તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે. ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓને બદલે+ હું મારા માટે તેઓને લઉં છું. ૧૭  ઇઝરાયેલનો દરેક પ્રથમ જન્મેલો મારો છે, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી.+ જે દિવસે મેં ઇજિપ્ત દેશના બધા પ્રથમ જન્મેલાને મારી નાખ્યા હતા,+ એ જ દિવસે મેં ઇઝરાયેલના બધા પ્રથમ જન્મેલાને મારા માટે પવિત્ર ઠરાવ્યા હતા. ૧૮  ઇઝરાયેલીઓના દરેક પ્રથમ જન્મેલાને બદલે હું લેવીઓને લઈશ. ૧૯  હું ઇઝરાયેલીઓમાંથી લેવીઓને લઈશ અને તેઓને ભેટ તરીકે હારુન અને તેના દીકરાઓને આપીશ. આમ, તેઓ ઇઝરાયેલીઓ વતી મુલાકાતમંડપમાં સેવા કરી શકશે+ અને ઇઝરાયેલીઓના પ્રાયશ્ચિત્ત માટે મદદ કરી શકશે. આ રીતે, ઇઝરાયેલીઓ પવિત્ર જગ્યાની નજીક નહિ આવે અને તેઓ પર કોઈ આફત નહિ આવે.”+ ૨૦  મૂસા, હારુન અને બધા ઇઝરાયેલીઓએ લેવીઓ સાથે એ પ્રમાણે જ કર્યું. યહોવાએ લેવીઓ માટે મૂસાને જે આજ્ઞા આપી હતી, એવું જ ઇઝરાયેલીઓએ કર્યું. ૨૧  લેવીઓએ પોતાને શુદ્ધ કર્યા અને પોતાનાં કપડાં ધોયાં.+ પછી હારુને તેઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કર્યા.*+ ત્યાર બાદ, હારુને તેઓને શુદ્ધ કરવા તેઓ માટે પ્રાયશ્ચિત્ત કર્યું.+ ૨૨  એ પછી લેવીઓ મુલાકાતમંડપમાં જઈને હારુન અને તેના દીકરાઓની દેખરેખ નીચે સેવા કરવા લાગ્યા. યહોવાએ લેવીઓ વિશે મૂસાને જે આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ લોકોએ કર્યું. ૨૩  હવે યહોવાએ મૂસાને કહ્યું: ૨૪  “લેવીઓ માટે આ નિયમ છે: જે લેવીની ઉંમર ૨૫ વર્ષ કે એથી વધારે હોય, તે મુલાકાતમંડપમાં સેવા કરતા લોકો સાથે જોડાઈ શકે છે. ૨૫  પણ ૫૦ વર્ષની ઉંમર પછી તે સેવામાંથી નિવૃત્ત થઈ જશે અને મંડપમાં કામ કરશે નહિ. ૨૬  તે ચાહે તો પોતાના એ ભાઈઓને મદદ કરી શકે, જેઓ મુલાકાતમંડપની જવાબદારીઓ સંભાળે છે, પણ તે મંડપમાં સેવાનું કોઈ કામ કરશે નહિ. તું લેવીઓ અને તેઓની જવાબદારીઓ વિશેના એ નિયમનું પાલન કર.”+

ફૂટનોટ

મૂળ, “હલાવે.” એટલે કે, આગળ-પાછળ હલાવે.
મૂળ, “હલાવ.” એટલે કે, આગળ-પાછળ હલાવ.
મૂળ, “હલાવ.” એટલે કે, આગળ-પાછળ હલાવ.
મૂળ, “હલાવ્યા.” એટલે કે, આગળ-પાછળ હલાવ્યા.