નિર્ગમન ૨૭:૧-૨૧

૨૭  “તું બાવળના લાકડાની ચોરસ વેદી બનાવ.+ એ પાંચ હાથ* લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હોય.+ ૨  એના ચારે ખૂણા પર એક એક શિંગડું+ બનાવ. એ શિંગડાં* વેદીનો જ ભાગ ગણાશે. તું આખી વેદીને તાંબાથી મઢ.+ ૩  વેદીની રાખ* માટે તું ડોલ બનાવ. તેમ જ, વેદી માટે પાવડા, વાટકા, કાંટા* અને અગ્‍નિપાત્રો બનાવ. એ બધી વસ્તુઓ તાંબાની બનાવ.+ ૪  વેદી માટે તાંબાની જાળી બનાવ. એ જાળીના ચારે ખૂણા પર તાંબાનાં ચાર કડાં બનાવ. ૫  તું જાળીને વેદીની અંદર મૂક. વેદીની ઊંચાઈની અધવચ્ચે એ જાળી હોવી જોઈએ. ૬  વેદી માટે બાવળના લાકડાના દાંડા બનાવ અને એને તાંબાથી મઢ. ૭  વેદીને ઊંચકતી વખતે એ દાંડા વેદીની બંને બાજુનાં કડાંમાં પરોવવા.+ ૮  તું પાટિયાંની વેદી બનાવ. એ ખોખા જેવી હોય, પણ ઉપર અને નીચેથી ખુલ્લી હોય. પર્વત પર તને જે નમૂનો બતાવવામાં આવ્યો હતો, એ પ્રમાણે જ તું એને બનાવ.+ ૯  “તું મંડપનું આંગણું* બનાવ.+ એ માટે દક્ષિણ તરફ ૧૦૦ હાથ લાંબો બારીક કાંતેલા શણનો પડદો* બનાવ.+ ૧૦  પડદો લગાવવા ૨૦ થાંભલી અને તાંબાની ૨૦ કૂંભી* હોય. થાંભલીની કડીઓ અને આંકડીઓ ચાંદીની હોય. ૧૧  ઉત્તર તરફનો પડદો પણ ૧૦૦ હાથ લાંબો હોય. એ લગાવવા ૨૦ થાંભલી અને તાંબાની ૨૦ કૂંભી હોય. થાંભલીની કડીઓ અને આંકડીઓ ચાંદીની હોય. ૧૨  આંગણાની પશ્ચિમ તરફનો પડદો ૫૦ હાથ લાંબો હોય. એ લગાવવા દસ થાંભલી અને દસ કૂંભી હોય. ૧૩  પૂર્વ તરફ* આંગણાની પહોળાઈ ૫૦ હાથ હોય. ૧૪  પ્રવેશદ્વારની જમણી તરફ ૧૫ હાથ લાંબો પડદો હોય. એ લગાવવા ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય.+ ૧૫  પ્રવેશદ્વારની ડાબી તરફ ૧૫ હાથ લાંબો પડદો હોય. એ લગાવવા ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય. ૧૬  “આંગણાના પ્રવેશદ્વાર માટે તું ૨૦ હાથ લાંબો પડદો બનાવ. ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક કાંતેલું શણ વણીને એ પડદો બનાવ.+ એ લગાવવા ચાર થાંભલી અને ચાર કૂંભી હોય.+ ૧૭  આંગણા ફરતે બધી થાંભલીઓ પરની કડીઓ અને આંકડીઓ ચાંદીની હોય, પણ એની કૂંભીઓ તાંબાની હોય.+ ૧૮  આંગણું ૧૦૦ હાથ લાંબું+ અને ૫૦ હાથ પહોળું હોય. એની ફરતેનો પડદો ૫ હાથ ઊંચો હોય. એ બારીક કાંતેલા શણનો બનેલો હોય અને એની કૂંભીઓ તાંબાની હોય. ૧૯  મંડપમાં સેવા માટે વપરાતાં બધાં વાસણો અને વસ્તુઓ તાંબાનાં હોય. મંડપ અને આંગણાના બધા ખીલા પણ તાંબાના હોય.+ ૨૦  “તું ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ અજવાળા માટે પીલેલાં જૈતૂનનું શુદ્ધ તેલ લાવે, જેથી દીવા સળગતા રહે.+ ૨૧  એ દીવા મુલાકાતમંડપમાં* કરારકોશ* પાસેના પડદાની બહારની તરફ હશે.+ હારુન અને તેના દીકરાઓ સાંજથી સવાર સુધી યહોવા આગળ એ દીવાઓ સળગતા રહે એવી ગોઠવણ કરશે.+ ઇઝરાયેલીઓ માટે એ નિયમ હંમેશ માટે છે, જે તેઓએ પેઢી દર પેઢી પાળવાનો છે.+

ફૂટનોટ

એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ચરબીવાળી રાખ.” એટલે કે, બલિદાનોની ચરબીથી પલળેલી રાખ.
કદાચ એ ત્રણ દાંતાવાળું ઓજાર હોય શકે.
અથવા, “કનાત.”
મૂળ, “પૂર્વ તરફ જ્યાં સૂર્ય ઊગે છે, એ તરફ.”