નહેમ્યા ૨:૧-૨૦

  • નહેમ્યા યરૂશાલેમ જાય છે (૧-૧૦)

  • નહેમ્યા શહેરના કોટની તપાસ કરે છે (૧૧-૨૦)

 રાજા આર્તાહશાસ્તાના શાસનના+ ૨૦મા વર્ષનો+ નીસાન* મહિનો હતો. રાજાની આગળ દ્રાક્ષદારૂ મૂકેલો હતો. હંમેશાંની જેમ મેં દ્રાક્ષદારૂ લીધો અને રાજાને આપ્યો.+ એ પહેલાં હું ક્યારેય રાજાની આગળ ઉદાસ ન હતો. ૨  રાજાએ મને પૂછ્યું: “તું બીમાર તો નથી લાગતો, તો પછી આટલો ઉદાસ કેમ દેખાય છે? જરૂર કોઈ ચિંતા તારા દિલને કોરી ખાય છે.” એ સાંભળીને હું બહુ ડરી ગયો. ૩  મેં રાજાને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! જે શહેરમાં મારા બાપદાદાઓને દફનાવવામાં આવ્યા છે, એ ઉજ્જડ પડ્યું છે અને એના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.+ તો પછી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?” ૪  રાજાએ મને પૂછ્યું: “તું શું ચાહે છે?” તરત જ મેં સ્વર્ગના ઈશ્વરને પ્રાર્થના કરી.+ ૫  પછી મેં રાજાને કહ્યું: “હે રાજા, જો તમને ઠીક લાગે અને તમારી નજરમાં તમારો આ દાસ કૃપા પામ્યો હોય, તો મને યહૂદા જવાની મંજૂરી આપો. મારા બાપદાદાઓને દફનાવવામાં આવ્યા છે એ શહેરમાં મને જવા દો, જેથી હું એ ફરી બાંધી શકું.”+ ૬  એ વખતે રાણી રાજાની બાજુમાં બેઠી હતી. રાજાએ મને પૂછ્યું: “એ મુસાફરીમાં તને કેટલા દિવસ લાગશે? તું ક્યારે પાછો આવીશ?” રાજા મને મોકલવા તૈયાર થઈ ગયો+ અને મેં તેને જણાવ્યું કે હું ક્યારે પાછો આવીશ.+ ૭  પછી મેં રાજાને કહ્યું: “જો રાજાને યોગ્ય લાગે, તો નદી પારના વિસ્તારના*+ રાજ્યપાલો માટે મને પત્રો આપવામાં આવે, જેથી તેઓ મને તેઓના વિસ્તારમાંથી પસાર થવા દે અને હું સહીસલામત યહૂદા પહોંચી શકું. ૮  શાહી બાગના* રખેવાળ આસાફ માટે પણ પત્ર આપવામાં આવે, જેથી તે મને મંદિર નજીક આવેલા કિલ્લાના*+ દરવાજાના મોભ, શહેરના કોટ+ અને જે ઘરમાં હું રહીશ એ માટે લાકડાં આપે.” તેથી રાજાએ મને પત્રો આપ્યા,+ કેમ કે મારા ઈશ્વરનો હાથ* મારા પર હતો.+ ૯  સમય જતાં, હું નદી પારના વિસ્તારના રાજ્યપાલો પાસે પહોંચ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. રાજાએ સેનાપતિઓને અને ઘોડેસવારોને પણ મારી સાથે મોકલ્યા હતા. ૧૦  બેથ-હોરોનના સાન્બાલ્લાટે+ અને આમ્મોની+ અધિકારી* ટોબિયાએ+ સાંભળ્યું કે ઇઝરાયેલીઓનું ભલું કરવા એક માણસ આવ્યો છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે ભરાયા. ૧૧  લાંબી મુસાફરી પછી હું યરૂશાલેમ પહોંચ્યો અને ત્યાં ત્રણ દિવસ રહ્યો. ૧૨  એક રાતે હું ઊઠ્યો અને મેં મારી સાથે અમુક માણસો લીધા. યરૂશાલેમ માટે જે કરવાનું મારા ઈશ્વરે મારા દિલમાં મૂક્યું હતું, એ વિશે મેં કોઈને કંઈ જણાવ્યું નહિ. અમે એક જ ગધેડું લીધું, જેના પર હું સવાર હતો. એ સિવાય બીજું કોઈ જાનવર અમારી સાથે ન હતું. ૧૩  હું રાતે ખીણ દરવાજાથી+ નીકળ્યો અને અજગર ફુવારા* આગળથી પસાર થઈને રાખના ઢગલાના દરવાજા*+ પાસે આવ્યો. યરૂશાલેમના તૂટી ગયેલા કોટની અને આગમાં બળી ગયેલા એના દરવાજાની+ મેં તપાસ કરી. ૧૪  પછી હું ફુવારા દરવાજા+ સુધી અને રાજાના તળાવ સુધી ગયો. ત્યાં એટલી જગ્યા ન હતી કે મારું ગધેડું પસાર થઈ શકે. ૧૫  પણ હું રાતે ખીણ+ તરફ આગળ વધતો રહ્યો અને કોટની તપાસ કરવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી હું પાછો ફર્યો અને ખીણ દરવાજાથી શહેરની અંદર આવ્યો. ૧૬  ઉપઅધિકારીઓ+ જાણતા ન હતા કે હું ક્યાં ગયો હતો અને શું કરતો હતો, કેમ કે મેં હજી સુધી યહૂદીઓને, યાજકોને,* અધિકારીઓને, ઉપઅધિકારીઓને અને બાકીના કામદારોને કશું જણાવ્યું ન હતું. ૧૭  આખરે મેં તેઓને કહ્યું: “તમે જોઈ શકો છો કે આપણે કેટલી ખરાબ હાલતમાં છીએ, યરૂશાલેમ ઉજ્જડ થઈ ગયું છે અને એના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે યરૂશાલેમનો કોટ ફરીથી બાંધીએ, જેથી આ અપમાન દૂર કરી શકીએ.” ૧૮  મેં તેઓને જણાવ્યું કે કઈ રીતે મારા ઈશ્વરનો હાથ મારા પર હતો+ અને રાજાએ મને શું કહ્યું હતું.+ તેઓએ કહ્યું: “ચાલો, ઊઠીને બાંધકામ શરૂ કરીએ.” આમ સારા કામ માટે તેઓએ એકબીજાની હિંમત વધારી.*+ ૧૯  હવે બેથ-હોરોનના સાન્બાલ્લાટે, આમ્મોની+ અધિકારી* ટોબિયાએ+ અને અરબી ગેશેમે+ એ વિશે સાંભળ્યું. તેઓ અમારી મજાક ઉડાવવા લાગ્યા+ અને અમારું અપમાન કરવા લાગ્યા. તેઓએ કહ્યું: “આ તમે શું કરી રહ્યા છો? શું તમે રાજા વિરુદ્ધ બંડ પોકારી રહ્યા છો?”+ ૨૦  મેં તેઓને કહ્યું: “સ્વર્ગના ઈશ્વર અમને સફળતા અપાવશે.+ અમે તેમના સેવકો છીએ, અમે ઊઠીને એને બાંધીશું. પણ યરૂશાલેમમાં ન તો તમને કોઈ હિસ્સો મળશે, ન કોઈ હક. તમે આ શહેર માટે એવું કંઈ કર્યું પણ નથી કે તમને યાદ રાખવામાં આવે.”+

ફૂટનોટ

એટલે કે, યુફ્રેટિસની પશ્ચિમે આવેલો વિસ્તાર.
અથવા, “રાજાના જંગલના.”
મૂળ, “ઘર માટેના કિલ્લાના.”
મૂળ, “ભલો હાથ.”
મૂળ, “સેવક.”
કદાચ એ એન-રોગેલનો કૂવો હતો.
અથવા, “કચરાના દરવાજા.”
મૂળ, “એકબીજાના હાથ મજબૂત કર્યા.”
મૂળ, “સેવક.”