ગલાતીઓને પત્ર ૧:૧-૨૪
૧ હું પ્રેરિત* પાઉલ તમને આ પત્ર લખું છું. મને કોઈ માણસે નહિ, પણ ઈસુ ખ્રિસ્ત* અને તેમને મરણમાંથી ઉઠાડનાર, ઈશ્વર આપણા પિતાએ+ પ્રેરિત તરીકે પસંદ કર્યો છે.+
૨ હું અને મારી સાથેના બધા ભાઈઓ ગલાતિયાનાં મંડળોને પત્ર લખીએ છીએ:
૩ ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે.
૪ આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે+ ખ્રિસ્તે આપણાં પાપ માટે પોતાનું જીવન અર્પી દીધું,+ જેથી તે આપણને હાલની દુષ્ટ દુનિયાથી* છોડાવે.+
૫ ઈશ્વરનો મહિમા સદાને માટે થાય. આમેન.*
૬ મને નવાઈ લાગે છે કે જે ઈશ્વરે તમને ખ્રિસ્તની અપાર કૃપાથી બોલાવ્યા, તેમનાથી તમે આટલા જલદી દૂર થઈ ગયા છો અને બીજા પ્રકારની ખુશખબર તરફ જઈ રહ્યા છો.+
૭ એવું નથી કે બીજી કોઈ ખુશખબર છે. પણ અમુક લોકો તમને હેરાન કરે છે+ અને ખ્રિસ્ત વિશેની ખુશખબરને ઉલટાવી નાખવા ચાહે છે.
૮ પણ અમે જણાવેલી ખુશખબર સિવાય, જો અમે અથવા સ્વર્ગમાંથી કોઈ દૂત* પણ તમને બીજું કંઈક જણાવે, તો તેના પર શ્રાપ ઊતરી આવે.
૯ મેં પહેલાં પણ કહ્યું હતું અને ફરી કહું છું કે, તમે જે ખુશખબર સ્વીકારી એ સિવાય કોઈ તમને બીજું કંઈક જણાવે તો તેના પર શ્રાપ ઊતરી આવે.
૧૦ હું માણસોને નહિ, પણ ઈશ્વરને ખુશ કરવા ચાહું છું. હા, હું માણસોને ખુશ કરવા નથી માંગતો. જો હું માણસોને ખુશ કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો દાસ નથી.
૧૧ ભાઈઓ, તમે આ જાણી લો કે, જે ખુશખબર હું જાહેર કરું છું એ માણસો તરફથી નથી.+
૧૨ કેમ કે એ ખુશખબર મને માણસો પાસેથી મળી નથી કે તેઓ પાસેથી હું એ શીખ્યો નથી. એ તો ઈસુ ખ્રિસ્તે મને જણાવી છે.
૧૩ હું યહૂદી ધર્મ પાળતો હતો ત્યારના મારા વર્તન વિશે+ તમે ચોક્કસ સાંભળ્યું હશે. હું ઈશ્વરના મંડળ પર ઘણો* જુલમ કરતો. હું એનું નામનિશાન મિટાવી દેવાની કોશિશ કરતો.+
૧૪ મારા પૂર્વજોના રીતરિવાજો પાળવામાં હું ઘણો ઉત્સાહી હતો.+ એટલે મારી ઉંમરના બીજા યહૂદીઓ કરતાં યહૂદી ધર્મમાં મેં વધારે પ્રગતિ કરી.
૧૫ પણ જે ઈશ્વરે મને આ દુનિયામાં જન્મ આપ્યો અને તેમની અપાર કૃપાથી બોલાવ્યો,+ તેમને પસંદ પડ્યું કે
૧૬ તે પોતાના દીકરાને મારા દ્વારા પ્રગટ કરે, જેથી હું બીજી પ્રજાઓને તેમના વિશે ખુશખબર જણાવું.+ ત્યારે સલાહ લેવા હું કોઈ માણસ* પાસે દોડી ન ગયો.
૧૭ હું મારી અગાઉના પ્રેરિતો પાસે યરૂશાલેમ પણ ન ગયો. હું અરબસ્તાન ગયો અને પછી દમસ્ક પાછો ફર્યો.+
૧૮ ત્રણ વર્ષ પછી હું કેફાસને*+ મળવા યરૂશાલેમ ગયો+ અને તેની સાથે ૧૫ દિવસ રહ્યો.
૧૯ ત્યાં હું ઈસુના ભાઈ યાકૂબ+ સિવાય બીજા કોઈ પ્રેરિતને મળ્યો નહિ.
૨૦ ઈશ્વર સાક્ષી છે કે હું તમને જે કંઈ લખીને જણાવું છું એ એકદમ સાચું છે.
૨૧ એ પછી હું સિરિયા અને કિલીકિયાના વિસ્તારોમાં ગયો.+
૨૨ પણ યહૂદિયાનાં ખ્રિસ્તી* મંડળો મને ઓળખતાં ન હતાં.
૨૩ તેઓએ ફક્ત સાંભળ્યું હતું કે, “જે માણસ પહેલાં આપણી સતાવણી કરતો હતો+ અને મંડળોનો* નાશ કરતો હતો,+ તે હવે ખુશખબર જાહેર કરે છે.”
૨૪ એટલે મારા લીધે તેઓ ઈશ્વરનો મહિમા કરવા લાગ્યા.
ફૂટનોટ
^ અથવા, “દુષ્ટ દુનિયાની વ્યવસ્થાથી; ખરાબ યુગથી.”
^ મૂળ, “મારાથી થઈ શકે એટલો.”
^ મૂળ, “લોહી અને માંસ.”
^ પિતર પણ કહેવાતો.
^ મૂળ, “શ્રદ્ધાનો.”