નિર્ગમન ૨૦:૧-૨૬
૨૦ પછી ઈશ્વરે આ બધી આજ્ઞાઓ આપી:+
૨ “હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો છું.+
૩ મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.+
૪ “તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો. ઉપર આકાશમાંની, નીચે પૃથ્વી પરની અને પાણીમાંની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો.+
૫ તમે તેઓ સામે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ.+ હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.*+ જેઓ મને નફરત કરે છે, તેઓનાં પાપની સજા હું તેઓના દીકરાઓ પર અને તેઓની ત્રીજી ચોથી પેઢી પર લાવું છું.
૬ પણ જેઓ મને પ્રેમ કરે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢીઓ સુધી હું અતૂટ પ્રેમ* બતાવું છું.+
૭ “તમે તમારા ઈશ્વર યહોવાનું નામ નકામું ન લો.*+ જે કોઈ યહોવાનું નામ નકામું લે છે, તેને તે ચોક્કસ સજા કરશે.+
૮ “યાદ રાખજો કે સાબ્બાથનો દિવસ પવિત્ર છે.+
૯ છ દિવસ તમે કામ કરો,+
૧૦ પણ સાતમા દિવસે તમે કંઈ કામ ન કરો. એ દિવસ તમારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે. તમે કે તમારાં દીકરા-દીકરીઓ કે તમારાં દાસ-દાસીઓ કે તમારાં ઢોરઢાંક કે તમારા વિસ્તારમાં રહેતો પરદેશી કંઈ કામ ન કરે.+
૧૧ કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું બનાવ્યું અને સાતમા દિવસે આરામ લીધો.+ એટલે યહોવાએ સાબ્બાથના દિવસને આશીર્વાદ આપ્યો છે અને એને પવિત્ર ઠરાવ્યો છે.
૧૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવો.+
૧૩ “તમે ખૂન ન કરો.+
૧૪ “તમે વ્યભિચાર ન કરો.+
૧૫ “તમે ચોરી ન કરો.+
૧૬ “તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂરો.+
૧૭ “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તેની પત્નીનો+ કે તેનાં દાસ-દાસીનો કે તેના બળદનો* કે તેના ગધેડાનો કે તેની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.”+
૧૮ હવે ગર્જના અને રણશિંગડાનો અવાજ સાંભળીને તેમજ વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ધુમાડો જોઈને લોકો ડરના માર્યા ધ્રૂજવા લાગ્યા. તેઓ પર્વતથી દૂર ઊભા રહ્યા.+
૧૯ તેઓએ મૂસાને કહ્યું: “તમે અમારી સાથે વાત કરજો અને અમે તમારું સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે વાત ન કરે, કેમ કે અમને ડર છે કે અમે માર્યા જઈશું.”+
૨૦ મૂસાએ લોકોને કહ્યું: “ડરશો નહિ. સાચા ઈશ્વર તમારી કસોટી કરવા આવ્યા છે,+ જેથી તમે હંમેશાં તેમનો ડર રાખો અને કોઈ પાપ ન કરી બેસો.”+
૨૧ લોકો પર્વતથી દૂર ઊભા રહ્યા, પણ મૂસા કાળા વાદળ પાસે ગયો, જ્યાં સાચા ઈશ્વર હતા.+
૨૨ યહોવાએ મૂસાને કહ્યું: “તું ઇઝરાયેલીઓને કહેજે, ‘તમે નજરોનજર જોયું છે કે મેં તમારી સાથે સ્વર્ગમાંથી વાત કરી છે.+
૨૩ તમે સોના કે ચાંદીના દેવો ન બનાવો. મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.+
૨૪ મારા માટે માટીની વેદી બનાવો અને એના પર તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવો. હું જે જગ્યાઓ મારી ભક્તિ માટે પસંદ કરીશ,*+ ત્યાં હું તમારી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.
૨૫ જો તમે મારા માટે પથ્થરની વેદી બનાવો, તો ઓજારથી ઘડેલા પથ્થર ન વાપરતા,+ કેમ કે છીણી વાપરવાથી એ મારા માટે અપવિત્ર બની જશે.
૨૬ તમારે વેદી પર પગથિયાં ન બનાવવાં, જેથી તમે ઉપર ચઢો ત્યારે તમારી નગ્નતા* ન દેખાય.’
ફૂટનોટ
^ શબ્દસૂચિમાં “ભક્તિભાવ” જુઓ.
^ અથવા, “નિંદા ન કરો; અપમાન ન કરો; ખોટી રીતે ન લો.”
^ મૂળ, “આખલાનો.”
^ મૂળ, “જે જગ્યાઓએ હું મારું નામ યાદ કરાવીશ.”
^ અથવા, “તમારાં ગુપ્ત અંગો.”