ઝખાર્યા ૫:૧-૧૧
૫ મેં ફરી નજર ઊંચી કરી અને જોયું તો એક વીંટો* ઊડતો હતો.
૨ દૂતે મને પૂછ્યું: “તને શું દેખાય છે?”
મેં કહ્યું: “મને એક વીંટો ઊડતો દેખાય છે. એની લંબાઈ ૨૦ હાથ* અને પહોળાઈ ૧૦ હાથ છે.”
૩ તેણે મને કહ્યું: “એ તો આખી પૃથ્વી પર ફરી વળનાર શ્રાપ છે. કેમ કે ચોરી કરનારને+ સજા થઈ નથી, જેમ વીંટાની એક બાજુએ લખવામાં આવ્યું છે. જૂઠા સમ ખાનારને+ પણ સજા થઈ નથી, જેમ વીંટાની બીજી બાજુએ લખવામાં આવ્યું છે.
૪ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ શ્રાપ મેં મોકલ્યો છે. એ શ્રાપ ચોરના ઘરમાં અને મારા નામે જૂઠા સમ ખાનારના ઘરમાં જશે. એ શ્રાપ ઘરમાં જ રહેશે અને ઘર, એનાં લાકડાં અને એના પથ્થરોને ભરખી જશે.’”
૫ પછી મારી સાથે વાત કરનાર દૂત મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું: “નજર ઊંચી કર અને જો, આ શું જઈ રહ્યું છે.”
૬ મેં પૂછ્યું: “એ શું છે?”
તેણે કહ્યું: “એ એફાહનો ટોપલો* છે.” તેણે એમ પણ કહ્યું: “આખી પૃથ્વી પર દુષ્ટ લોકોનું રૂપ આવું છે.”
૭ પછી મેં જોયું કે સીસાનું ગોળ ઢાંકણ ઉપાડવામાં આવ્યું અને એ ટોપલામાં એક સ્ત્રી બેઠેલી હતી.
૮ દૂતે કહ્યું: “એ દુષ્ટતા છે.” પછી તેણે સ્ત્રીને એફાહના ટોપલામાં પાછી ધકેલી દીધી અને સીસાના ભારે ઢાંકણથી ટોપલો જોરથી બંધ કરી દીધો.
૯ પછી મેં ઉપર જોયું અને મને બે સ્ત્રીઓ આવતી દેખાઈ. તેઓ હવામાં ઝડપથી ઊડતી હતી. તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ ટોપલાને આકાશમાં* ઉપાડી લીધો.
૧૦ મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું: “તેઓ એફાહના ટોપલાને ક્યાં લઈ જાય છે?”
૧૧ તેણે કહ્યું: “શિનઆર દેશમાં.*+ ત્યાં તેઓ એ સ્ત્રી માટે ઘર બાંધશે. એ બંધાઈ જશે ત્યારે તેઓ સ્ત્રીને એ ઘરમાં, તેની યોગ્ય જગ્યાએ છોડી આવશે.”
ફૂટનોટ
^ એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ મૂળ, “એફાહ.” અહીં એવા વાસણ કે ટોપલાની વાત થઈ રહી છે, જેમાં એક એફાહ માપવામાં આવતું. એક એફાહ એટલે ૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ મૂળ, “પૃથ્વી અને આકાશની વચ્ચે.”
^ એટલે કે, બાબેલોનિયા.