ગીતોનું ગીત ૧:૧-૧૭

  • ગીતોમાં સૌથી સુંદર ગીત ()

  • યુવતી (૨-૭)

  • યરૂશાલેમની દીકરીઓ ()

  • રાજા (૯-૧૧)

    • ‘અમે તારા માટે સોનાનાં આભૂષણો ઘડાવીશું’ (૧૧)

  • યુવતી (૧૨-૧૪)

    • “મારો સાજન સુગંધીદાર બોળની થેલી જેવો છે” (૧૩)

  • ઘેટાંપાળક (૧૫)

    • “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે”

  • યુવતી (૧૬, ૧૭)

    • ‘ઓ મારા વહાલા, તું ખૂબ દેખાવડો છે’ (૧૬)

 ગીતોમાં સૌથી સુંદર ગીત,* સુલેમાનનું ગીત:+  ૨  “તારા હોઠોથી મને ચુંબન કર,કેમ કે તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+  ૩  તારા અત્તરની મહેક મન મોહી લે છે.+ તારું નામ માથા પર રેડાયેલા ખુશબોદાર તેલ જેવું છે.+ એટલે જ તો યુવતીઓ તને ચાહે છે.  ૪  રાજા મને તેના શયનખંડમાં લાવ્યો છે! તું મને અહીંથી લઈ જા.* ચાલ, આપણે દૂર ભાગી જઈએ. સાથે મળીને આનંદ કરીએ, હા, ખુશી મનાવીએ. ચાલ, તારા પ્રેમની વાતો કરીએ, તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે. એટલે તો તેઓ* તારા પર મોહી પડી છે.  ૫  હે યરૂશાલેમની દીકરીઓ, હું કેદારના તંબુઓ+ જેવી શ્યામ* છું,પણ સુલેમાનના તંબુઓ+ જેવી રૂપાળી છું.  ૬  હું શ્યામ છું, એટલે મને જોયા ન કરો,કેમ કે સૂર્યના તાપે મને દઝાડી છે. મારા ભાઈઓ મારા પર ગુસ્સે હતા;તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી હતી,એટલે હું મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી ન શકી.  ૭  હે મારા વાલમ, મને કહે,તું તારાં ટોળાંને ક્યાં ચરાવે છે?+ બપોરના સમયે તેઓને ક્યાં સુવડાવે છે? તારા સાથીદારોનાં ટોળાંમાંહું કેમ ઓઢણીથી* મારું મોં ઢાંકીને ફરું?”  ૮  “હે યુવતીઓમાં સૌથી ખૂબસૂરત યુવતી, જો તને ખબર ન હોય,તો ટોળાંને પગલે પગલે ચાલી જા,અને ભરવાડોના તંબુની બાજુમાં તારી બકરીઓ ચરાવ.”  ૯  “મારી પ્રિયતમા, મારી નજરમાં તું રાજાના* રથોએ જોડેલી ઘોડી જેવી સુંદર છે.+ ૧૦  ઘરેણાં* તારા સુંદર ગાલની,હા, મોતીની માળા તારા ગળાની શોભા વધારે છે. ૧૧  અમે તારા માટે ચાંદી જડેલાંસોનાનાં આભૂષણો* ઘડાવીશું.” ૧૨  “રાજા પોતાની મેજ પર બેઠો છે,પણ મારા અત્તરની*+ ખૂશબૂ મારા વાલમને પોકારે છે. ૧૩  મારો સાજન સુગંધીદાર બોળની*+ થેલી જેવો છે,જે આખી રાત મારી છાતીને વળગી* રહે છે. ૧૪  મારો પ્રીતમ એન-ગેદીની+ દ્રાક્ષાવાડીમાં ઊગેલામેંદીના ગુચ્છા જેવો છે.”+ ૧૫  “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે. તું રૂપ રૂપનો અંબાર છે. તારી આંખો કબૂતરની આંખો જેવી છે.”+ ૧૬  “ઓ મારા વહાલા, તું ખૂબ દેખાવડો અને સોહામણો છે.+ આ લીલું ઘાસ આપણું બિછાનું છે. ૧૭  દેવદારનું ઝાડ આપણા ઘરનો* મોભ છે,ગંધતરુનું* ઝાડ આપણી છત છે.

ફૂટનોટ

અથવા, “ગીતોનું ગીત.”
મૂળ, “ખેંચીને લઈ જા.”
એટલે કે, યુવતીઓ.
મૂળ, “કાળી.”
અથવા, “વિલાપની ઓઢણીથી.”
અથવા, “ઇજિપ્તના રાજાના; ફારુનના.”
અથવા કદાચ, “તારી લટો.”
અથવા, “સોનાની દામણી.”
મૂળ, “જટામાંસીના તેલની.” શબ્દસૂચિમાં “જટામાંસી” જુઓ.
મૂળ, “મારાં સ્તનોની વચ્ચે.”
અથવા, “આલીશાન ઘરનો.”
દેવદારની જાતનું એક ઝાડ.