ગીતશાસ્ત્ર ૭૫:૧-૧૦
-
ઈશ્વર અદ્દલ ઇન્સાફ કરે છે
-
દુષ્ટ માણસ યહોવાનો પ્યાલો પીશે (૮)
-
સંગીત સંચાલક માટે સૂચન. “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. આસાફનું ગીત.+
૭૫ અમે તમારો આભાર માનીએ છીએ, હે ઈશ્વર, અમે તમારો અહેસાન માનીએ છીએ.
તમે અમારી સાથે છો,*+લોકો તમારાં અજાયબ કામો જાહેર કરે છે.
૨ તમે કહો છો: “હું સમય નક્કી કરું છુંઅને અદ્દલ ઇન્સાફ કરું છું.
૩ પૃથ્વી અને એના રહેવાસીઓ ડરથી કાંપવા* લાગ્યા ત્યારે,મેં જ પૃથ્વીના પાયા અડગ રાખ્યા હતા.” (સેલાહ)
૪ પછી મેં અભિમાનીને કહ્યું: “ડંફાસ ન માર.”
દુષ્ટને કહ્યું: “તારાં બાવડાંના જોર પર ઘમંડ ન કર.*
૫ તારાં બાવડાંના જોર પર વધારે ઘમંડ ન કર*અથવા ગરદન અક્કડ રાખીને ન બોલ.
૬ પૂર્વથી કે પશ્ચિમથી કે દક્ષિણથીમાન-સન્માન આવતું નથી.
૭ પણ ઈશ્વર ન્યાયાધીશ છે,+તે એકને ઊંચો કરે છે તો બીજાને નીચો.+
૮ યહોવાના હાથમાં એક પ્યાલો છે.+
એ મસાલેદાર દ્રાક્ષદારૂથી ભરેલો છે અને ઊભરાઈ રહ્યો છે.
તે ચોક્કસ એ રેડી દેશેઅને પૃથ્વીના બધા દુષ્ટો એ પીશે, છેક તળિયાનો રગડો પણ પી જશે.”+
૯ પણ હું હંમેશાં ઈશ્વરનાં કામો વિશે જણાવીશઅને યાકૂબના ઈશ્વરના ગુણગાન ગાઈશ.*
૧૦ ઈશ્વર કહે છે: “હું દુષ્ટોની તાકાત મિટાવી દઈશ.*
પણ નેક લોકોની તાકાત વધારીશ.”*
ફૂટનોટ
^ મૂળ, “તમારું નામ અમારી નજીક છે.”
^ મૂળ, “પીગળવા.”
^ મૂળ, “તારું શિંગ ઊંચું ન કર.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.
^ મૂળ, “તારું શિંગ વધારે ઊંચું ન કર.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.
^ અથવા, “ગુણગાન ગાવા સંગીત વગાડીશ.”
^ મૂળ, “દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.
^ મૂળ, “લોકોનું શિંગ ઊંચું કરીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.