નાહૂમ ૨:૧-૧૩
૨ વેરવિખેર કરનાર તારી* સામે ચઢી આવ્યો છે.+
જા, તારા કોટનું રક્ષણ કર.
તારા રસ્તાઓ પર નજર રાખ.
તારા હાથ મજબૂત કર અને તારી કમર કસ.
૨ યહોવા યાકૂબને તેનું ગૌરવ પાછું આપશે,ઇઝરાયેલને પણ તેનું ગૌરવ પાછું આપશે,કેમ કે દુશ્મનોએ તેઓને* ખેદાન-મેદાન કરી નાખ્યા છે+અને તેઓની કૂંપળો મસળી નાખી છે.
૩ તેના* યોદ્ધાઓની ઢાલ લાલ રંગથી રંગાયેલી છે,તેના શૂરવીરોએ લાલ પોશાક પહેર્યો છે.
તે યુદ્ધ માટે તૈયાર થાય છે એ દિવસે,તેના રથો પર મઢેલું લોઢું આગની જેમ ઝળહળે છે,તેના સૈનિકો ભાલા* વીંઝે છે.
૪ ગલીઓમાં રથો આડેધડ નાસભાગ કરે છે.
તેઓ ચોકમાં પૂરઝડપે આમતેમ ભાગે છે.
તેઓ મશાલની જેમ ભડકે બળે છે અને વીજળીવેગે દોડે છે.
૫ તે* સેનાપતિઓને બોલાવશે,આગેકૂચ કરતી વખતે તેઓ ઠોકર ખાશે.
તેઓ કોટ તરફ ધસી જશેઅને નાકાબંધી કરશે.
૬ નદીઓના દરવાજા ખોલી દેવામાં આવશે,અને મહેલ ધસી પડશે.*
૭ નિર્ણય લેવાઈ ચૂક્યો છે:
તેને* નગ્ન કરવામાં આવી છે,તેને પકડીને લઈ જવામાં આવી છે,તેની દાસીઓ વિલાપ કરે છે,તેઓ છાતી કૂટે ત્યારે કબૂતર જેવો અવાજ સંભળાય છે.
૮ નિનવેહ નગરી+ શરૂઆતથી જ તળાવ જેવી હતી,પણ હવે લોકો ત્યાંથી ભાગી રહ્યા છે.
અમુક પોકારે છે, “ઊભા રહો! ઊભા રહો!”
પણ પાછું વળીને કોઈ જોતું નથી.+
૯ ચાંદી લૂંટો! સોનું લૂંટો!
ત્યાં ખજાનાનો ભંડાર છે.
ત્યાં જાતજાતની કીમતી વસ્તુઓના ઢગલે-ઢગલા છે.
૧૦ એ નગરી સૂમસામ, વેરાન અને ખંડેર બની ગઈ છે!+
તેઓનું હૃદય ડરને લીધે પીગળી ગયું છે,તેઓનાં ઘૂંટણો થરથર કાંપે છે અને કમર ભાંગી ગઈ છે;
તેઓનો ચહેરો ફિક્કો પડી ગયો છે.
૧૧ ક્યાં ગઈ સિંહોની એ ગુફા,+ જ્યાં જુવાન સિંહો ખાતાં હતાં,જ્યાં તેઓ પોતાનાં બચ્ચાં સાથે નિરાંતે ફરતા હતા,જ્યાં તેઓને કોઈ ડરાવતું ન હતું?
૧૨ સિંહ પોતાનાં બચ્ચાં માટે અનેક જાનવરો ફાડી નાખતો હતો,પોતાની સિંહણો માટે જાનવરોનું ગળું દબોચી દેતો હતો.
શિકારથી અને ફાડી નાખેલાં જાનવરોથી,પોતાની ગુફા ભરી દેતો હતો.
૧૩ સૈન્યોના ઈશ્વર યહોવા* જાહેર કરે છે, “જો! હું તારી વિરુદ્ધ છું,+હું તારા રથોને બાળી નાખીશ, એમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળશે,+તલવાર તારા જુવાન સિંહોનો નાશ કરશે.
હું તને પૃથ્વી પર શિકાર કરતા અટકાવી દઈશ,અને તારા સંદેશવાહકોનો અવાજ સંભળાતો બંધ થઈ જશે.”+
ફૂટનોટ
^ એટલે કે, નિનવેહ.
^ એટલે કે, ઇઝરાયેલ.
^ અથવા કદાચ, “ઈશ્વરના.”
^ અથવા, “ગંધતરુનાં લાકડાંના ભાલા.”
^ કદાચ એ નિનવેહના રાજાને બતાવે છે.
^ અથવા, “પીગળી જશે.”
^ અહીં નિનવેહની વાત થાય છે, જેને રાણી તરીકે રજૂ કરવામાં આવી છે.