ગીતશાસ્ત્ર ૨૦:૧-૯

  • ઈશ્વરના અભિષિક્ત રાજાનો ઉદ્ધાર

    • અમુક લોકો રથો અને ઘોડાઓ પર ભરોસો રાખે છે, ‘પણ અમે યહોવાના નામે પોકારીએ છીએ’ ()

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. ૨૦  સંકટના દિવસે યહોવા તમને* જવાબ આપે,યાકૂબના ઈશ્વરનું નામ તમારું રક્ષણ કરે.+  ૨  પવિત્ર સ્થાનમાંથી* તે તમને સહાય મોકલે,+સિયોનમાંથી તે તમને ટકાવી રાખે.+  ૩  તમારાં બધાં ભેટ-અર્પણો તે યાદ રાખે,તમે ચઢાવેલું અગ્‍નિ-અર્પણ* તે રાજીખુશીથી સ્વીકારે. (સેલાહ)  ૪  તમારા દિલની તમન્‍ના તે પૂરી કરે,+તમારા બધા ઇરાદાઓ તે પાર પાડે.  ૫  ઉદ્ધારનાં તમારાં કામો વિશે અમે આનંદથી પોકારીશું.+ અમે ઈશ્વરના નામનો ઝંડો લહેરાવીશું.+ યહોવા તમારી બધી વિનંતીઓ પૂરી કરે.  ૬  હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને બચાવે છે.+ તે પોતાના પવિત્ર સ્વર્ગમાંથી તેને જવાબ આપે છે,તે પોતાના શક્તિશાળી જમણા હાથથી તેનો ઉદ્ધાર કરે છે.*+  ૭  અમુક લોકો રથો પર ભરોસો રાખે છે, તો અમુક લોકો ઘોડાઓ પર,+પણ અમે તો મદદ માટે અમારા ઈશ્વર યહોવાના નામે પોકારીએ છીએ.+  ૮  તેઓ ઠોકર ખાઈને પડી ગયા છે,પણ અમે પાછા ઊઠીને અડગ ઊભા છીએ.+  ૯  હે યહોવા, રાજાનો ઉદ્ધાર કરો!+ અમે મદદ માટે પોકારીશું એ દિવસે ઈશ્વર* જરૂર જવાબ આપશે.+

ફૂટનોટ

ગી ૨૦:૧-૫ના શબ્દો લોકોએ રાજાને કહ્યા છે.
અથવા, “તેને જીત અપાવે છે.”
અથવા કદાચ, “રાજા.”