નિર્ગમન ૩૨:૧-૩૫

  • સોનાના વાછરડાની ભક્તિ (૧-૩૫)

    • મૂસાને અલગ પ્રકારનું ગીત સંભળાય છે (૧૭, ૧૮)

    • મૂસા નિયમની પાટીઓ તોડી નાખે છે (૧૯)

    • લેવીઓ યહોવાને વફાદાર રહે છે (૨૬-૨૯)

૩૨  પછી લોકોને થયું કે મૂસાને પર્વત પરથી નીચે આવતા બહુ વાર લાગી રહી છે.+ તેથી, તેઓએ હારુન પાસે જઈને કહ્યું: “ચાલ, હવે અમારા માટે એક દેવ બનાવ, જે અમને દોરે.+ કેમ કે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર મૂસાનું શું થયું છે, એ અમે જાણતા નથી.” ૨  હારુને તેઓને કહ્યું: “જાઓ, તમારી પત્નીઓ અને તમારાં દીકરા-દીકરીઓના કાનમાંથી સોનાની કડીઓ+ કાઢીને મારી પાસે લઈ આવો.” ૩  એટલે બધા લોકો પોતાના કાનમાંથી સોનાની કડીઓ કાઢીને હારુન પાસે લઈ આવ્યા. ૪  પછી હારુને તેઓ પાસેથી સોનું લીધું અને છીણી વાપરીને એક વાછરડું* બનાવ્યું.+ એ જોઈને લોકોએ કહ્યું: “હે ઇઝરાયેલ, આ આપણો દેવ છે. તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે.”+ ૫  એ સાંભળીને હારુને વાછરડા સામે એક વેદી બાંધી અને કહ્યું: “આવતી કાલે યહોવા માટે તહેવાર ઊજવવામાં આવશે.” ૬  બીજા દિવસે લોકો વહેલી સવારે ઊઠી ગયા. તેઓએ અગ્‍નિ-અર્પણો અને શાંતિ-અર્પણો ચઢાવ્યાં. લોકોએ બેસીને ખાધું-પીધું. પછી તેઓ ઊઠીને ખૂબ મોજમજા કરવા લાગ્યા.+ ૭  યહોવાએ મૂસાને કહ્યું: “નીચે જા, કેમ કે તારા લોકોએ પોતાને ભ્રષ્ટ કર્યા છે,+ જેઓને તું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે. ૮  તેઓને જે માર્ગે ચાલવાની મેં આજ્ઞા આપી હતી, એમાંથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે.+ તેઓએ પોતાના માટે વાછરડું* બનાવ્યું છે અને તેઓ એની આગળ નમન કરે છે. તેઓ એની આગળ બલિદાનો ચઢાવતા કહે છે, ‘હે ઇઝરાયેલ, આ આપણો દેવ છે. તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે.’” ૯  યહોવાએ મૂસાને આગળ કહ્યું: “મેં જોયું છે કે આ લોકો હઠીલા છે.+ ૧૦  હવે તું મને અટકાવીશ નહિ. મારા ક્રોધની જ્વાળાઓ તેઓને ભસ્મ કરીને જ રહેશે. પણ હું તારામાંથી એક મોટી પ્રજા ઉત્પન્‍ન કરીશ.”+ ૧૧  પછી મૂસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરીને+ કહ્યું: “હે યહોવા, તમે જ મોટા પરાક્રમથી અને શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા. તો હવે શા માટે તમે તેઓ પર આટલા બધા ગુસ્સે ભરાયા છો?+ ૧૨  ઇજિપ્તવાસીઓ કહેશે કે, ‘તેઓનો ઈશ્વર ખરાબ ઇરાદાથી તેઓને બહાર કાઢી લાવ્યો હતો. તે તેઓને પર્વતોમાં મારી નાખવા માંગતો હતો અને પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેવા ચાહતો હતો.’+ તો એવું કહેવાની તક તેઓને કેમ આપવી? કૃપા કરીને તમારો ગુસ્સો શાંત પાડો. તમારા લોકો પર જે આફત લાવવાનું તમે નક્કી કર્યું છે, એના પર ફરી વિચાર* કરો. ૧૩  તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયેલને યાદ કરો. તમે પોતાના સમ ખાઈને તેઓને વચન આપ્યું હતું: ‘હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી વધારીશ.+ હું તારા વંશજને આ આખો દેશ આપીશ, જેથી તેઓ હંમેશ માટે એનો વારસો મેળવે.’”+ ૧૪  તેથી યહોવાએ જે આફત લાવવાનું નક્કી કર્યું હતું, એના પર ફરી વિચાર* કર્યો અને લોકો પર આફત ન લાવ્યા.+ ૧૫  પછી મૂસા પોતાના હાથમાં સાક્ષીલેખની* બે પાટીઓ+ લઈને પર્વત પરથી નીચે ઊતર્યો.+ એ પાટીઓની બંને બાજુએ લખાણ હતું. ૧૬  એ પાટીઓ ઈશ્વરે પોતે બનાવી હતી અને તેમણે એના પર કોતરીને લખ્યું હતું.+ ૧૭  યહોશુઆએ લોકોના બૂમબરાડા સાંભળ્યા ત્યારે, તેણે મૂસાને કહ્યું: “છાવણીમાં યુદ્ધનો અવાજ સંભળાય છે.” ૧૮  પણ મૂસાએ કહ્યું: “એ અવાજ વિજયગીતોનો નથી,હારના વિલાપનો પણ નથી;એ અવાજ તો બીજા જ પ્રકારનાં ગીતોનો છે.” ૧૯  મૂસા છાવણીની નજીક પહોંચ્યો. જ્યારે તેણે વાછરડું+ જોયું અને લોકોને નાચતા જોયા, ત્યારે તેનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તેણે પોતાના હાથમાંની પાટીઓ ફેંકી દીધી અને પર્વતની તળેટીએ એ પાટીઓના ટુકડે-ટુકડા થઈ ગયા.+ ૨૦  લોકોએ બનાવેલું વાછરડું મૂસાએ લઈ લીધું અને એને અગ્‍નિથી બાળી નાખ્યું. પછી એનો ભાંગીને ભૂકો કરી નાખ્યો.+ એ ભૂકો તેણે પાણીમાં ભભરાવ્યો અને ઇઝરાયેલીઓને એ પાણી પીવાની આજ્ઞા કરી.+ ૨૧  મૂસાએ હારુનને પૂછ્યું: “લોકોએ તારી સાથે એવું તો શું કર્યું કે તેં તેઓને આટલા મોટા પાપમાં નાખ્યા?” ૨૨  હારુને કહ્યું: “મારા ભાઈ, ગુસ્સે ન થતો. તું સારી રીતે જાણે છે કે આ લોકોનું વલણ દુષ્ટતા તરફ ઢળેલું છે.+ ૨૩  તેઓએ મને કહ્યું, ‘અમારા માટે એક દેવ બનાવ, જે અમને દોરે. કેમ કે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર મૂસાનું શું થયું છે, એ અમે જાણતા નથી.’+ ૨૪  તેથી મેં તેઓને કહ્યું, ‘તમારું સોનું મારી પાસે લાવો.’ પછી મેં એ સોનું અગ્‍નિમાં નાખ્યું અને આ વાછરડું બની ગયું.” ૨૫  મૂસાએ જોયું કે હારુને છૂટ આપી હોવાથી લોકો બેકાબૂ થઈ ગયા છે અને દુશ્મનો સામે તેઓનું માથું શરમથી ઝૂકી ગયું છે. ૨૬  પછી મૂસાએ છાવણીને આંગણે ઊભા રહીને લોકોને કહ્યું: “યહોવાના પક્ષે કોણ છે? તે મારી પાસે આવે!”+ એટલે બધા લેવીઓ મૂસા પાસે આવીને ઊભા રહ્યા. ૨૭  મૂસાએ લેવીઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘તમારી તલવાર લો. છાવણીને એક છેડેથી બીજે છેડે સુધી જઈને* પોતાના ભાઈને, પોતાના પડોશીને અને પોતાના જિગરી દોસ્તને મારી નાખો.’”+ ૨૮  લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું. તેથી, એ દિવસે આશરે ૩,૦૦૦ પુરુષો માર્યા ગયા. ૨૯  પછી મૂસાએ કહ્યું: “આજે તમે યહોવા માટે પોતાને અલગ કરો. તે આજે તમને આશીર્વાદ આપશે,+ કેમ કે તમારામાંનો દરેક જણ પોતાના દીકરા અને પોતાના ભાઈ વિરુદ્ધ થયો છે.”+ ૩૦  બીજા જ દિવસે મૂસાએ લોકોને કહ્યું: “તમે બહુ મોટું પાપ કર્યું છે. હવે હું યહોવા પાસે જઈને તેમને આજીજી કરીશ, જેથી તે તમારું પાપ માફ કરી દે.”+ ૩૧  પછી મૂસાએ યહોવા પાસે જઈને કહ્યું: “આ લોકોએ કેટલું મોટું પાપ કર્યું છે! તેઓએ પોતાના માટે સોનાનો દેવ બનાવ્યો!+ ૩૨  હવે જો તમે ચાહતા હો, તો તેઓનું પાપ માફ કરો.+ નહિતર, તમે લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો.”+ ૩૩  પણ યહોવાએ મૂસાને કહ્યું: “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ. ૩૪  હવે તું જા અને જે જગ્યા વિશે મેં તને જણાવ્યું છે, ત્યાં તું આ લોકોને દોરી જા. જો! મારો દૂત તારી આગળ ચાલશે.+ જે દિવસે હું લોકો પાસેથી પાપનો હિસાબ માંગીશ, એ દિવસે હું આ લોકોને પાપની સજા કરીશ.” ૩૫  પછી યહોવા લોકો પર વિપત્તિ લાવ્યા, કેમ કે તેઓએ હારુનની મદદથી વાછરડું બનાવ્યું હતું.

ફૂટનોટ

અથવા, “ઢાળેલું વાછરડું.”
અથવા, “ઢાળેલું વાછરડું.”
અથવા, “પસ્તાવો.”
અથવા, “પસ્તાવો.”
મૂળ, “એક પ્રવેશદ્વારથી બીજા પ્રવેશદ્વાર સુધી જઈને.”