ગીતશાસ્ત્ર ૬૪:૧-૧૦

  • છૂપા હુમલાથી રક્ષણ

    • “ઈશ્વર તેઓને બાણ મારશે” ()

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. ૬૪  હે ભગવાન, હું આજીજી કરું છું, મારું સાંભળો.+ ખૂંખાર દુશ્મનોથી મારો જીવ બચાવો.  ૨  દુષ્ટ માણસોનાં છૂપાં કાવતરાંથીઅને દુરાચારીઓના ટોળાથી મારું રક્ષણ કરો.+  ૩  તેઓ પોતાની જીભને તલવાર જેવી તેજ કરે છે. તેઓ પોતાના કઠોર શબ્દો બાણની જેમ તાકે છે,  ૪  જેથી તેઓ છુપાઈને નિર્દોષ પર હુમલો કરે. તેઓ ડર્યા વગર, અચાનક તેને બાણ મારે છે.  ૫  તેઓ પોતાના દુષ્ટ ઇરાદાઓમાં રચ્યાપચ્યા રહે છે.* તેઓ પોતાના ફાંદાઓ છુપાવવાની ચર્ચા કરે છે. તેઓ કહે છે: “એ ફાંદાઓની કોને ખબર પડવાની છે?”+  ૬  તેઓ દુષ્ટ કામો કરવા નવી નવી તરકીબો શોધે છે. તેઓ છૂપી રીતે કપટી યોજનાઓ ઘડે છે.+ તેઓના મનમાં શું ચાલે છે, એ જાણવું અશક્ય છે.  ૭  પણ ઈશ્વર તેઓને બાણ મારશે+ અને તેઓ તરત એનાથી ઘાયલ થશે.  ૮  તેઓની જ જીભ તેઓનો વિનાશ લાવશે.+ તેઓને જોનારાઓ તિરસ્કારથી માથું ધુણાવશે.  ૯  બધા માણસો ગભરાશે,તેઓ ઈશ્વરનાં કામો જાહેર કરશેઅને તેમનાં કાર્યોની તેઓને સમજણ પડશે.+ ૧૦  નેક જનો યહોવાને લીધે આનંદ કરશે અને તેમનામાં આશરો લેશે.+ સાચા દિલના બધા લોકો તેમનો મહિમા ગાશે.

ફૂટનોટ

અથવા, “તેઓ એકબીજાને દુષ્ટતા કરવા ઉશ્કેરે છે.”