ગલાતીઓને પત્ર ૬:૧-૧૮
૬ ભાઈઓ, જો કોઈ માણસ અજાણતાં ખોટા માર્ગે જાય, તો તમે જેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલો છો, તેઓ એવા માણસને નમ્રભાવે* સુધારવાનો પ્રયત્ન કરો.+ પણ પોતાના પર ધ્યાન આપો+ કે તમે પણ કસોટીમાં આવી ન પડો.+
૨ એકબીજાનો ભાર ઊંચકતા રહો.+ આમ તમે ખ્રિસ્તના નિયમને પૂરી રીતે પાળો છો.+
૩ જો કોઈ માણસ પોતે કંઈ ન હોવા છતાં, પોતે કંઈક છે એમ સમજે,+ તો તે પોતાને છેતરે છે.
૪ પણ દરેક માણસ પોતાનાં કામોની તપાસ કરે.+ આમ તેને પોતાનાં જ કામોને લીધે ખુશી મળશે. તેણે પોતાનાં કામોની સરખામણી બીજાઓ સાથે કરવી નહિ.+
૫ કેમ કે દરેકે પોતાની જવાબદારીનો બોજો* જાતે ઊંચકવો પડશે.+
૬ જેને ઈશ્વરનો સંદેશો શીખવવામાં* આવે છે, તેણે શિક્ષણ* આપનારને બધી સારી વસ્તુઓમાં હિસ્સો આપવો.+
૭ છેતરાશો નહિ, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.+
૮ જે કોઈ શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે વાવે છે, તે પોતાના શરીરને લીધે નાશ લણશે. પણ જે કોઈ પવિત્ર શક્તિ પ્રમાણે વાવે છે, તે પવિત્ર શક્તિ દ્વારા હંમેશ માટેનું જીવન લણશે.+
૯ તેથી સારું કરવાનું પડતું ન મૂકીએ, કેમ કે જો આપણે થાકીએ નહિ,* તો નક્કી કરેલા સમયે લણીશું.+
૧૦ આપણી પાસે તક* છે ત્યાં સુધી ચાલો, આપણે સર્વનું અને ખાસ કરીને આપણાં સાથી ભાઈ-બહેનોનું* ભલું કરીએ.
૧૧ જુઓ, મેં મારા હાથે કેવા મોટા અક્ષરોથી તમને લખ્યું છે!
૧૨ અમુક લોકો બહારના દેખાવથી બીજાઓને ખુશ કરવા માંગે છે. તેઓ તમને સુન્નત કરાવવાનું દબાણ કરે છે, જેથી તેઓએ ખ્રિસ્તના વધસ્તંભને લીધે સતાવણી સહેવી ન પડે.
૧૩ જેઓ સુન્નત કરાવે છે, તેઓ પોતે પણ આખું નિયમશાસ્ત્ર પાળતા નથી.+ છતાં તેઓ ચાહે છે કે તમે સુન્નત કરાવો, જેથી તમારા શરીર વિશે તેઓ બડાઈ મારી શકે.
૧૪ પણ હું આપણા માલિક ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય બીજી કોઈ વાતે બડાઈ નહિ મારું.+ ખ્રિસ્તના લીધે આ દુનિયા મારા માટે મરી ચૂકી* છે અને હું આ દુનિયા માટે મરી ચૂક્યો છું.
૧૫ કેમ કે સુન્નત કરાવવી કે ન કરાવવી એ મહત્ત્વનું નથી,+ પણ નવું સર્જન મહત્ત્વનું છે.+
૧૬ આ સિદ્ધાંત પ્રમાણે ચાલનારા સર્વ પર, હા, જેઓ ઈશ્વરનું ઇઝરાયેલ*+ છે તેઓ પર શાંતિ અને દયા રહે.
૧૭ હવેથી, મારી વિરુદ્ધ બોલશો નહિ,* કેમ કે મારા શરીર પર ઈસુના દાસ હોવાની છાપ મારેલી છે.+
૧૮ ભાઈઓ, તમારા સારા વલણ પર આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા રહે. આમેન.
ફૂટનોટ
^ અથવા, “કોમળતાથી.”
^ અથવા, “પોતાનો બોજો.”
^ અથવા, “મૌખિક રીતે શીખવવામાં.”
^ અથવા, “મૌખિક શિક્ષણ.”
^ અથવા, “હિંમત ન હારીએ.”
^ મૂળ, “નક્કી કરેલો સમય.”
^ અથવા, “શ્રદ્ધામાં આપણાં ભાઈ-બહેનોનું.”
^ અથવા, “વધસ્તંભે મારી નાખવામાં આવી.”
^ અથવા, “મારા માટે મુશ્કેલી ઊભી કરશો નહિ.”