ગીતશાસ્ત્ર ૧૦૪:૧-૩૫

  • સૃષ્ટિની રચના માટે ઈશ્વરનો જયજયકાર

    • પૃથ્વી કાયમ ટકશે ()

    • માણસ માટે શરાબ અને રોટલી (૧૫)

    • “તમારાં કામો અગણિત છે!” (૨૪)

    • ‘જીવન-શક્તિ લઈ લેવાય ત્યારે, તેઓ મરણ પામે છે’ (૨૯)

૧૦૪  હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.+ હે યહોવા મારા ઈશ્વર, તમે બહુ જ મહાન છો.+ તમે માન-મહિમા* અને ગૌરવથી શોભાયમાન છો.+  ૨  તમે કપડાની જેમ પ્રકાશ ઓઢી લીધો છે.+ તમે આકાશોને તંબુના કાપડની જેમ ફેલાવો છો.+  ૩  તમે વાદળો પર પોતાના માટે ઘર બાંધો છો.*+ વાદળોને પોતાનો રથ બનાવો છો,+પવનની પાંખો પર સવારી કરો છો.+  ૪  તમે* પોતાના દૂતોને શક્તિશાળી* બનાવો છો,પોતાના સેવકોને ભસ્મ કરનાર અગ્‍નિ બનાવો છો.+  ૫  તમે પૃથ્વીને એના પાયાઓ પર અડગ રાખી છે.+ પૃથ્વીને એની જગ્યાએથી સદાને માટે ખસેડી શકાશે નહિ.+  ૬  તમે પૃથ્વીને ઊંડા પાણીની ઓઢણી ઓઢાડી દીધી છે.+ પાણીએ પર્વતોને ઢાંકી દીધા છે.  ૭  તમારી ધમકીથી તેઓ નાસી ગયા.+ તમારી ગર્જનાના અવાજથી તેઓ ગભરાઈને ભાગી ગયા.  ૮  પર્વતો ઊંચા આવ્યા+ અને ખીણો નીચે ઊતરી,તમે ઠરાવેલી જગ્યાએ તેઓ ચાલ્યા ગયા.  ૯  પાણી ફરી કદીયે પૃથ્વીને ઢાંકે નહિ એ માટે,તમે હદ ઠરાવી આપી, જે તેઓ ઓળંગે નહિ.+ ૧૦  તમારા કહેવાથી ખીણોમાં ઝરાઓ ફૂટી નીકળે છે,જે પર્વતોની વચ્ચે થઈને વહે છે. ૧૧  એનાથી બધાં જંગલી જાનવરોને પાણી મળે છે. જંગલી ગધેડાઓ તરસ છિપાવે છે. ૧૨  ઝરણાંને કિનારે આવેલાં વૃક્ષો પર પંખીઓ માળા બાંધે છે. તેઓ ગાઢ જંગલમાં ગીતો ગાય છે. ૧૩  તમે ઉપરના ઓરડાઓમાંથી પર્વતોને પાણી પિવડાવો છો.+ પૃથ્વીને તમારી મહેનતનાં ફળથી સંતોષ થાય છે.+ ૧૪  તમે ઢોરઢાંક માટે ઘાસ ઉગાડો છોઅને મનુષ્ય માટે શાકભાજી.+ તમે ધરતીમાંથી અનાજ ઉગાડો છો. ૧૫  તમે માણસના દિલને ખુશ કરી દેતો શરાબ,+ચહેરા પર ચમક લાવતું તેલઅને પોષણ આપતી રોટલી પૂરાં પાડો છો.+ ૧૬  યહોવાનાં વૃક્ષો પાણી પીને ધરાયેલાં છે,લબાનોનના દેવદાર, જે તમે રોપ્યા હતા, ૧૭  એના પર પક્ષીઓ માળો બાંધે છે. ગંધતરુનાં* વૃક્ષો તો બગલાનું+ ઘર છે. ૧૮  ઊંચા ઊંચા પર્વતો પર પહાડી બકરાં રહે છે.+ ખડકો તો સસલાંનું રહેઠાણ છે.+ ૧૯  તમે ચંદ્રને સમય નક્કી કરવા બનાવ્યો છે. સૂર્ય પોતાનો આથમવાનો સમય સારી રીતે જાણે છે.+ ૨૦  તમે અંધકાર લાવો છો ને રાત પડે છે,+જંગલનાં બધાં પ્રાણીઓ આમતેમ ફરે છે. ૨૧  સિંહો શિકારની શોધમાં ત્રાડ પાડે છે+અને ઈશ્વર પાસે ખાવાનું માંગે છે.+ ૨૨  સૂરજ ઊગતાં જ તેઓ જતાં રહે છે,પોતપોતાની ગુફામાં જઈને સૂઈ જાય છે. ૨૩  માણસ પોતાના કામે જાય છેઅને સાંજ સુધી મહેનત-મજૂરી કરે છે. ૨૪  હે યહોવા, તમારાં કામો અગણિત છે!+ એ બધાંનું સર્જન તમે કેટલી સમજદારીથી કર્યું છે!+ તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે. ૨૫  સાગર કેટલો મોટો અને વિશાળ છે! એ અસંખ્ય જીવજંતુઓ અને નાનાં-મોટાં પ્રાણીઓથી ઊભરાય છે.+ ૨૬  દરિયામાં વહાણોનો કાફલો આવજા કરે છે,તમે બનાવેલું મોટું દરિયાઈ પ્રાણી*+ એમાં રમે છે. ૨૭  તમે યોગ્ય સમયે ખાવાનું આપો,+એ માટે તેઓ બધા તમારી રાહ જુએ છે. ૨૮  તમે આપો ત્યારે તેઓ ભેગું કરે છે.+ તમારો હાથ ખોલો ત્યારે તેઓ સારી વસ્તુઓથી ધરાય છે.+ ૨૯  તમે મોં ફેરવી લો ત્યારે, તેઓ હેરાન-પરેશાન થાય છે. જો તમે જીવન-શક્તિ* લઈ લો, તો તેઓ મરણ પામે છે અને પાછા ધૂળમાં મળી જાય છે.+ ૩૦  જો તમે જીવનનો શ્વાસ ફૂંકો, તો તેઓ ઉત્પન્‍ન થાય છે.+ તમે ભૂમિને ફરીથી તાજી કરો છો. ૩૧  યહોવાનું ગૌરવ સદા માટે ટકશે. યહોવા પોતાનાં કામો જોઈને હરખાશે.+ ૩૨  તમે પૃથ્વી પર નજર કરી અને એ ધ્રૂજી ઊઠી. તમે પર્વતોને અડક્યા અને ધુમાડો નીકળવા લાગ્યો.+ ૩૩  હું જિંદગીભર યહોવાનાં ગીતો ગાઈશ.+ હું છેલ્લા શ્વાસ સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.*+ ૩૪  મારા વિચારો તેમને પસંદ પડે.* હું યહોવાને લીધે આનંદ કરીશ. ૩૫  પૃથ્વી પરથી પાપીઓનું નામનિશાન ભૂંસાઈ જશે. દુષ્ટો હવે રહેશે જ નહિ.+ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. યાહનો જયજયકાર કર!*

ફૂટનોટ

અથવા, “ભવ્યતા.”
અથવા, “ઉપરના ઓરડાઓના ભારોટિયા મૂકો છો.”
મૂળ, “તે.”
અથવા, “પવનવેગી.”
દેવદારની જાતનું એક ઝાડ.
હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”
અથવા કદાચ, “હું તેમના વિશે જે મનન કરું છું એ આનંદ આપનારું હોય.”
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.