નહેમ્યા ૬:૧-૧૯

  • બાંધકામ માટે વિરોધ ચાલુ રહે છે (૧-૧૪)

  • કોટ ૫૨ દિવસમાં પૂરો થયો (૧૫-૧૯)

 હવે સાન્બાલ્લાટ, ટોબિયા,+ અરબી ગેશેમ+ અને અમારા બીજા દુશ્મનો સુધી ખબર પહોંચી કે મેં કોટ બાંધી દીધો છે+ અને એકેય ગાબડું બાકી રહ્યું નથી (પણ એ સમયે હજી કોટને દરવાજા બેસાડ્યા ન હતા).+ ૨  ત્યારે સાન્બાલ્લાટે અને ગેશેમે તરત જ મને સંદેશો મોકલ્યો: “ચાલ, આપણે સમય નક્કી કરીએ અને ઓનોના+ મેદાની વિસ્તારના એક ગામમાં મળીએ.” પણ તેઓ તો મને નુકસાન પહોંચાડવા કાવતરું ઘડતા હતા. ૩  મેં માણસો સાથે આ સંદેશો મોકલ્યો: “હું એક ખૂબ મહત્ત્વના કામમાં વ્યસ્ત છું. હું તમારી પાસે આવી શકું એમ નથી. જો હું તમારી પાસે આવીશ, તો એ કામ અટકી જશે.” ૪  તેઓએ મને ચાર વાર એ સંદેશો મોકલ્યો અને દરેક વખતે મેં એ જ જવાબ આપ્યો. ૫  સાન્બાલ્લાટે પોતાના ચાકર દ્વારા એ જ સંદેશો પાંચમી વાર મોકલ્યો. આ વખતે ચાકરના હાથે એક ખુલ્લો પત્ર મોકલ્યો. ૬  એમાં લખ્યું હતું: “આસપાસની પ્રજાઓમાં અફવા ફેલાઈ છે અને ગેશેમનું+ પણ કહેવું છે કે તું અને યહૂદીઓ રાજા સામે બંડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છો.+ એટલે જ તમે આ કોટ બાંધી રહ્યા છો. એવી પણ અફવા છે કે તું તેઓનો રાજા બનવા માંગે છે. ૭  તેં પોતાના માટે પ્રબોધકો* પણ ઊભા કર્યા છે. તેઓ આખા યરૂશાલેમમાં જાહેર કરે છે, ‘યહૂદામાં એક રાજા છે!’ હવે આ ખબર રાજા સુધી પહોંચશે. એટલે આવ, આપણે ભેગા મળીને ચર્ચા કરીએ.” ૮  મેં તેને જવાબ આપ્યો: “તું કહે છે એવું કંઈ જ થયું નથી. આ તો તેં ઉપજાવી કાઢેલી વાતો છે.” ૯  તેઓ અમને ડરાવવાની કોશિશ કરતા. તેઓ એકબીજાને કહેતા: “તેઓના હાથ ઢીલા પડી જશે અને કામ અટકી જશે.”+ પણ મેં પ્રાર્થના કરી: “હે ઈશ્વર, મારા હાથ મજબૂત કરો.”+ ૧૦  પછી હું શમાયાના ઘરે ગયો, જે મહેટાબએલના દીકરા દલાયાનો દીકરો હતો. શમાયા તો પોતાના ઘરમાં છુપાઈને બેઠો હતો. તેણે મને કહ્યું: “ચાલ, આપણે સમય નક્કી કરીએ અને સાચા ઈશ્વરના ઘરમાં, મંદિરની અંદર મળીએ. મંદિરના દરવાજા બંધ કરી દઈએ, કેમ કે તેઓ તને મારી નાખવા આવી રહ્યા છે. હા, તને મારી નાખવા રાતે આવી રહ્યા છે.” ૧૧  પણ મેં કહ્યું: “શું હું ડરપોક છું કે નાસીને સંતાઈ જાઉં? જો મારા જેવો માણસ મંદિરની અંદર જાય, તો શું તેને મારી નાખવામાં નહિ આવે?+ ના, હું અંદર નહિ જાઉં!” ૧૨  હું સમજી ગયો કે એ પ્રબોધક ઈશ્વર તરફથી ન હતો. પણ મને છેતરવા ટોબિયા અને સાન્બાલ્લાટે+ તેને લાંચ આપી હતી. ૧૩  મને ડરાવવા અને પાપમાં પાડવા તેઓએ શમાયાને લાંચ આપી હતી, જેથી તેઓને મારી નિંદા કરવાની અને મારું નામ બદનામ કરવાની તક મળે. ૧૪  મેં પ્રાર્થના કરી: “હે મારા ઈશ્વર, ટોબિયાએ+ અને સાન્બાલ્લાટે જે કર્યું છે એને ભૂલી ન જતા. મને ડરાવવા નોઆદ્યા પ્રબોધિકાએ અને બાકીના પ્રબોધકોએ વારંવાર જે પ્રયત્નો કર્યા, એને પણ ભૂલી ન જતા.” ૧૫  આખરે, અલૂલ* મહિનાના ૨૫મા દિવસે કોટનું કામ પૂરું થયું. કોટ ૫૨ દિવસમાં પૂરો થયો. ૧૬  અમારા બધા દુશ્મનોએ એ વિશે સાંભળ્યું અને આસપાસની પ્રજાઓએ એ જોયું ત્યારે, તેઓ શરમમાં ડૂબી ગયા.+ તેઓને સમજાઈ ગયું કે અમારા ઈશ્વરની મદદથી જ એ કામ પૂરું થયું છે. ૧૭  એ દિવસોમાં યહૂદાના અધિકારીઓ+ ટોબિયાને ઘણા પત્રો લખતા અને તે એના જવાબ પણ આપતો. ૧૮  યહૂદાના ઘણા લોકોએ તેને સાથ આપવાના સમ ખાધા હતા, કેમ કે તે આરાહના દીકરા+ શખાન્યાનો જમાઈ હતો. ટોબિયાના દીકરા યહોહાનાને બેરેખ્યાના દીકરા મશુલ્લામની+ દીકરી સાથે લગ્‍ન કર્યું હતું. ૧૯  એ યહૂદીઓ હંમેશાં મારી આગળ ટોબિયાના વખાણ કરતા અને હું જે કંઈ કહેતો એ જઈને ટોબિયાને કહેતા. પછી મને ડરાવવા ટોબિયા મારા પર પત્રો મોકલતો.+