નિર્ગમન ૧૨:૧-૫૧

  • પાસ્ખાની શરૂઆત (૧-૨૮)

    • ઘરના દરવાજાની બારસાખ પર લોહી છાંટવું ()

  • દસમી આફત: પ્રથમ જન્મેલાની કતલ (૨૯-૩૨)

  • ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળે છે (૩૩-૪૨)

    • ૪૩૦ વર્ષો પૂરાં થયાં (૪૦, ૪૧)

  • પાસ્ખા ઊજવવાનાં સૂચનો (૪૩-૫૧)

૧૨  યહોવાએ મૂસા અને હારુનને ઇજિપ્તમાં કહ્યું: ૨  “આ મહિનાને તમારે પહેલો મહિનો ગણવો. એ તમારા માટે વર્ષનો પહેલો મહિનો થશે.+ ૩  બધા ઇઝરાયેલીઓને કહેજો: ‘આ મહિનાના દસમા દિવસે તમે કુટુંબ દીઠ* એક ઘેટું લો,+ દરેક ઘર માટે એક ઘેટું લો. ૪  પણ જો કુટુંબ એટલું નાનું હોય કે એક ઘેટું ખાઈ ન શકે, તો તેઓ* નજીકના પડોશી સાથે એ વહેંચીને પોતાના ઘરમાં ખાય. કેટલો ભાગ વહેંચવો એ નક્કી કરવા ગણતરી કરો કે ઘરમાં કેટલા લોકો છે અને તેઓ કેટલું માંસ ખાઈ શકશે. ૫  તમે ઘેટાનું કે બકરીનું બચ્ચું લઈ શકો. પણ એ ખોડખાંપણ વગરનું,+ એક વર્ષનું નર હોવું જોઈએ. ૬  આ મહિનાના ૧૪મા દિવસ સુધી તમારે એની સંભાળ રાખવી.+ પછી એ જ દિવસે ઇઝરાયેલના દરેક કુટુંબે* એને સાંજના સમયે* કાપવું.+ ૭  તેઓએ એનું થોડું લોહી લેવું. પછી જે ઘરમાં તેઓ માંસ ખાવાના હોય, એ ઘરના દરવાજાની બંને બારસાખ પર અને ઓતરંગ પર લોહી છાંટવું.+ ૮  “‘એ જ રાતે તેઓએ એનું માંસ ખાવું.+ એ માંસને તેઓએ અગ્‍નિમાં શેકવું અને બેખમીર* રોટલી+ અને કડવી ભાજી સાથે ખાવું.+ ૯  એને કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પણ એને માથા, પગ અને શરીરનાં અંદરનાં અંગો* સાથે આખેઆખું શેકવું અને ખાવું. ૧૦  એમાંથી કશું પણ સવાર સુધી ન રાખવું. જો સવાર સુધી કંઈ બચે, તો એને અગ્‍નિમાં બાળી નાખવું.+ ૧૧  તમારે કમરપટ્ટો બાંધીને, ચંપલ પહેરીને, હાથમાં લાકડી લઈને ઉતાવળે ઉતાવળે એ ખાવું. એ યહોવાનું પાસ્ખા* છે. ૧૨  એ રાતે હું આખા ઇજિપ્તમાંથી પસાર થઈશ અને દેશના દરેક પ્રથમ જન્મેલાને મારી નાખીશ, પછી ભલે એ માણસ હોય કે પ્રાણી.+ હું ઇજિપ્તના દેવોને પણ સજા કરીશ.+ હું યહોવા છું. ૧૩  તમે જે ઘરમાં રહો છો એની બારસાખ પર લગાડેલું લોહી નિશાની થશે. હું એ લોહી જોઈને ત્યાંથી પસાર થઈ જઈશ અને ઇજિપ્ત પર આફત આવશે ત્યારે તમારો નાશ નહિ થાય.+ ૧૪  “‘એ દિવસ તમારા માટે યાદગાર બનશે. પેઢી દર પેઢી તમારે એ દિવસે યહોવા માટે તહેવાર ઊજવવો. એ નિયમ હંમેશ માટે છે. ૧૫  સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી.+ પહેલા દિવસથી જ તમારે ઘરમાંથી ખમીરવાળો* લોટ* કાઢી નાખવો. પહેલા દિવસથી લઈને સાતમા દિવસ સુધી જો કોઈ ખમીરવાળું કંઈ પણ ખાશે, તો તે માર્યો જશે.* ૧૬  પહેલા દિવસે તમારે પવિત્ર સંમેલન રાખવું. સાતમા દિવસે પણ પવિત્ર સંમેલન* રાખવું. એ દિવસોમાં કુટુંબની જરૂરિયાત પૂરતો જ ખોરાક રાંધવો. એ સિવાય બીજું કંઈ કામ કરવું નહિ.+ ૧૭  “‘તમારે બેખમીર રોટલીનો તહેવાર*+ ઊજવવો, કેમ કે એ જ દિવસે હું તમને બધાને* ઇજિપ્ત દેશમાંથી બહાર લઈ જઈશ. તમારે પેઢી દર પેઢી એ તહેવાર ઊજવવો. એ નિયમ હંમેશ માટે છે. ૧૮  પહેલા મહિનાના ૧૪મા દિવસની સાંજથી લઈને ૨૧મા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી જ ખાવી.+ ૧૯  એ સાત દિવસ દરમિયાન તમારાં ઘરોમાં ખમીરવાળો લોટ ન હોવો જોઈએ. એ સમયે જો કોઈ ખમીરવાળું કંઈ પણ ખાશે, તો તે માર્યો જશે, પછી ભલે એ ઇઝરાયેલી હોય કે પરદેશી.+ ૨૦  તમારે કંઈ પણ ખમીરવાળું ખાવું નહિ. તમારાં ઘરોમાં તમારે ફક્ત બેખમીર રોટલી ખાવી.’” ૨૧  મૂસાએ તરત જ ઇઝરાયેલના વડીલોને બોલાવીને+ કહ્યું: “જાઓ અને તમારાં કુટુંબો માટે પ્રાણી* પસંદ કરીને એને પાસ્ખાના બલિદાન તરીકે કાપો. ૨૨  એનું લોહી વાસણમાં ભરો. પછી મરવો છોડની* ડાળી લઈને એને લોહીમાં ડુબાડો અને એનાથી ઓતરંગ પર અને બંને બારસાખ પર લોહી લગાડો. સવાર સુધી કોઈએ ઘરની બહાર નીકળવું નહિ. ૨૩  પછી ઇજિપ્તવાસીઓ પર આફત લાવવા યહોવા પસાર થશે ત્યારે, યહોવા તમારાં ઘરના ઓતરંગ પર અને બંને બારસાખ પર લોહી જોઈને ત્યાંથી પસાર થઈ જશે. તે તમારાં ઘરમાં મરણની આફત* આવવા દેશે નહિ.+ ૨૪  “તમારે અને તમારા દીકરાઓએ આ પ્રસંગ જરૂર ઊજવવો. એ નિયમ હંમેશ માટે છે.+ ૨૫  યહોવાએ વચન આપેલા દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે એ તહેવાર ઊજવતા રહેવું.+ ૨૬  જ્યારે તમારા દીકરાઓ તમને પૂછે કે, ‘આ તહેવાર આપણે કેમ ઊજવીએ છીએ?’+ ૨૭  ત્યારે તમારે કહેવું, ‘એ યહોવાના પાસ્ખાનું બલિદાન છે, કેમ કે તે ઇજિપ્તવાસીઓ પર આફત લાવ્યા ત્યારે, તેમણે ઇઝરાયેલીઓનાં ઘરોને છોડી દીધાં હતાં અને ત્યાંથી પસાર થઈ ગયા હતા.’” પછી લોકોએ જમીન સુધી માથું ટેકવીને નમન કર્યું. ૨૮  યહોવાએ મૂસા અને હારુન દ્વારા જે આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું.+ તેઓએ એમ જ કર્યું. ૨૯  મધરાતે યહોવાએ ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાને મારી નાખ્યા.+ રાજગાદી પર બેસનાર રાજાના પ્રથમ જન્મેલાથી લઈને કેદખાનાના* કેદીના પ્રથમ જન્મેલાને તેમણે મારી નાખ્યા. પ્રાણીઓના પ્રથમ જન્મેલાઓને પણ મારી નાખ્યા.+ ૩૦  રાજા, તેના સેવકો અને બધા ઇજિપ્તવાસીઓ રાતે જાગી ગયા. તેઓ ભારે વિલાપ કરવા લાગ્યા, કેમ કે આખા ઇજિપ્તમાં એવું એકેય ઘર ન હતું, જ્યાં કોઈનું મરણ થયું ન હોય.+ ૩૧  એ જ રાતે, રાજાએ મૂસા અને હારુનને બોલાવીને+ કહ્યું: “જાઓ, અહીંથી નીકળી જાઓ! તમે અને બીજા ઇઝરાયેલીઓ મારા લોકો વચ્ચેથી જતા રહો. તમે કહ્યું હતું તેમ યહોવાની સેવા કરવા જાઓ.+ ૩૨  તમારી માંગણી પ્રમાણે તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંક પણ લઈ જાઓ.+ પણ મને આશીર્વાદ મળે એવી આજીજી કરવાનું ચૂકતા નહિ.” ૩૩  ઇઝરાયેલીઓને ઉતાવળે નીકળી જવા ઇજિપ્તના લોકો આગ્રહ કરવા લાગ્યા,+ કેમ કે તેઓએ કહ્યું: “જો તમે નહિ જાઓ, તો અમે બધા માર્યા જઈશું!”+ ૩૪  ઇઝરાયેલીઓએ ખમીર ઉમેર્યા વગર બાંધેલો લોટ લીધો અને એને લોટ બાંધવાના વાસણમાં મૂક્યો અને વાસણને કપડાંમાં લપેટ્યું. પછી, તેઓએ એને પોતાના ખભે લીધું. ૩૫  મૂસાએ કહ્યું હતું તેમ ઇઝરાયેલીઓએ ઇજિપ્તના લોકો પાસેથી સોના-ચાંદીની ચીજો અને કપડાં માંગી લીધાં.+ ૩૬  યહોવાએ એવું કર્યું કે ઇજિપ્તના લોકોની રહેમનજર ઇઝરાયેલીઓ પર થઈ. એટલે ઇઝરાયેલીઓએ જે કંઈ માંગ્યું, એ બધું તેઓએ આપી દીધું. આમ ઇઝરાયેલીઓએ ઇજિપ્તના લોકોને લૂંટી લીધા.+ ૩૭  પછી, ઇઝરાયેલીઓ ચાલીને રામસેસથી+ સુક્કોથ જવા નીકળ્યા.+ બાળકો* સિવાય તેઓ આશરે ૬,૦૦,૦૦૦ પુરુષો હતા.+ ૩૮  તેઓ સાથે બીજા લોકોનું*+ મોટું ટોળું તેમજ પુષ્કળ ઘેટાં-બકરાં અને ઢોરઢાંક પણ હતાં. ૩૯  ઇજિપ્તથી લાવેલા લોટની તેઓએ બેખમીર રોટલીઓ બનાવી. એ લોટ ખમીરવાળો ન હતો, કેમ કે તેઓને ઇજિપ્તમાંથી એટલા જલદી કાઢી મૂકવામાં આવ્યા હતા કે, તેઓ બીજો કોઈ ખોરાક ભેગો કરીને લાવી ન શક્યા.+ ૪૦  ઇઝરાયેલીઓ ૪૩૦ વર્ષ+ ઇજિપ્તમાં રહ્યા હતા.+ ૪૧  જે દિવસે ૪૩૦ વર્ષ પૂરાં થયાં, એ જ દિવસે યહોવાના લોકો* ઇજિપ્ત દેશમાંથી બહાર આવ્યા. ૪૨  યહોવા તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા, એટલે યહોવાના માનમાં તેઓએ એ રાત ઊજવવાની હતી. ઇઝરાયેલીઓએ પેઢી દર પેઢી એમ કરવાનું હતું.+ ૪૩  પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, “પાસ્ખાના તહેવારનો નિયમ આ છે: કોઈ પરદેશીએ પાસ્ખાનું ભોજન ખાવું નહિ.+ ૪૪  પણ જો કોઈ ગુલામ પૈસાથી ખરીદેલો હોય, તો તેની સુન્‍નત* કર્યા પછી+ તે એ ખાઈ શકે છે. ૪૫  પ્રવાસીએ* અને મજૂરીએ રાખેલા માણસે એમાંથી ખાવું નહિ. ૪૬  જે ઘરમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું હોય, ત્યાં જ એ ખાવું. એનું માંસ ઘરની બહાર લઈ જવું નહિ અને એનું એકેય હાડકું ભાંગવું નહિ.+ ૪૭  બધા ઇઝરાયેલીઓએ એ તહેવાર ઊજવવો. ૪૮  જો તમારી સાથે પરદેશી રહેતો હોય અને તે યહોવા માટે પાસ્ખા ઊજવવા માંગતો હોય, તો તેણે પોતાના ઘરના બધા પુરુષોની સુન્‍નત કરવી. પછી તે ઇઝરાયેલીઓ જેવો ગણાશે અને તહેવાર ઊજવી શકશે. પણ સુન્‍નત ન થઈ હોય એવા કોઈએ એમાંથી ખાવું નહિ.+ ૪૯  ઇઝરાયેલીઓ અને તમારી સાથે રહેતા પરદેશીઓ માટે એકસરખો જ નિયમ છે.”+ ૫૦  યહોવાએ મૂસા અને હારુન દ્વારા જે આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું. તેઓએ એમ જ કર્યું. ૫૧  એ જ દિવસે યહોવા ઇઝરાયેલીઓને* ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.

ફૂટનોટ

મૂળ, “પિતાના ઘર પ્રમાણે.”
મૂળ, “તે.”
મૂળ, “ઇઝરાયેલના આખા મંડળે.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
મૂળ, “બે સાંજની વચ્ચે.” દેખીતું છે, એ સૂર્ય આથમે અને અંધારું થાય એ વચ્ચેના સમયને બતાવે છે.
અથવા, “ખમીર વગરની.”
એ આંતરડાં, હૃદય, કલેજું, મૂત્રપિંડ અને શરીરના બીજા ભાગોને રજૂ કરી શકે.
એટલે કે, “પસાર કરવું.” શબ્દસૂચિ જુઓ.
ખમીરવાળો થોડો જૂનો લોટ. નવો લોટ ખમીરવાળો કરવા એને જૂના લોટ સાથે બાંધવામાં આવતો.
મૂળ, “તેને લોકોમાંથી કાપી નાખવામાં આવશે.”
મૂળ, “તમારાં સૈન્યોને.”
એટલે કે, ઘેટાનું કે બકરીનું બચ્ચું.
મૂળ, “વિનાશ.”
મૂળ, “ટાંકાના ઘરના.”
અહીં “બાળકો” એ સ્ત્રીઓને પણ રજૂ કરી શકે, જેઓ બાળકોની કાળજી લેતી હતી.
એમાં ઇજિપ્તના લોકોનો અને ઇઝરાયેલી ન હોય એવા લોકોનો સમાવેશ થાય છે.
મૂળ, “સૈન્યો.”
અથવા, “અજાણ્યા માણસે; પરદેશીએ.”
મૂળ, “ઇઝરાયેલીઓને અને તેઓનાં સૈન્યોને.”