તિતસને પત્ર ૨:૧-૧૫

  • યુવાનો અને મોટી ઉંમરના લોકો માટે સારું શિક્ષણ (૧-૧૫)

    • ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધની બાબતોનો ત્યાગ કરો (૧૨)

    • પૂરા દિલથી સારાં કામો કરવા (૧૪)

 પણ ખરા શિક્ષણને આધારે હોય, એવી વાતો તું જણાવતો રહેજે.+ ૨  મોટી ઉંમરના પુરુષો દરેક વાતમાં સંયમ રાખનાર, ઠરેલ સ્વભાવના અને સમજુ હોવા જોઈએ. તેઓ શ્રદ્ધામાં મક્કમ, પ્રેમથી ભરપૂર અને ખૂબ ધીરજ બતાવનાર હોવા જોઈએ. ૩  મોટી ઉંમરની સ્ત્રીઓનાં વાણી-વર્તન ઈશ્વરને મહિમા મળે એવાં હોવાં જોઈએ. તેઓ નિંદા કરનારી નહિ, અતિશય દ્રાક્ષદારૂ પીનારી નહિ, પણ સારી વાતો શીખવનારી હોવી જોઈએ. ૪  આમ, મોટી ઉંમરની સ્ત્રીઓ યુવાન સ્ત્રીઓને સલાહ આપી શકશે* કે તેઓ પોતાના પતિ અને બાળકોને પ્રેમ કરે, ૫  સમજુ બને, ચારિત્ર શુદ્ધ રાખે, ઘરનું કામકાજ કરે,* ભલા કામ કરે અને પોતાના પતિને આધીન રહે.+ એમ કરવાથી ઈશ્વરના ઉપદેશ વિશે કોઈ ખરાબ બોલી શકશે નહિ. ૬  એવી જ રીતે, તું યુવાન ભાઈઓને અરજ કરતો રહેજે કે તેઓ સમજુ બને.+ ૭  તું દરેક બાબતમાં સારું કામ કરવાનો દાખલો બેસાડજે. તું પૂરી વફાદારીથી શીખવજે, ગંભીર બનજે+ ૮  અને એવી વાતો જ કરજે જેમાં કોઈ દોષ કાઢી ન શકે.+ આમ આપણા વિરોધીઓ શરમમાં મુકાશે, કેમ કે તેઓ પાસે આપણી વિરુદ્ધ બોલવા* એક શબ્દ પણ નહિ હોય.+ ૯  ચાકર દરેક રીતે પોતાના માલિકને આધીન રહે,+ તેને ખુશ રાખવાની કોશિશ કરે, સામું ન બોલે. ૧૦  તે માલિકને ત્યાં ચોરી ન કરે,+ પણ બતાવી આપે કે તે પૂરેપૂરો વિશ્વાસુ છે. આમ, ચાકર દરેક રીતે આપણા તારણહાર ઈશ્વરના શિક્ષણની સુંદરતા વધારશે.+ ૧૧  ઈશ્વરની અપાર કૃપા પ્રગટ થઈ છે, જે સર્વ પ્રકારના લોકોનો ઉદ્ધાર કરે છે.+ ૧૨  એ કૃપા આપણને શીખવે છે કે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી સર્વ બાબતોનો અને દુનિયાની+ ઇચ્છાઓનો આપણે ત્યાગ કરીએ.+ તેમ જ, આ દુનિયામાં સમજુ વ્યક્તિને શોભે એ રીતે જીવીએ, ખરા માર્ગે ચાલીએ અને ઈશ્વરની ભક્તિ કરીએ. ૧૩  એવું કરતાં કરતાં આપણે એ સમયની રાહ જોઈએ જ્યારે ખુશી આપનાર આશા+ પૂરી થશે અને આપણા મહાન ઈશ્વરનો અને આપણા તારણહાર ખ્રિસ્ત ઈસુનો મહિમા પ્રગટ થશે. ૧૪  ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપીને+ આપણને દરેક પ્રકારની દુષ્ટતાથી આઝાદ કર્યા છે*+ અને આપણને શુદ્ધ કરીને પોતાના ખાસ લોકો બનાવ્યા છે, જેથી આપણે પૂરા દિલથી સારાં કામો કરી શકીએ.+ ૧૫  તું પૂરા અધિકારથી આ વાતો જણાવતો રહેજે, શિખામણ આપતો રહેજે* અને ઠપકો આપતો રહેજે.+ જોજે, કોઈ તને તુચ્છ ન ગણે.

ફૂટનોટ

અથવા, “સમજાવી શકશે; તાલીમ આપી શકશે.”
અથવા, “પોતાના ઘરની સંભાળ રાખે.”
અથવા, “બૂરાઈ કરવા.”
મૂળ, “છોડાવવા કિંમત ચૂકવી છે; છોડાવ્યા છે.”
અથવા, “ઉત્તેજન આપતો રહેજે.”