ગીતશાસ્ત્ર ૪૪:૧-૨૬
સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.*
૪૪ હે ઈશ્વર, લાંબા સમય પહેલાં,અમારા બાપદાદાઓના દિવસોમાં તમે જે કામો કર્યાં હતાં,એની વાતો તેઓએ અમને કહી છે,+એ અમે પોતાના કાને સાંભળી છે.
૨ તમારા હાથે તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી+અને ત્યાં અમારા બાપદાદાઓને ઠરીઠામ કર્યા.+
તમે પ્રજાઓને કચડી નાખી અને તેઓને હાંકી કાઢી.+
૩ અમારા બાપદાદાઓએ તલવારોથી દેશ કબજે કર્યો ન હતો,+કે પછી પોતાનાં બાવડાંના જોરે જીત મેળવી ન હતી.+
એ તો તમારા જમણા હાથ, તમારી શક્તિ+ અને તમારી કૃપાને* લીધે થયું,કારણ કે તમે અમારા બાપદાદાઓ પર પ્રેમ રાખતા હતા.+
૪ હે ઈશ્વર, તમે મારા રાજા છો.+
યાકૂબને પૂરેપૂરી જીત* અપાવો.*
૫ તમારી શક્તિથી અમે દુશ્મનોને તગેડી મૂકીશું.+
અમારી વિરુદ્ધ માથું ઊંચકનારાને તમારા નામે ભોંયભેગા કરીશું.+
૬ હું મારા ધનુષ્ય પર ભરોસો રાખતો નથી,મારી તલવાર મને બચાવી શકતી નથી.+
૭ તમે જ અમને શત્રુઓથી બચાવ્યા છે,+અમને નફરત કરનારાઓને તમે જ શરમમાં નાખ્યા છે.
૮ અમે આખો દિવસ ઈશ્વરની આરાધના કરીશું,અમે કાયમ તમારા નામની આભાર-સ્તુતિ કરીશું. (સેલાહ)
૯ પણ હવે તમે અમને ત્યજી દીધા છે અને શરમમાં નાખ્યા છે,તમે અમારાં સૈન્યો સાથે આવતા નથી.
૧૦ વેરીઓ આગળ તમે અમને પીછેહઠ કરાવો છો,+નફરત કરનારાઓ મન ફાવે એમ અમને લૂંટી લે છે.
૧૧ તમે અમને દુશ્મનોને હવાલે કર્યા છે, જેથી અમને ઘેટાંની જેમ મારી નાખવામાં આવે.
તમે અમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે.+
૧૨ તમારા લોકોને તમે કોડીના ભાવે વેચી દીધા છે.+
તેઓના વેચાણથી તમને કંઈ નફો થતો નથી.
૧૩ અમારા પડોશીઓમાં તમે અમને બદનામ થવા દીધા છે,આસપાસના લોકો અમારી હાંસી ઉડાવે છે અને મશ્કરી કરે છે.
૧૪ પ્રજાઓમાં તમે અમારું અપમાન થવા દીધું છે,*+લોકો માથું ધુણાવીને અમારી મજાક ઉડાવે છે.
૧૫ આખો દિવસ મારે બદનામી સહેવી પડે છે,શરમનો માર્યો હું મોં બતાવી શકતો નથી,
૧૬ કેમ કે અમારા દુશ્મનો બદલો વાળે છે,મહેણાં મારે છે અને અપમાન કરે છે.
૧૭ અમારા પર આ બધું આવી પડ્યું હોવા છતાં, અમે તમને ભૂલી ગયા નથીઅને તમારો કરાર તોડ્યો નથી.+
૧૮ અમારું દિલ ભટકી ગયું નથી,અમારાં પગલાં તમારા માર્ગમાંથી ફંટાઈ ગયાં નથી.
૧૯ પણ તમે અમને હારવા અને શિયાળનો કોળિયો બનવા છોડી દીધા છે.
તમે અમને ગાઢ અંધકારથી ઢાંકી દીધા છે.
૨૦ જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોત,અથવા પારકા દેવ આગળ હાથ ફેલાવ્યા હોત,
૨૧ તો શું ઈશ્વરને એની જાણ ન થાત?
દિલનું એકેય રહસ્ય તેમનાથી છૂપું નથી.+
૨૨ તમારા લીધે અમને રોજ મોતને ઘાટ ઉતારવામાં આવે છે.
કતલ થવાનાં ઘેટાં જેવા અમે ગણાઈએ છીએ.+
૨૩ હે યહોવા, જાગો. તમે કેમ ઊંઘી ગયા છો?+
ઊભા થાઓ! અમને હંમેશ માટે તરછોડી દેશો નહિ.+
૨૪ તમે કેમ મોં ફેરવી લો છો?
અમારાં દુઃખ-દર્દ, અમારા પર થતા જુલમ કેમ ભૂલી જાઓ છો?
૨૫ અમને ધૂળભેગા કરવામાં આવ્યા છે,જમીન પર ઊંધા મોઢે પાડી નાખવામાં આવ્યા છે.+
૨૬ અમને સહાય કરવા ઊભા થાઓ!+
તમારા અતૂટ પ્રેમને લીધે અમને બચાવો.*+
ફૂટનોટ
^ મૂળ, “તમારા મુખના પ્રકાશને.”
^ અથવા, “મોટો ઉદ્ધાર.”
^ અથવા, “જીતની આજ્ઞા કરો.”
^ મૂળ, “અમને કહેવતરૂપ બનાવ્યા છે.”
^ મૂળ, “છોડાવો.”