દાનિયેલ ૩:૧-૩૦

  • રાજા નબૂખાદનેસ્સારે બનાવેલી સોનાની મૂર્તિ (૧-૭)

    • મૂર્તિની ભક્તિ કરવાનું ફરમાન (૪-૬)

  • ત્રણ હિબ્રૂઓ પર આજ્ઞા ન માનવાનો આરોપ (૮-૧૮)

    • “અમે તમારા દેવોની ભક્તિ કરીશું નહિ” (૧૮)

  • ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવ્યા (૧૯-૨૩)

  • ચમત્કાર કરીને આગમાંથી બચાવવામાં આવ્યા (૨૪-૨૭)

  • હિબ્રૂઓના ઈશ્વરને રાજા મહિમા આપે છે (૨૮-૩૦)

 રાજા નબૂખાદનેસ્સારે સોનાની એક મૂર્તિ બનાવી. એ ૬૦ હાથ* ઊંચી અને ૬ હાથ* પહોળી હતી. તેણે એ મૂર્તિ બાબેલોનના પ્રાંતના દૂરાના મેદાનમાં ઊભી કરી. ૨  રાજા નબૂખાદનેસ્સારે સંદેશો મોકલ્યો કે સૂબાઓ,* સરસૂબાઓ, રાજ્યપાલો, સલાહકારો, ખજાનચીઓ, ન્યાયાધીશો, શહેરના ઉચ્ચ અધિકારીઓ* અને પ્રાંતોના બધા વહીવટ કરનારાઓને ભેગા કરવામાં આવે. એ બધાએ રાજાએ ઊભી કરેલી મૂર્તિની પ્રતિષ્ઠા માટે આવવાનું હતું. ૩  એટલે સૂબાઓ, સરસૂબાઓ, રાજ્યપાલો, સલાહકારો, ખજાનચીઓ, ન્યાયાધીશો, શહેરના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાંતોના બધા વહીવટ કરનારાઓ રાજા નબૂખાદનેસ્સારે ઊભી કરેલી મૂર્તિની પ્રતિષ્ઠા માટે આવ્યા. તેઓ રાજાએ ઊભી કરેલી મૂર્તિ આગળ ઊભા રહ્યા. ૪  રાજાના સંદેશવાહકે* જાહેર કર્યું: “હે લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો, તમને હુકમ આપવામાં આવે છે કે, ૫  જ્યારે તમે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સાંભળો, ત્યારે રાજા નબૂખાદનેસ્સારે ઊભી કરેલી મૂર્તિ આગળ તમારે ઘૂંટણિયે પડવું અને એની પૂજા કરવી. ૬  જે કોઈ ઘૂંટણિયે પડીને એની પૂજા નહિ કરે, તેને તરત જ ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.”+ ૭  હવે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સંભળાયો. એ સાંભળીને બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો રાજા નબૂખાદનેસ્સારે ઊભી કરેલી મૂર્તિ આગળ ઘૂંટણિયે પડ્યા અને એની પૂજા કરી. ૮  એ સમયે અમુક ખાલદીઓ રાજા પાસે આવ્યા. તેઓએ યહૂદીઓ પર આરોપ મૂક્યો.* ૯  તેઓએ રાજા નબૂખાદનેસ્સારને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! ૧૦  હે રાજા, તમે હુકમ આપ્યો હતો કે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સંભળાય ત્યારે, દરેક માણસે સોનાની મૂર્તિ આગળ ઘૂંટણિયે પડવું અને એની પૂજા કરવી. ૧૧  તમે એ પણ કહ્યું હતું કે જે કોઈ ઘૂંટણિયે પડીને એની પૂજા નહિ કરે, તેને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.+ ૧૨  પણ હે રાજા, અમુક યહૂદીઓએ તમારું અપમાન કર્યું છે. તેઓ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો છે,+ જેઓને તમે બાબેલોનના પ્રાંતનો વહીવટ સોંપ્યો છે. તેઓ તમારા દેવોની ભક્તિ કરતા નથી. અરે, તમે ઊભી કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવાની પણ ના પાડે છે!” ૧૩  એ સાંભળીને રાજા નબૂખાદનેસ્સારનો ક્રોધ સળગી ઊઠ્યો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બોલાવવાનો હુકમ આપ્યો. તેઓને રાજા આગળ લાવવામાં આવ્યા. ૧૪  નબૂખાદનેસ્સારે તેઓને પૂછ્યું: “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, શું એ સાચું છે કે તમે મારા દેવોને ભજતા નથી+ અને મેં ઊભી કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવાની ના પાડો છો? ૧૫  હવે જો તમે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સાંભળીને મેં ઊભી કરેલી મૂર્તિ આગળ ઘૂંટણિયે પડીને એની પૂજા કરશો, તો સારું છે. પણ જો તમે એમ નહિ કરો, તો તમને તરત જ ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. પછી જોઈએ, એવો કયો ભગવાન છે, જે તમને મારા હાથમાંથી છોડાવી શકે?”+ ૧૬  શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ રાજાને કહ્યું: “રાજા નબૂખાદનેસ્સાર, આ વિશે અમારે તમને કંઈ કહેવાની જરૂર નથી. ૧૭  જો અમને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે, તોપણ જે ઈશ્વરની અમે સેવા કરીએ છીએ તે અમને બચાવી શકે છે. તે અમને તમારા હાથમાંથી પણ છોડાવી શકે છે.+ ૧૮  અને જો તે અમને ન બચાવે, તોપણ હે રાજા, અમે તમને જણાવવા માંગીએ છીએ કે, અમે તમારા દેવોની ભક્તિ કરીશું નહિ કે તમે ઊભી કરેલી સોનાની મૂર્તિની પૂજા કરીશું નહિ.”+ ૧૯  શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પર નબૂખાદનેસ્સાર એટલો ગુસ્સે ભરાયો કે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.* તેણે ભઠ્ઠીને સાત ગણી વધારે ગરમ કરવાનો હુકમ કર્યો. ૨૦  તેણે સેનાના અમુક બળવાન માણસોને આદેશ આપ્યો કે તેઓ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાંધીને ધગધગતી ભઠ્ઠીમાં ફેંકી દે. ૨૧  આ ત્રણ માણસોને બાંધી દેવામાં આવ્યા અને તેઓને પહેરેલાં કપડે, એટલે કે તેઓનાં ઝભ્ભા, વસ્ત્રો, ટોપીઓ અને બીજાં કપડાં સાથે ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા. ૨૨  રાજાનો હુકમ ખૂબ કડક હતો અને ભઠ્ઠી ધગધગતી હતી. એટલે જે માણસો શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને ભઠ્ઠી પાસે લઈ ગયા, તેઓ પોતે આગની જ્વાળાઓથી બળીને ખાખ થઈ ગયા. ૨૩  પણ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો બાંધેલી હાલતમાં જ ધગધગતી ભઠ્ઠીમાં પડ્યા. ૨૪  પછી રાજા નબૂખાદનેસ્સાર બહુ જ ગભરાઈ ગયો. તે જલદીથી ઊઠીને ઉચ્ચ અધિકારીઓ પાસે ગયો. તેણે તેઓને પૂછ્યું: “શું આપણે ત્રણ માણસોને બાંધીને આગમાં ફેંક્યા ન હતા?” તેઓએ કહ્યું, “હા, રાજા.” ૨૫  તેણે કહ્યું: “જુઓ! મને તો ચાર માણસો આગમાં છૂટા ફરતા દેખાય છે. તેઓને કંઈ જ થયું નથી. ચોથો તો કોઈ દેવ* જેવો દેખાય છે.” ૨૬  નબૂખાદનેસ્સારે ભઠ્ઠીના દરવાજે આવીને કહ્યું: “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, સર્વોચ્ચ ઈશ્વરના સેવકો,+ તમે બહાર નીકળી આવો.” એટલે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો આગમાંથી બહાર આવ્યા. ૨૭  સૂબાઓ, સરસૂબાઓ, રાજ્યપાલો અને રાજાના ઉચ્ચ અધિકારીઓ ભઠ્ઠી આગળ ઊભા હતા.+ તેઓએ જોયું કે આ ત્રણ માણસોને આગની જરાય અસર થઈ ન હતી.+ તેઓનો એકેય વાળ બળ્યો ન હતો. તેઓના ઝભ્ભાને ઊની આંચ પણ આવી ન હતી. તેઓનાં શરીરમાંથી બળવાની વાસ પણ આવતી ન હતી. ૨૮  નબૂખાદનેસ્સારે જાહેર કર્યું: “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ થાય,+ તેણે પોતાનો દૂત* મોકલીને પોતાના સેવકોને બચાવ્યા છે. આ ત્રણ યુવાનોએ પોતાના ઈશ્વરમાં ભરોસો રાખ્યો અને રાજાની આજ્ઞા વિરુદ્ધ ગયા. પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈની ભક્તિ કે સેવા કરવાને બદલે તેઓ મરવા* પણ તૈયાર હતા.+ ૨૯  હું હુકમ આપું છું કે લોકોએ, પ્રજાઓએ કે જુદી જુદી ભાષાના લોકોએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ એકેય શબ્દ બોલવો નહિ. જે કોઈ એમ કરશે, તેના ટુકડે-ટુકડા કરી નાખવામાં આવશે અને તેના ઘરને જાહેર શૌચાલય* બનાવી દેવામાં આવશે. કેમ કે આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.”+ ૩૦  પછી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબેલોનના પ્રાંતમાં ઊંચી પદવી આપી.+

ફૂટનોટ

આશરે ૨૭ મી. (૮૮ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
આશરે ૨.૭ મી. (૮.૮ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
રાજાની આજ્ઞાઓ અને ફરમાન જાહેર કરનાર દરબારી.
અથવા, “નિંદા કરી.”
અથવા, “તેનું વલણ સાવ બદલાઈ ગયું.”
અથવા, “દેવોના દીકરા.”
અથવા, “શરીરો અર્પણ કરવા.”
અથવા કદાચ, “ઉકરડો; છાણનો ઢગલો.”