દાનિયેલ ૧૦:૧-૨૧

  • ઈશ્વરના સંદેશવાહકે દાનિયેલની મુલાકાત લીધી (૧-૨૧)

    • મિખાયેલે દૂતની મદદ કરી (૧૩)

૧૦  ઈરાનના રાજા કોરેશના+ રાજનું ત્રીજું વર્ષ ચાલતું હતું. એ સમયે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર+ હતું, તેને એક સંદેશો મળ્યો. એ સંદેશો સાચો હતો. એ મોટી લડાઈ વિશે હતો. દાનિયેલને એ સંદેશો સમજાયો અને તેણે જોયેલી બાબતો વિશે તેને ઊંડી સમજણ આપવામાં આવી. ૨  એ દિવસોમાં હું દાનિયેલ, ત્રણ અઠવાડિયાંથી શોક પાળી રહ્યો હતો.+ ૩  ત્રણ અઠવાડિયાંથી મેં સ્વાદિષ્ટ ભોજન કે માંસ ખાધું ન હતું, દ્રાક્ષદારૂ પીધો ન હતો કે મારા શરીરે તેલ ચોળ્યું ન હતું. ૪  પહેલા મહિનાના ૨૪મા દિવસે હું મહાનદી તીગ્રિસના*+ કિનારે ઊભો હતો ત્યારે, ૫  મેં નજર ઊંચી કરીને જોયું તો મને એક માણસ દેખાયો. તેણે શણનાં કપડાં પહેર્યાં હતાં+ અને તેની કમરે ઉફાઝના ઉત્તમ સોનાનો કમરપટ્ટો હતો. ૬  તેનું શરીર તૃણમણિ* જેવું હતું.+ તેનો ચહેરો વીજળીની જેમ ચમકતો હતો. તેની આંખો સળગતી મશાલો જેવી હતી. તેના હાથ અને પગ ચળકતા તાંબા જેવા હતા.+ તેનો અવાજ ટોળાના અવાજની જેમ ગુંજતો હતો. ૭  ફક્ત મને જ એ દર્શન દેખાયું. મારી સાથેના માણસોને એ દર્શન દેખાયું નહિ.+ પણ તેઓ ખૂબ જ ડરી ગયા અને નાસીને સંતાઈ ગયા. ૮  હું સાવ એકલો પડી ગયો. એ અદ્‍ભુત દર્શન જોયા પછી મારી શક્તિ જતી રહી, મારો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો અને મારામાં જરાય તાકાત ન રહી.+ ૯  પછી તેણે મારી સાથે વાત શરૂ કરી. પણ તે બોલતો હતો ત્યારે, હું ઊંધા મોઢે જમીન પર પડી ગયો અને ભરઊંઘમાં સરી ગયો.+ ૧૦  પછી કોઈકનો હાથ મને અડક્યો.+ તેણે મને ઢંઢોળ્યો, જેથી હું ઘૂંટણ અને હાથના સહારે ઊભો થઈ શકું. ૧૧  તેણે મને કહ્યું: “હે દાનિયેલ, તું અતિ પ્રિય છે.*+ હું તને જે કહેવાનો છું એના પર ધ્યાન આપ. હવે તારી જગ્યાએ ઊભો થા, કેમ કે ઈશ્વરે મને તારી પાસે મોકલ્યો છે.” તેના શબ્દો સાંભળીને હું ધ્રૂજતાં ધ્રૂજતાં ઊભો થયો. ૧૨  તેણે મને કહ્યું: “દાનિયેલ, ગભરાઈશ નહિ.+ જે દિવસથી તેં ઊંડી સમજણ મેળવવા મન લગાડ્યું અને તારા ઈશ્વર આગળ પોતાને નમ્ર કર્યો, એ જ દિવસથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી પ્રાર્થનાને લીધે જ હું અહીં આવ્યો છું.+ ૧૩  પણ ઈરાનના સામ્રાજ્યના આગેવાને+ ૨૧ દિવસ સુધી મારો વિરોધ કર્યો. પછી મુખ્ય આગેવાનોમાંથી એક,* એટલે કે મિખાયેલ*+ મારી મદદે આવ્યો અને હું ત્યાં ઈરાનના રાજાઓ સાથે હતો. ૧૪  હું તને સમજાવવા આવ્યો છું કે છેલ્લા દિવસોમાં તારા લોકો પર શું આવી પડશે,+ કેમ કે તેં જોયેલું દર્શન ભાવિમાં પૂરું થવાનું છે.”+ ૧૫  તેણે એ શબ્દો કહ્યા ત્યારે હું નીચું જોઈને એકદમ ચૂપ થઈ ગયો. ૧૬  માણસ જેવું દેખાતું કોઈક મારા હોઠોને અડક્યું+ અને હું બોલી શક્યો. મારી સામે જે ઊભો હતો, તેને મેં કહ્યું: “મારા માલિક, એ દર્શનને લીધે હું થરથર કાંપું છું. મારામાં જરાય તાકાત રહી નથી.+ ૧૭  મારા માલિક, તમારો આ સેવક કઈ રીતે વાત કરી શકે?+ મારામાં જરાય તાકાત રહી નથી, હું તો માંડ માંડ શ્વાસ લઈ રહ્યો છું.”+ ૧૮  જે માણસ જેવો દેખાતો હતો, તે ફરી મને અડક્યો અને મારું બળ વધાર્યું.+ ૧૯  તેણે મને કહ્યું: “હે અતિ પ્રિય માણસ,*+ તું ગભરાઈશ નહિ.+ તારું ભલું થશે.+ તું બળવાન થા, હા, બળવાન થા.” તે વાત કરતો હતો ત્યારે મને બળ મળ્યું. મેં તેને કહ્યું: “મારા માલિક, તમે બોલો કેમ કે તમે મારી હિંમત વધારી છે.” ૨૦  તેણે મને કહ્યું: “શું તને ખબર છે, હું તારી પાસે કેમ આવ્યો છું? હવે હું પાછો જઈને ઈરાનના આગેવાન સામે લડીશ.+ હું જઈશ ત્યારે ગ્રીસનો આગેવાન આવશે. ૨૧  પણ હું જઈશ એ પહેલાં હું તને સત્યનાં પુસ્તકોમાં લખેલી વાતો જણાવીશ. એવું કોઈ નથી જે મને મદદ કરી શકે. ફક્ત તારો મુખ્ય આગેવાન+ મિખાયેલ+ મને મદદ કરી શકે છે.”

ફૂટનોટ

મૂળ, “હીદ્દેકેલના.”
પીળા કે કદાચ લીલા રંગનો એક કીમતી પથ્થર.
અથવા, “ખૂબ અનમોલ છે; તારું ખૂબ માન છે.”
અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”
અથવા, “પ્રથમ વર્ગનો એક આગેવાન.”
અથવા, “ખૂબ અનમોલ માણસ; તારું ખૂબ માન છે.”