ગીતશાસ્ત્ર ૪૧:૧-૧૩

  • બીમારીના બિછાનામાંથી પ્રાર્થના

    • ઈશ્વર બીમારની સંભાળ રાખે છે ()

    • જિગરી દોસ્તે દગો કર્યો ()

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. ૪૧  ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે.+ યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.  ૨  યહોવા તેની રક્ષા કરશે અને તેને જીવતો રાખશે. ધરતી પર તે સુખી ગણાશે.+ તમે તેને દુશ્મનોની ચાલાકીમાં કદીયે ફસાવા નહિ દો.+  ૩  બીમારીના બિછાનામાં પણ યહોવા તેનો સાથ નિભાવશે.+ તમે બીમારીમાં તેની સંભાળ રાખશો.  ૪  મેં કહ્યું: “હે યહોવા, મારા પર કૃપા કરો.+ મને સાજો કરો,+ કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”+  ૫  પણ વેરીઓ મારા વિશે ખરાબ બોલતા કહે છે: “તે ક્યારે મરશે અને ક્યારે તેનું નામ ભૂંસાઈ જશે?”  ૬  તેઓમાંથી કોઈ મને મળવા આવે ત્યારે ઢોંગ કરીને જૂઠું બોલે છે.* મને બદનામ કરવા કંઈ ને કંઈ શોધી કાઢે છેઅને બહાર જઈને જગજાહેર કરે છે.  ૭  મને નફરત કરનારા બધા અંદરોઅંદર ગુસપુસ કરે છે. તેઓ આમ કહીને કાવતરું ઘડે છે:  ૮  “તેના પર મોટી આફત આવી પડી છે. હવે તે પડ્યો એ પડ્યો, પાછો ઊભો થવાનો નથી.”+  ૯  અરે, જે માણસ મારો જિગરી દોસ્ત હતો, જેના પર મને પૂરો ભરોસો હતો+અને જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.*+ ૧૦  પણ હે યહોવા, તમે મારા પર કૃપા કરો અને મને ઊભો કરો,જેથી હું તેઓ પાસેથી બદલો લઈ શકું. ૧૧  જ્યારે શત્રુ મારી સામે વિજયનો હર્ષનાદ નહિ કરી શકે,+ત્યારે હું જાણીશ કે તમે મારાથી રાજી છો. ૧૨  મારી વફાદારીને* લીધે તમે મને ટકાવી રાખો છો.+ તમે મને સદાને માટે તમારી આગળ રાખશો.+ ૧૩  યુગોના યુગો સુધી,ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.+ આમેન* અને આમેન.

ફૂટનોટ

મૂળ, “તેનું દિલ અસત્ય બોલે છે.”
અથવા, “તે જ મારી વિરુદ્ધ થયો છે.”
અથવા, “પ્રમાણિકતાને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.