નિર્ગમન ૩૦:૧-૩૮

  • ધૂપવેદી (૧-૧૦)

  • વસ્તી-ગણતરી અને પ્રાયશ્ચિત્તની કિંમત (૧૧-૧૬)

  • હાથ-પગ ધોવા માટે તાંબાનો કુંડ (૧૭-૨૧)

  • અભિષેક કરવાના તેલ માટે ખાસ મિશ્રણ (૨૨-૩૩)

  • પવિત્ર ધૂપ બનાવવાની રીત (૩૪-૩૮)

૩૦  “તું ધૂપ બાળવા માટે બાવળના લાકડાની એક ધૂપવેદી* બનાવ.+ ૨  એ ચોરસ હોય, એક હાથ* લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. એનાં શિંગડાં ધૂપવેદીનો જ ભાગ હોય.+ ૩  તું ધૂપવેદીનો ઉપરનો ભાગ, એની ચારે બાજુ અને એનાં શિંગડાં ચોખ્ખા સોનાથી મઢ. તું એની ફરતે સોનાની કિનારી બનાવ. ૪  એ કિનારી નીચે સામસામેની બાજુએ તું સોનાનાં બબ્બે કડાં બનાવ, જેથી ધૂપવેદીને ઊંચકવાના દાંડા એમાં પરોવી શકાય. ૫  તું બાવળના લાકડાના દાંડા બનાવ અને એને સોનાથી મઢ. ૬  તું એ ધૂપવેદીને પરમ પવિત્ર સ્થાનના પડદા આગળ મૂક, જેથી એ સાક્ષીકોશની નજીક રહે.+ હું સાક્ષીકોશના ઢાંકણ ઉપર તારી આગળ પ્રગટ થઈશ.+ ૭  “હારુન+ ધૂપવેદી+ પર સુગંધી ધૂપ+ બાળે. તે દર સવારે દીવા+ તૈયાર કરવા આવે ત્યારે, એના પર ધૂપ બાળે. ૮  હારુન જ્યારે સાંજના સમયે* દીવાઓ સળગાવે, ત્યારે પણ ધૂપ બાળે. ધૂપનું એ અર્પણ યહોવા આગળ પેઢી દર પેઢી કરવામાં આવે. ૯  તું એના પર એવો ધૂપ ન બાળ, જે નિયમ વિરુદ્ધ હોય.+ તેમ જ, અગ્‍નિ-અર્પણ, અનાજ-અર્પણ* અને દ્રાક્ષદારૂ-અર્પણ એના પર ન ચઢાવ. ૧૦  હારુન પાપ-અર્પણ માટે ચઢાવેલાં પ્રાણીઓનું થોડું લોહી લે અને એને ધૂપવેદીનાં શિંગડાં પર છાંટે. એ રીતે તે ધૂપવેદી માટે પ્રાયશ્ચિત્ત કરે.+ ધૂપવેદીને પવિત્ર કરવા વર્ષમાં એક વાર તે એવું કરે.+ એ પેઢી દર પેઢી કરવામાં આવે. યહોવા માટે એ ધૂપવેદી ખૂબ પવિત્ર છે.” ૧૧  પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૨  “જ્યારે તું વસ્તી-ગણતરી કરે અને ઇઝરાયેલના પુરુષોની સંખ્યા ગણે,+ ત્યારે દરેક પુરુષ પોતાના જીવન માટે યહોવાને કિંમત* ચૂકવે. આમ તેઓની નોંધણી વખતે તેઓ પર આફત નહિ આવે. ૧૩  જેઓની નોંધણી થઈ હોય એ દરેક પુરુષ પવિત્ર જગ્યાના* શેકેલના* તોલમાપ* પ્રમાણે અડધો શેકેલ આપે.+ એક શેકેલ એટલે વીસ ગેરાહ* થાય. અડધો શેકેલ એ યહોવાને આપેલું દાન ગણાશે.+ ૧૪  ૨૦ વર્ષ કે એથી વધારે ઉંમરના જે કોઈ પુરુષની નોંધણી થઈ હોય, તે યહોવાને દાન આપે.+ ૧૫  તમારા જીવનના પ્રાયશ્ચિત્ત માટે તમે યહોવાને દાનમાં અડધો શેકેલ* આપો. અમીર પુરુષ એનાથી વધારે ન આપે અને ગરીબ એનાથી ઓછું ન આપે. ૧૬  ઇઝરાયેલીઓ પાસેથી તેઓનાં પ્રાયશ્ચિત્ત માટે તું ચાંદીના પૈસા લે અને એને મુલાકાતમંડપમાં થતા કામ માટે વાપર. એ પૈસા ઇઝરાયેલીઓ માટે યહોવા આગળ યાદગીરી માટે થશે અને એનાથી તમારાં જીવનનું પ્રાયશ્ચિત્ત થશે.” ૧૭  યહોવાએ મૂસાને કહ્યું: ૧૮  “તું તાંબાનો કુંડ બનાવ અને એને મૂકવાની ઘોડી બનાવ.+ કુંડને મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે મૂક અને એમાં પાણી ભર.+ ૧૯  હારુન અને તેના દીકરાઓ ત્યાં પોતાના હાથ-પગ ધૂએ.+ ૨૦  જ્યારે તેઓ મુલાકાતમંડપમાં અથવા વેદીએ સેવા કરવા જાય અને યહોવા માટે અગ્‍નિમાં અર્પણ ચઢાવવા જાય, ત્યારે પાણીથી પોતાને શુદ્ધ કરે. આમ તેઓ માર્યા નહિ જાય. ૨૧  તેઓએ પોતાના હાથ-પગ ધોવા, જેથી તેઓ માર્યા ન જાય. આ નિયમ હંમેશ માટે છે, જે હારુન અને તેના વંશજો પેઢી દર પેઢી પાળે.”+ ૨૨  યહોવાએ મૂસાને આગળ જણાવ્યું: ૨૩  “હવે આ ઉત્તમ સુગંધીઓ લે: ૫૦૦ શેકેલ કઠણ બોળ,* એનું અડધું એટલે ૨૫૦ શેકેલ સુગંધીદાર તજ, ૨૫૦ શેકેલ સુગંધીદાર બરુ ૨૪  અને ૫૦૦ શેકેલ દાલચીની.* એ બધું પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય.+ એની સાથે તું એક હીન* જૈતૂનનું તેલ પણ લે. ૨૫  એ વસ્તુઓ ભેગી કરીને તું અભિષેક કરવાનું પવિત્ર તેલ બનાવ. એ મિશ્રણ ઉત્તમ રીતે તૈયાર કર.*+ એ અભિષેક કરવાનું પવિત્ર તેલ ગણાશે. ૨૬  “એ તેલથી તું આ બધાંનો અભિષેક કર: મુલાકાતમંડપ,+ સાક્ષીકોશ, ૨૭  મેજ અને એનાં વાસણો, દીવી અને એનાં વાસણો, ધૂપવેદી, ૨૮  અગ્‍નિ-અર્પણની વેદી અને એનાં વાસણો, કુંડ અને એને મૂકવાની ઘોડી. ૨૯  એ બધાંને તું પવિત્ર કર, જેથી એ ખૂબ પવિત્ર થાય.+ એ વસ્તુઓને અડનાર દરેક માણસ પવિત્ર હોવો જોઈએ.+ ૩૦  તું હારુન+ અને તેના દીકરાઓનો+ અભિષેક કર. તેઓને પવિત્ર કર, જેથી તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકે.+ ૩૧  “તું ઇઝરાયેલીઓને કહે, ‘તમારી પેઢી દર પેઢી આ તેલ મારા માટે અભિષેક કરવાનું પવિત્ર તેલ છે.+ ૩૨  એ તેલ મનુષ્યનાં શરીર પર લગાવવું નહિ. એના મિશ્રણ જેવું બીજું કંઈ પણ બનાવવું નહિ. એ તેલ પવિત્ર છે. તમારે પણ એને પવિત્ર ગણવું. ૩૩  જો કોઈ માણસ એના જેવું તેલ બનાવે અને યાજક ન હોય એવા માણસ* પર લગાવે, તો તેને મારી નાખવો.’”+ ૩૪  પછી યહોવાએ મૂસાને કહ્યું: “આ સુગંધીઓ સરખા માપમાં લે:+ નાટાફ,* શહેલેથ,* સુગંધીદાર હેલ્બનાહ* અને શુદ્ધ લોબાન.* ૩૫  એમાંથી ધૂપ બનાવ.+ એ ધૂપ ઉત્તમ રીતે તૈયાર કરેલો,* મીઠું મેળવેલો,+ શુદ્ધ અને પવિત્ર હોય. ૩૬  એમાંથી થોડો ધૂપ લે અને એને ખાંડીને બારીક ભૂકો કર. થોડો ભૂકો સાક્ષીકોશ સામે મૂક, જ્યાં હું તારી આગળ પ્રગટ થઈશ. તારે એને ખૂબ પવિત્ર ગણવો. ૩૭  એ મિશ્રણથી તું પોતાના ઉપયોગ માટે ધૂપ ન બનાવ,+ કેમ કે એ યહોવા માટે પવિત્ર છે. ૩૮  જો કોઈ એની સુવાસનો આનંદ માણવા એના જેવો ધૂપ બનાવે, તો તેને મારી નાખવો.”

ફૂટનોટ

શબ્દસૂચિમાં “વેદી” જુઓ.
આશરે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “બે સાંજની વચ્ચે.” દેખીતું છે, એ સૂર્ય આથમે અને અંધારું થાય એ વચ્ચેના સમયને બતાવે છે.
શબ્દસૂચિમાં “છુટકારાની કિંમત” જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “પવિત્ર શેકેલ.”
એક ગેરાહ એટલે ૦.૫૭ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “પવિત્ર શેકેલ.”
એક હીન એટલે ૩.૬૭ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “સુગંધી બનાવનારના હુન્‍નર મુજબ તૈયાર કર.”
મૂળ, “અજાણ્યા માણસ.” એટલે કે, હારુનના કુટુંબનો ન હોય એવો માણસ.
ઝાડમાંથી ટપકતો ચીકણો સુગંધીદાર ગુંદર.
એ કદાચ સુગંધીદાર છોડ અથવા છીપ માછલીમાંથી મળતો ખુશબોદાર પદાર્થ હોય શકે.
એક પ્રકારના છોડમાંથી મળતો ગુંદર.
અથવા, “સુગંધી બનાવનારના હુન્‍નર મુજબ તૈયાર કરેલો.”