ગીતશાસ્ત્ર ૧૪૬:૧-૧૦

  • ઈશ્વર પર ભરોસો રાખો, માણસો પર નહિ

    • મરણ વખતે માણસના વિચારો નાશ પામે છે ()

    • બોજથી વળી ગયેલા લોકોને ઈશ્વર ઊભા કરે છે ()

૧૪૬  યાહનો જયજયકાર કરો!*+ મારું રોમેરોમ યહોવાનો જયજયકાર કરો!+  ૨  હું જીવનભર યહોવાની આરાધના કરીશ. હું જીવીશ ત્યાં સુધી મારા ઈશ્વર માટે સ્તુતિનાં ગીતો ગાઈશ.*  ૩  શાસકોમાં* ભરોસો ન રાખ,માણસોમાં પણ નહિ, કેમ કે તેઓ ઉદ્ધાર કરી શકતા નથી.+  ૪  માણસનો શ્વાસ* બંધ થઈ જાય છે અને તે પાછો ભૂમિમાં મળી જાય છે;+એ જ દિવસે તેના વિચારો નાશ પામે છે.+  ૫  સુખી છે એ માણસ, જેને યાકૂબના ઈશ્વર સહાય કરે છે,+જેને પોતાના ઈશ્વર યહોવામાં આશા છે.+  ૬  તેમણે આકાશ અને પૃથ્વી,સમુદ્ર અને એમાંનું બધું બનાવ્યું છે.+ તે હંમેશાં વફાદાર રહે છે.+  ૭  ઠગાઈનો ભોગ બનનારાઓને તે ન્યાય આપે છે,ભૂખ્યાઓને તે ખાવાનું આપે છે.+ યહોવા કેદીઓને છોડાવે છે.+  ૮  યહોવા આંધળાઓની આંખો ખોલે છે;+યહોવા બોજથી વળી ગયેલા લોકોને ઊભા કરે છે.+ યહોવા નેક લોકોને ચાહે છે.  ૯  યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે,અનાથો અને વિધવાઓની સંભાળ રાખે છે,+પણ દુષ્ટોની યોજનાઓ તે ઊંધી વાળે છે.+ ૧૦  યહોવા હંમેશ માટે રાજા રહેશે.+ હે સિયોન, તારા ઈશ્વર પેઢી દર પેઢી રાજ કરશે. યાહનો જયજયકાર કરો!*

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “ગીતો ગાવા સંગીત વગાડીશ.”
અથવા, “અધિકારીઓમાં.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.