ઝખાર્યા ૯:૧-૧૭

  • પડોશી પ્રજાઓ વિરુદ્ધ ઈશ્વરનો ન્યાયચુકાદો (૧-૮)

  • સિયોનનો રાજા આવી રહ્યો છે (૯, ૧૦)

    • નમ્ર રાજા ગધેડા પર સવારી કરે છે ()

  • યહોવાના લોકોને છોડાવવામાં આવશે (૧૧-૧૭)

 ઈશ્વરનો ન્યાયચુકાદો: “યહોવાનો સંદેશો હાદ્રાખ દેશ વિરુદ્ધ છે,દમસ્ક એના નિશાના પર છે,*+કેમ કે યહોવાની આંખો માણસો પર+અને ઇઝરાયેલનાં બધાં કુળો પર છે.  ૨  એ સંદેશો તેની સરહદે આવેલા હમાથ વિરુદ્ધ છે,+તૂર+ અને સિદોન વિરુદ્ધ પણ છે,+ જેઓ પોતાને બહુ શાણા સમજે છે.+  ૩  તૂરે પોતાના માટે કિલ્લો* બાંધ્યો છે. તેણે ધૂળની જેમ ચાંદીના ઢગલે-ઢગલા કર્યા છે,અને રસ્તાની માટીની જેમ સોનું ભેગું કર્યું છે.+  ૪  જુઓ! યહોવા તેની બધી સંપત્તિ લૂંટી લેશે,તેની સેનાને સમુદ્રમાં* મારી નાખશે.+ એ નગરી આગમાં ભસ્મ થઈ જશે.+  ૫  એ જોઈને આશ્કલોન ગભરાઈ જશે,ગાઝા ચિંતામાં ડૂબી જશે,એક્રોન દુઃખી દુઃખી થઈ જશે, કેમ કે તેની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હશે. ગાઝામાંથી રાજાનો નાશ થશેઅને આશ્કલોનમાં કોઈ રહેશે નહિ.+  ૬  પરદેશીના દીકરાઓ આશ્દોદમાં વસશે. હું પલિસ્તનું ઘમંડ ઉતારી દઈશ.+  ૭  હું તેના* મોંમાંથી લોહી દૂર કરીશ,તેના દાંતમાંથી ધિક્કારપાત્ર ખોરાક કાઢી નાખીશ,તેના બચી ગયેલા લોકો ઈશ્વરના થશે,તે યહૂદામાં શેખ* બનશે,+એક્રોનના લોકો યબૂસીઓ જેવા થશે.+  ૮  હું છાવણી નાખીને મારા ઘરની ચોકી કરીશ,+જેથી કોઈ આવજા ન કરે અને ફરી કોઈ જુલમી* ત્યાંથી પસાર ન થાય,+કેમ કે મારી આંખોએ એ* જોયું છે.  ૯  હે સિયોનની દીકરી, બહુ આનંદ કર! હે યરૂશાલેમની દીકરી, વિજયગીત ગા! જો, તારો રાજા તારી પાસે આવે છે.+ તે નેક* છે અને ઉદ્ધાર લાવે છે,*તે નમ્ર છે+ અને ગધેડા પર સવારી કરે છે,તે ખોલકા પર, હા, ગધેડીના બચ્ચા પર બેસીને આવે છે.+ ૧૦  હું એફ્રાઈમમાંથી યુદ્ધના રથોઅને યરૂશાલેમમાંથી ઘોડાઓ લઈ લઈશ. યુદ્ધનાં ધનુષ્યો લઈ લેવામાં આવશે. દેશોમાં તે શાંતિ જાહેર કરશે.+ તેની સત્તા સમુદ્રથી સમુદ્ર સુધી,અને નદીથી* લઈને પૃથ્વીના છેડા સુધી હશે.+ ૧૧  હે સ્ત્રી,* મેં તારી સાથે કરાર* કર્યો છે, જે લોહીથી અમલમાં આવ્યો છે. એ કરારને લીધે હું તારા કેદીઓને સૂકા ટાંકામાંથી બહાર કાઢીશ.+ ૧૨  હે આશા રાખનાર કેદીઓ, મજબૂત ગઢમાં પાછા આવો.+ આજે હું તને કહું છું,‘હે સ્ત્રી, હું તને બમણો આશીર્વાદ આપીશ.+ ૧૩  કેમ કે હું યહૂદાને વાળીને એને મારું ધનુષ્ય બનાવીશ,અને એફ્રાઈમને એ ધનુષ્ય પર ચઢાવીશ.* હે સિયોન, હું તારા દીકરાઓનેગ્રીસના દીકરાઓ વિરુદ્ધ ઉશ્કેરીશ. હે સિયોન, હું તને યોદ્ધાની તલવાર બનાવીશ.’ ૧૪  યહોવા સાબિત કરશે કે તે પોતાના લોકોની સાથે છે,તેમનું તીર વીજળીવેગે આગળ વધશે. વિશ્વના માલિક* યહોવા રણશિંગડું વગાડશે+અને દક્ષિણથી ફૂંકાતા તોફાનની જેમ તે દુશ્મનો પર ધસી આવશે. ૧૫  સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના લોકોનું રક્ષણ કરશે,દુશ્મનો ગોફણથી હુમલો કરશે, પણ તેઓ દુશ્મનોને હરાવી દેશે.+ દ્રાક્ષદારૂના નશામાં ચકચૂર હોય એમ તેઓ ખુશ થઈને શોરબકોર કરશે. તેઓ વાટકાની જેમ અને વેદીના* ખૂણાની જેમ છલકાઈ જશે.+ ૧૬  જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને બચાવે છે,+તેમ એ દિવસે તેઓના ઈશ્વર યહોવા પોતાના લોકોને બચાવશે,મુગટનાં રત્નોની જેમ તેઓ તેમના દેશમાં ચમકશે.+ ૧૭  તેમની ભલાઈ કેટલી ઉત્તમ છે!+ તેમનું ગૌરવ કેટલું મહાન છે! અનાજ યુવાનોને મજબૂત કરશેઅને નવો દ્રાક્ષદારૂ યુવતીઓને નિખારશે.”+

ફૂટનોટ

મૂળ, “દમસ્ક એની આરામની જગ્યા છે.”
અથવા, “રક્ષણ આપતી દીવાલો કે ઢોળાવ.”
અથવા કદાચ, “સમુદ્ર પર.”
એટલે કે, પલિસ્ત.
શેખ એટલે કુળનો મુખી.
અથવા, “કઠોરતાથી કામ કરાવનાર.”
દેખીતું છે, એ તેમના લોકો પર થતા જુલમને બતાવે છે.
અથવા, “તેણે જીત મેળવી છે; તેનો બચાવ થયો છે.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
એટલે કે, યુફ્રેટિસ.
એટલે કે, સિયોન અથવા યરૂશાલેમ.
એટલે કે, બાણની જેમ ચઢાવવું.