નિર્ગમન ૧૬:૧-૩૬

  • લોકો ખોરાક માટે કચકચ કરે છે (૧-૩)

  • યહોવા લોકોની કચકચ સાંભળે છે (૪-૧૨)

  • લાવરી અને માન્‍ના આપવામાં આવ્યાં (૧૩-૨૧)

  • સાબ્બાથના દિવસે માન્‍ના મળતું નહિ (૨૨-૩૦)

  • યાદગીરી માટે માન્‍ના સાચવી રાખવામાં આવ્યું (૩૧-૩૬)

૧૬  બધા ઇઝરાયેલીઓ એલીમથી નીકળીને સીનના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યા.+ એ પ્રદેશ એલીમ અને સિનાઈની વચ્ચે છે. ઇજિપ્તથી નીકળ્યા એના બીજા મહિનાના ૧૫મા દિવસે તેઓ ત્યાં આવી પહોંચ્યા. ૨  ત્યાર બાદ, બધા ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ ૩  તેઓ કહેવા લાગ્યા: “અમે ઇજિપ્તમાં જ યહોવાને હાથે મરી ગયા હોત તો સારું થાત. ત્યાં અમે માંસ ખાતા હતા+ અને પેટ ભરીને રોટલી ખાતા હતા. પણ તમે તો આખી પ્રજાને* અહીં વેરાન પ્રદેશમાં ભૂખે મારી નાખવા લઈ આવ્યા છો.”+ ૪  યહોવાએ મૂસાને કહ્યું: “હું આકાશમાંથી તમારા માટે ખોરાક વરસાવીશ.+ દરેક વ્યક્તિએ દિવસ પૂરતો જ ખોરાક ભેગો કરવો.+ હું તેઓની પરીક્ષા કરીશ અને જોઈશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલે છે કે નહિ.+ ૫  પણ છઠ્ઠા દિવસે+ તેઓએ રોજ કરતાં બમણું ભેગું કરવું અને એ રાંધીને રાખવું.”+ ૬  મૂસા અને હારુને બધાં ઇઝરાયેલીઓને કહ્યું: “આજે સાંજે તમને સાચે જ ખબર પડશે કે યહોવા તમને ઇજિપ્તમાંથી બહાર લાવ્યા છે.+ ૭  સવારે તમે યહોવાનો મહિમા જોશો, કેમ કે તમે યહોવા વિરુદ્ધ કરેલી કચકચ તેમણે સાંભળી છે. અમે કોણ કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો છો?” ૮  પછી મૂસાએ કહ્યું: “યહોવા તમને સાંજે માંસ અને સવારે ભરપેટ રોટલી પૂરી પાડશે. એ જોઈને તમને ખબર પડશે કે, તમે યહોવા વિરુદ્ધ કરેલી કચકચ તેમણે સાંભળી છે. અમારી તો શી વિસાત? તમારી કચકચ અમારી વિરુદ્ધ નહિ, પણ યહોવા વિરુદ્ધ છે.”+ ૯  મૂસાએ હારુનને કહ્યું: “બધા ઇઝરાયેલીઓને કહે કે, ‘યહોવાની પાસે આવો, કેમ કે તેમણે તમારી કચકચ સાંભળી છે.’”+ ૧૦  હારુને બધા ઇઝરાયેલીઓ સાથે વાત કરી કે તરત જ તેઓએ વેરાન પ્રદેશ તરફ નજર કરી અને તેઓને વાદળના સ્તંભમાં યહોવાનો મહિમા દેખાયો.+ ૧૧  યહોવાએ મૂસાને કહ્યું: ૧૨  “મેં ઇઝરાયેલીઓની કચકચ સાંભળી છે.+ તેઓને કહે, ‘સાંજે* તમે માંસ ખાશો અને સવારે પેટ ભરીને રોટલી ખાશો.+ આમ તમે સાચે જ જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.’”+ ૧૩  સાંજે લાવરીઓએ* આવીને આખી છાવણીને ઢાંકી દીધી.+ સવારે છાવણીની ચારે બાજુ જમીન પર ઝાકળ પડ્યું હતું. ૧૪  ઝાકળ ઊડી ગયું ત્યારે, વેરાન પ્રદેશ હિમ જેવા બારીક દાણાથી+ ઢંકાયેલો હતો. ૧૫  એ જોઈને ઇઝરાયેલીઓ એકબીજાને કહેવા લાગ્યા, “આ શું છે?” કેમ કે તેઓ જાણતા ન હતા કે એ શું હતું. મૂસાએ તેઓને કહ્યું: “આ તો યહોવાએ તમને આપેલો ખોરાક છે.+ ૧૬  યહોવાએ આજ્ઞા આપી છે, ‘તમે ખાઈ શકો એટલું જ ભેગું કરો. તમારા તંબુમાં રહેનાર સભ્યની સંખ્યા પ્રમાણે વ્યક્તિ દીઠ એક ઓમેર* ભેગું કરો.’”+ ૧૭  ઇઝરાયેલીઓએ એવું જ કર્યું. અમુકે વધારે ભેગું કર્યું, તો અમુકે થોડું. ૧૮  તેઓએ ઓમેર માપથી એને માપ્યું તો જેણે વધારે ભેગું કર્યું હતું, એને વધી ન પડ્યું અને જેણે ઓછું ભેગું કર્યું હતું એને ખૂટી ન પડ્યું.+ પોતે ખાઈ શકે એટલું જ તેઓએ ભેગું કર્યું હતું. ૧૯  મૂસાએ તેઓને કહ્યું: “કોઈએ સવાર સુધી એને રાખવું નહિ.”+ ૨૦  પણ અમુક લોકોએ મૂસાનું સાંભળ્યું નહિ. તેઓએ સવાર સુધી એ રાખી મૂક્યું ત્યારે, એમાં કીડા પડ્યા અને એ ગંધાઈ ઊઠ્યું. એ જોઈને મૂસા તેઓ પર ખૂબ ગુસ્સે ભરાયો. ૨૧  પછી તેઓ ખાઈ શકે એટલું રોજ સવારે ભેગું કરતા. જમીન પર બાકી રહેલું સૂર્યના તાપમાં પીગળી જતું. ૨૨  છઠ્ઠા દિવસે તેઓએ બમણું, એટલે કે વ્યક્તિ દીઠ બે ઓમેર ભેગું કર્યું.+ પછી ઇઝરાયેલના બધા મુખીઓએ આવીને એ વિશે મૂસાને જણાવ્યું. ૨૩  ત્યારે મૂસાએ તેઓને કહ્યું: “યહોવાએ કહ્યું છે, આવતી કાલ આરામનો દિવસ છે,* કેમ કે એ યહોવા માટે પવિત્ર સાબ્બાથ* છે.+ તમારે જે શેકવું હોય એ શેકો અને જે બાફવું હોય એ બાફો.+ જે ખોરાક વધે એ આવતી કાલ સવાર સુધી રાખી મૂકો.” ૨૪  મૂસાએ કહ્યું હતું તેમ તેઓએ સવાર સુધી એ સાચવી રાખ્યું. એમાં કીડા પડ્યા નહિ કે એ ગંધાઈ ઊઠ્યું નહિ. ૨૫  પછી મૂસાએ કહ્યું: “આજે એ ખાઓ, કેમ કે આજે યહોવાનો સાબ્બાથ છે. એ ખોરાક આજે તમને જમીન પર પડેલો નહિ મળે. ૨૬  તમે છ દિવસ એ ભેગું કરશો પણ સાતમા દિવસે, સાબ્બાથના દિવસે+ તમને એ નહિ મળે.” ૨૭  તોપણ અમુક લોકો સાતમા દિવસે એ ભેગું કરવા બહાર ગયા, પણ તેઓને કંઈ મળ્યું નહિ. ૨૮  તેથી યહોવાએ મૂસાને કહ્યું: “ક્યાં સુધી તમે લોકો મારી આજ્ઞાઓ અને નિયમો પાળવાનો નકાર કરશો?+ ૨૯  યાદ રાખજો, યહોવાએ તમને સાબ્બાથનો દિવસ આપ્યો છે.+ એટલે તે છઠ્ઠા દિવસે તમને બે દિવસનો ખોરાક પૂરો પાડે છે. સાતમા દિવસે દરેકે પોતે જ્યાં હોય ત્યાં જ રહેવું, પોતાનો વિસ્તાર છોડીને બહાર ન જવું.” ૩૦  એટલે સાતમા દિવસે લોકોએ સાબ્બાથ પાળ્યો.*+ ૩૧  ઇઝરાયેલીઓએ એ ખોરાકનું નામ “માન્‍ના”* પાડ્યું. એ સફેદ હતું અને ધાણાના દાણા જેવું હતું. એનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો.+ ૩૨  મૂસાએ કહ્યું: “યહોવાએ આજ્ઞા આપી છે, ‘એક ઓમેર માન્‍ના ભેગું કરીને આવનાર પેઢીઓ માટે એને સાચવી રાખો.+ આમ તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા પછી, જે ખોરાક મેં તમને વેરાન પ્રદેશમાં આપ્યો હતો, એ તેઓ જોઈ શકશે.’” ૩૩  એટલે મૂસાએ હારુનને કહ્યું: “એક બરણી લે અને એમાં એક ઓમેર માન્‍ના ભર. પછી આવનાર પેઢીઓ માટે સાચવી રાખવા એને યહોવા આગળ મૂક.”+ ૩૪  યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એમ જ હારુને કર્યું. માન્‍નાને સાચવી રાખવા તેણે એને સાક્ષીકોશ*+ આગળ મૂક્યું. ૩૫  ઇઝરાયેલીઓએ ૪૦ વર્ષ સુધી માન્‍ના ખાધું.+ વસ્તીવાળા કનાન દેશની સરહદે પહોંચ્યા ત્યાં સુધી તેઓ માન્‍ના ખાતા રહ્યા.+ ૩૬  ઓમેર એક એફાહનો* દસમો ભાગ છે.

ફૂટનોટ

મૂળ, “આખા મંડળને.”
મૂળ, “બે સાંજની વચ્ચે.” દેખીતું છે, એ સૂર્ય આથમે અને અંધારું થાય એ વચ્ચેના સમયને બતાવે છે.
એક પ્રકારનું પક્ષી.
આશરે ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “સાબ્બાથ પાળવો.”
અથવા, “આરામ કર્યો.”
હિબ્રૂ, માન હુ, કદાચ જેનો અર્થ થાય, “આ શું છે?” શબ્દસૂચિ જુઓ.
અથવા, “કરારકોશ.” એ એક પેટી હતી, જે કદાચ મહત્ત્વના દસ્તાવેજો સાચવવા વપરાતી હતી. શબ્દસૂચિમાં “કરારકોશ” જુઓ.
એક એફાહ એટલે ૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.