ગીતોનું ગીત ૨:૧-૧૭
૨ “હું દરિયા કિનારાનું* જંગલી ફૂલ* છું,અને ખીણોનું મામૂલી પુષ્પ છું.”+
૨ “કાંટાઓ વચ્ચે ફૂલ ખીલ્યું હોય,તેમ બધી યુવતીઓમાં મારી સજની છે.”
૩ “વનનાં વૃક્ષોમાં સફરજનનું વૃક્ષ હોય,તેમ બધા યુવાનોમાં મારો સાજન છે.
હું તેની છાયામાં બેસવા ઝંખું છું,તેના ફળનો મીઠો સ્વાદ હજી મારી જીભે છે.
૪ તે મને મિજબાનીના ઘરમાં* લાવ્યો,તેણે મારા પર પ્રીતની ધજા લહેરાવી.
૫ સૂકી દ્રાક્ષોથી મને તાજી કરો;+સફરજનથી મને નિભાવી રાખો,કેમ કે મને પ્રેમરોગ થયો છે.
૬ તેનો ડાબો હાથ મારા માથા નીચે છે,તેના જમણા હાથે મને બાથમાં લીધી છે.+
૭ હે યરૂશાલેમની દીકરીઓ,તમને હરણીઓના+ અને જંગલમાં ફરતી સાબરીઓના સમ:
મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડવાની કોશિશ કરશો નહિ.+
૮ જુઓ! મારો વાલમ આવી રહ્યો છે!
તેનાં પગલાંનો સાદ મારા કાને પડી રહ્યો છે!
તે પહાડો ચઢીને, હા, ટેકરીઓ ઓળંગીને ઊછળતો-કૂદતો આવી રહ્યો છે.
૯ મારો પ્રેમી હરણ જેવો છે, સાબર જેવો છે.+
તે આપણી ભીંત પાછળ ઊભો રહીનેબારીમાંથી ડોકિયું કરે છે,ઝરૂખામાંથી નજર કરે છે.
૧૦ મારો પ્રીતમ મને કહે છે:
‘હે મારી પ્રિયતમા, ઊભી થા,મારી રૂપસુંદરી, મારી સાથે ચાલ.
૧૧ જો! શિયાળો* વીતી ગયો છે,વરસાદ આવીને જતો રહ્યો છે.
૧૨ સીમમાં ફૂલો ખીલવા લાગ્યાં છે,+દ્રાક્ષાવેલાની કાપકૂપ કરવાની મોસમ આવી છે,+હોલાનાં સુરીલાં ગીતોથી સીમ ગુંજી રહી છે.+
૧૩ અંજીરનાં પહેલાં ફળ પાક્યાં છે;+દ્રાક્ષાવેલા પર ફૂલો આવ્યાં છે અને એની મહેક ચોતરફ ફેલાઈ છે.
મારી પ્રેમિકા, મારી સુંદરી, ઊઠ,ચાલ, મારી સાથે ચાલ.
૧૪ હે મારી કબૂતરી, ગુફાની બખોલમાંથી,+હા, ખડકના ગોખલામાંથી બહાર આવ,મને તારા રૂપની એક ઝલક માણવા દે, તારો અવાજ સાંભળવા દે,+તારો કંઠ મધુર ને તારું મુખડું ખૂબસૂરત છે.’”+
૧૫ “શિયાળનાં બચ્ચાં દ્રાક્ષાવાડીને ખેદાન-મેદાન કરી દેએ પહેલાં તમે તેઓને પકડો,કેમ કે આપણી વાડીઓ ફૂલોથી લહેરાઈ રહી છે.”
૧૬ “મારો સાજન ફક્ત મારો છે અને હું તેની જ છું.+
તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.+
૧૭ ઠંડી ઠંડી લહેર શરૂ થાય અને પડછાયો ધીરે ધીરે વિદાય લે,એ પહેલાં, મારા વાલમ જલદી આવ,આપણી વચ્ચે ઊભેલા આ પહાડોને* ઓળંગીને, હરણની જેમ,+ હા, સાબરની જેમ દોડીને આવ.+
ફૂટનોટ
^ અથવા, “શારોનનું.”
^ મૂળ, “કેસરનું ફૂલ.”
^ મૂળ, “દ્રાક્ષદારૂના ઘરમાં.”
^ અથવા, “ચોમાસું.”
^ અથવા, “બેથેર પહાડોને.” અથવા કદાચ, “ફાટવાળા પહાડોને.”