ગીતશાસ્ત્ર ૧૩૨:૧-૧૮

  • દાઉદ અને સિયોન પસંદ કરાયા

    • “તમારા અભિષિક્તને તરછોડી ન દેશો” (૧૦)

    • સિયોનના યાજકોને ઉદ્ધારનાં વસ્ત્રો પહેરાવ્યાં (૧૬)

ચઢવાનું ગીત. ૧૩૨  હે યહોવા, દાઉદને યાદ કરો,તેનાં બધાં દુઃખોને યાદ કરો.+  ૨  તેણે યહોવા આગળ સમ ખાધા હતા,યાકૂબના શક્તિશાળી ઈશ્વર આગળ આવી માનતા લીધી હતી:+  ૩  “હું ઈશ્વર માટે મંદિર ન બાંધું ત્યાં સુધી, મારા તંબુમાં કે ઘરમાં જઈશ નહિ,+મારા પલંગ પર, મારી પથારી પર સૂઈશ નહિ,  ૪  હું મારી આંખોને ઊંઘવા દઈશ નહિ,કે મારાં પોપચાંને ઝબકી મારવા દઈશ નહિ,  ૫  હા, જ્યાં સુધી હું યહોવા માટે મંડપ,યાકૂબના શક્તિશાળી ઈશ્વર માટે ભવ્ય મંદિર ન બાંધું.”+  ૬  જુઓ! અમે કરારકોશ* વિશે એફ્રાથાહમાં સાંભળ્યું હતું.+ જંગલના વિસ્તારોમાં એ અમને મળ્યો હતો.+  ૭  ચાલો, આપણે તેમના ભવ્ય મંડપમાં જઈએ,+તેમના પગના આસન આગળ નમન કરીએ.+  ૮  હે યહોવા, ઊઠો અને તમારા રહેઠાણમાં* આવો.+ હા, તમારો કરારકોશ પણ આવે, જે તમારી તાકાતની નિશાની છે.+  ૯  તમારા યાજકો સચ્ચાઈનાં વસ્ત્રો પહેરે,તમારા વફાદાર લોકો ખુશીનો પોકાર કરે. ૧૦  તમારા સેવક દાઉદને તમે વચન આપ્યું હોવાથી,તમારા અભિષિક્તને તરછોડી ન દેશો.+ ૧૧  યહોવાએ દાઉદ આગળ સોગંદ ખાધા છે,તે પોતાના આ વચનથી કદીયે ફરી જશે નહિ: “તારા વંશજોમાંના એકનેહું તારી રાજગાદી પર બેસાડીશ.+ ૧૨  જો તારા દીકરાઓ મારો કરાર પાળશે,મારાં શીખવેલાં સૂચનો પાળશે,+તો તેઓના દીકરાઓ પણતારી રાજગાદી પર હંમેશ માટે બેસશે.”+ ૧૩  યહોવાએ સિયોન પસંદ કર્યું છે.+ તેમણે પોતાના રહેઠાણ માટે એની તમન્‍ના રાખતા કહ્યું:+ ૧૪  “આ મારું કાયમ માટેનું રહેઠાણ છે. હું અહીં રહીશ,+ કેમ કે એ જ મારી તમન્‍ના છે. ૧૫  મારા આશીર્વાદને લીધે એ શહેરમાં ભરપૂર ખોરાક હશે. એના ગરીબોને હું રોટલીથી સંતોષ આપીશ.+ ૧૬  એના યાજકોને હું ઉદ્ધારનાં વસ્ત્રો પહેરાવીશ,+એના વફાદાર લોકો ખુશીનો પોકાર કરશે.+ ૧૭  ત્યાં હું દાઉદનું બળ વધારીશ.* મેં મારા અભિષિક્ત માટે દીવો* તૈયાર કર્યો છે.+ ૧૮  હું તેના દુશ્મનોને શરમથી ઢાંકી દઈશ,પણ તેના માથાનો મુગટ* ચમકતો રહેશે.”+

ફૂટનોટ

અથવા, “મંડપ.”
અથવા, “આરામની જગ્યામાં.”
મૂળ, “શિંગ ઊંચું કરીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.
કદાચ વંશજ.
અથવા, “તાજ.”