નિર્ગમન ૧૦:૧-૨૯

૧૦  પછી યહોવાએ મૂસાને કહ્યું: “રાજા પાસે જા. મેં તેનું અને તેના સેવકોનું દિલ હઠીલું થવા દીધું છે,+ જેથી હું તેની આગળ આ બધા ચમત્કારો બતાવી શકું+ ૨  અને તું તારા દીકરાઓ અને પૌત્રોને જણાવી શકે કે, હું ઇજિપ્ત પર કેવી મોટી મોટી આફતો લાવ્યો હતો અને મેં કેવા મોટા મોટા ચમત્કારો કર્યા હતા.+ એ પરથી તમે ચોક્કસ જાણશો કે હું યહોવા છું.” ૩  મૂસા અને હારુને રાજા પાસે જઈને કહ્યું: “હિબ્રૂઓના ઈશ્વર યહોવા કહે છે, ‘તું ક્યાં સુધી મારો વિરોધ કરીશ?+ મારા લોકોને મારી સેવા કરવા જવા દે. ૪  જો તું મારા લોકોને નહિ જવા દે, તો હું કાલે તારા દેશમાં તીડોનું ટોળું લઈ આવીશ. ૫  તેઓ જમીનને એવી ઢાંકી દેશે કે જમીન જરાય દેખાશે નહિ. કરાની આફત પછી તમારા માટે જે કંઈ બચ્યું હશે, એ બધું તેઓ ખાઈ જશે. મેદાનનાં બધાં વૃક્ષો ખાઈ જશે, એકેય પાંદડું રહેવા દેશે નહિ.+ ૬  તારા મહેલો, તારા સેવકોનાં ઘરો અને ઇજિપ્તના બધા લોકોનાં ઘરો તીડોથી ભરાઈ જશે. તેઓની સંખ્યા એટલી હશે કે તારા બાપદાદાઓના સમયથી આજ સુધી કોઈએ આ દેશમાં એવું કદી જોયું નહિ હોય.’”+ એટલું કહીને મૂસા ત્યાંથી નીકળી ગયો. ૭  પછી સેવકોએ રાજાને કહ્યું: “આ માણસ ક્યાં સુધી આપણું લોહી પીતો રહેશે?* એ લોકોને જવા દો, જેથી તેઓ પોતાના ઈશ્વર યહોવાની સેવા કરી શકે. શું તમે જોઈ નથી શકતા કે, ઇજિપ્ત ખેદાન-મેદાન થઈ ગયું છે?” ૮  તેથી મૂસા અને હારુનને રાજા પાસે બોલાવવામાં આવ્યા. રાજાએ તેઓને કહ્યું: “જાઓ! જઈને તમારા ઈશ્વર યહોવાની સેવા કરો. પણ જણાવો કે કોણ કોણ જશો.” ૯  મૂસાએ કહ્યું: “અમે અમારાં યુવાનો, વૃદ્ધો, દીકરાઓ, દીકરીઓ, ઘેટાં-બકરાં, ઢોરઢાંક,+ બધાંને લઈને જઈશું, કેમ કે અમારે યહોવા માટે તહેવાર ઊજવવો છે.”+ ૧૦  રાજાએ તેઓને કહ્યું: “શું તમને એમ લાગે છે કે, હું તમને અને તમારાં બાળકોને અહીંથી જવા દઈશ? જો એમ થયું, તો સાબિત થશે કે યહોવા સાચે જ તમારી સાથે છે.+ પણ ખોટા ભ્રમમાં ન રહેતા કે એવું કંઈક થશે. મને ખબર છે, તમારા ઇરાદા સારા નથી. ૧૧  ફક્ત તમે પુરુષો જઈને યહોવાની સેવા કરો. તમે એની જ માંગણી કરી હતી ને!” પછી મૂસા અને હારુનને રાજા આગળથી તગેડી મૂકવામાં આવ્યા. ૧૨  યહોવાએ મૂસાને કહ્યું: “તારો હાથ ઇજિપ્ત પર લંબાવ, જેથી આખા દેશ પર તીડો આવે અને કરાથી બચી ગયેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય.” ૧૩  તરત જ મૂસાએ પોતાની લાકડી ઇજિપ્ત પર લંબાવી. યહોવાએ દેશ પર આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ચલાવ્યો. સવાર થઈ ત્યારે પૂર્વ દિશાના પવન સાથે તીડો આવ્યાં. ૧૪  તીડોનાં ટોળેટોળાં ઇજિપ્ત પર ધસી આવ્યાં. તેઓ ખૂણે ખૂણે ફેલાઈ ગયાં.+ એ આફત ખૂબ જ પીડાકારક હતી.+ એટલાં બધાં તીડો પહેલાં ક્યારેય આવ્યાં ન હતાં અને ફરી કદી આવશે પણ નહિ. ૧૫  તેઓએ ધરતીને ઢાંકી દીધી. અરે, તેઓની સંખ્યા એટલી બધી હતી કે, જમીન પર અંધારું છવાઈ ગયું. કરાથી બચેલી બધી વનસ્પતિ અને ઝાડ પરનાં બધાં ફળ તેઓ સફાચટ કરી ગયાં. ન પાંદડું બચ્યું, ન ઘાસ! ૧૬  રાજાએ ઉતાવળે મૂસા અને હારુનને બોલાવ્યા અને તેઓને કહ્યું: “મેં તમારી વિરુદ્ધ અને તમારા ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૭  બસ આ વખતે મને માફ કરી દો. તમારા ઈશ્વર યહોવાને આજીજી કરો કે, તે મારા પરથી આ ભયાનક આફત દૂર કરે.” ૧૮  તેથી મૂસાએ રાજા પાસેથી જઈને યહોવાને વિનંતી કરી.+ ૧૯  યહોવાએ પવનની દિશા બદલી. તેમણે પશ્ચિમ તરફથી ભારે પવન ચલાવ્યો. એ પવને તીડોને ઉડાવીને લાલ સમુદ્રમાં નાખી દીધાં. આખા દેશમાં એકેય તીડ રહ્યું નહિ. ૨૦  પણ યહોવાએ રાજાનું દિલ હઠીલું થવા દીધું+ અને તેણે ઇઝરાયેલીઓને જવા દીધા નહિ. ૨૧  પછી યહોવાએ મૂસાને કહ્યું: “તારો હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા ઇજિપ્ત દેશ પર અંધકાર છવાઈ જાય. એ અંધકાર એટલો ગાઢ હશે કે, તેઓ એને મહેસૂસ કરી શકશે.” ૨૨  મૂસાએ તરત જ પોતાનો હાથ આકાશ તરફ લંબાવ્યો અને ત્રણ દિવસ સુધી આખા દેશ પર ગાઢ અંધકાર છવાયેલો રહ્યો.+ ૨૩  તેઓ એકબીજાને જોઈ શકતા ન હતા. અંધકારને લીધે તેઓ ત્રણ દિવસ સુધી ક્યાંય જઈ શક્યા નહિ. પણ ઇઝરાયેલીઓ જ્યાં રહેતા હતા, ત્યાં અજવાળું હતું.+ ૨૪  રાજાએ મૂસાને બોલાવીને કહ્યું: “જાઓ! યહોવાની સેવા કરો.+ તમારાં બાળકોને પણ સાથે લઈ જાઓ. ફક્ત તમારાં ઘેટાં અને ઢોરને અહીં રહેવા દો.” ૨૫  પણ મૂસાએ કહ્યું: “બલિદાન અને અગ્‍નિ-અર્પણ* માટે તમે પોતે અમને પ્રાણીઓ આપશો,* જેથી અમે અમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવી શકીએ.+ ૨૬  અમે અમારાં ઢોરઢાંક પણ સાથે લઈ જઈશું. અમારું એક પણ પ્રાણી અહીં રહેશે નહિ, કેમ કે અમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરવા અમે એમાંથી અમુક પ્રાણીઓનું બલિદાન ચઢાવીશું. એ જગ્યાએ પહોંચ્યા પછી જ અમને ખબર પડશે કે, યહોવાની ભક્તિ માટે કયા પ્રાણીનું બલિદાન ચઢાવવાનું છે.” ૨૭  પણ યહોવાએ રાજાનું દિલ હઠીલું થવા દીધું અને રાજાએ તેઓને જવા દીધા નહિ.+ ૨૮  રાજાએ મૂસાને કહ્યું: “નીકળ મારી આગળથી! ફરી વાર મારી સામે આવવાની હિંમત પણ ન કરતો. જો તારું મોઢું ફરી બતાવ્યું છે, તો એ જ દિવસે તું માર્યો જશે.” ૨૯  મૂસાએ કહ્યું: “જેવી તમારી ઇચ્છા. હું મારું મોં તમને ફરી ક્યારેય નહિ બતાવું.”

ફૂટનોટ

મૂળ, “આપણને ફાંદારૂપ બની રહેશે?”
અથવા, “લઈ જવા દેશો.”