નિર્ગમન ૪૦:૧-૩૮

  • મંડપ ઊભો કરે છે (૧-૩૩)

  • મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ જાય છે (૩૪-૩૮)

૪૦  પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨  “તું પહેલા મહિનાના પહેલા દિવસે મંડપ, એટલે કે મુલાકાતમંડપ ઊભો કર.+ ૩  તું એમાં સાક્ષીકોશ મૂક+ અને એની સામે પડદો લગાવ, જેથી કોશ દેખાય નહિ.+ ૪  તું મંડપની અંદર મેજ લાવ+ અને મેજ પર એની વસ્તુઓ ગોઠવ. પછી, તું દીવી લાવ+ અને એના દીવાઓ સળગાવ.+ ૫  તું સાક્ષીકોશની સામે સોનાની ધૂપવેદી મૂક+ અને મંડપના પ્રવેશદ્વારે એક પડદો લગાવ.+ ૬  “મંડપ, એટલે કે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે તું અગ્‍નિ-અર્પણની વેદી મૂક.+ ૭  કુંડને મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે મૂક અને એમાં પાણી ભર.+ ૮  તું મંડપનું આંગણું ઊભું કર+ અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લગાવ.+ ૯  પછી તું અભિષેક કરવાનું તેલ લે+ અને મંડપ અને એની વસ્તુઓનો અભિષેક કર.+ મંડપને અને એનાં બધાં વાસણોને પવિત્ર કર, જેથી એ બધું પવિત્ર થાય. ૧૦  અગ્‍નિ-અર્પણની વેદીનો અને એનાં વાસણોનો તું અભિષેક કર. વેદીને પવિત્ર કર, જેથી એ ખૂબ પવિત્ર વેદી થાય.+ ૧૧  કુંડ અને એને મૂકવાની ઘોડીનો અભિષેક કરીને એને પવિત્ર કર. ૧૨  “પછી હારુન અને તેના દીકરાઓને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ અને તેઓને સ્નાન કરાવ.+ ૧૩  તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવ,+ તેનો અભિષેક કર+ અને તેને પવિત્ર કર. તે યાજક તરીકે મારી સેવા કરશે. ૧૪  ત્યાર પછી તું તેના દીકરાઓને લાવ અને તેઓને ઝભ્ભા પહેરાવ.+ ૧૫  જે રીતે તેં તેઓના પિતાનો અભિષેક કર્યો, એ જ રીતે તેઓનો પણ અભિષેક કર.+ આમ તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકશે. એ અભિષેકથી જાહેર થશે કે યાજકપદ પેઢી દર પેઢી તેઓનું જ રહેશે.”+ ૧૬  યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ બધું કર્યું.+ તેણે એમ જ કર્યું. ૧૭  બીજા વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે મંડપ ઊભો કરવામાં આવ્યો.+ ૧૮  જ્યારે મૂસાએ મંડપ ઊભો કર્યો, ત્યારે તેણે પહેલા કૂંભીઓ* મૂકી,+ પછી એમાં ચોકઠાં* બેસાડ્યાં,+ દાંડા પરોવ્યા+ અને થાંભલાઓ ઊભા કર્યા. ૧૯  પછી તેણે મંડપની ઉપર પહેલો પડદો નાખ્યો+ અને એની ઉપર બીજા પડદાઓ નાખ્યા.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૨૦  ત્યાર બાદ તેણે સાક્ષીલેખ* લઈને+ એને કોશમાં મૂક્યો.+ કોશમાં દાંડા પરોવ્યા+ અને કોશ પર ઢાંકણ મૂક્યું.+ ૨૧  તે મંડપમાં સાક્ષીકોશ લાવ્યો અને તેણે એની સામે પડદો લગાવ્યો,+ જેથી એ કોશ દેખાય નહિ.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૨૨  તેણે પડદાની આગળ, મુલાકાતમંડપની ઉત્તર તરફ મેજ મૂકી.+ ૨૩  પછી તેણે મેજ પર યહોવા આગળ રોટલીની થપ્પી ગોઠવી.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૨૪  તેણે મુલાકાતમંડપમાં દક્ષિણ તરફ દીવી મૂકી.+ દીવી મેજની સામે હતી. ૨૫  પછી તેણે યહોવા આગળ દીવા સળગાવ્યા.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૨૬  તેણે મુલાકાતમંડપના પડદા આગળ સોનાની વેદી મૂકી,+ ૨૭  જેથી એના પર સુગંધી ધૂપ+ બાળી શકાય.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૨૮  પછી તેણે મંડપના પ્રવેશદ્વારે પડદો લગાવ્યો.+ ૨૯  તેણે મંડપ, એટલે કે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે અગ્‍નિ-અર્પણની વેદી મૂકી,+ જેથી તે એના પર અગ્‍નિ-અર્પણો અને અનાજ-અર્પણો ચઢાવી શકે.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૩૦  તેણે કુંડને મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે મૂક્યો અને એમાં પાણી ભર્યું.+ ૩૧  મૂસા તથા હારુન અને તેના દીકરાઓએ ત્યાં પોતાના હાથ-પગ ધોયા. ૩૨  જ્યારે તેઓ મુલાકાતમંડપમાં અથવા વેદીએ સેવા કરવા જતા, ત્યારે પાણીથી પોતાને શુદ્ધ કરતા.+ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું. ૩૩  છેલ્લે તેણે મંડપ અને વેદીની ફરતે આંગણું ઊભું કર્યું+ અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લગાવ્યો.+ આમ મૂસાએ બધું કામ પૂરું કર્યું. ૩૪  પછી વાદળે મુલાકાતમંડપને ઢાંકી દીધો અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો.+ ૩૫  મૂસા મુલાકાતમંડપની અંદર જઈ શક્યો નહિ, કેમ કે ત્યાં વાદળ છવાયેલું હતું અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો હતો.+ ૩૬  જ્યારે વાદળ મંડપ ઉપરથી ઊઠતું, ત્યારે ઇઝરાયેલીઓ પોતાની છાવણી ઉઠાવતા અને આગળ વધતા. મુસાફરીના દરેક પડાવે તેઓ એમ કરતા.+ ૩૭  જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું, ત્યાં સુધી તેઓ પોતાની છાવણી ઉઠાવતા નહિ.+ ૩૮  દિવસે મંડપ પર યહોવાનું વાદળ છવાયેલું રહેતું અને રાતે મંડપ પર અગ્‍નિ રહેતો. આમ, બધા ઇઝરાયેલીઓ આખી મુસાફરી દરમિયાન દરેક પડાવે એને જોઈ શકતા હતા.+

ફૂટનોટ

અથવા, “ફ્રેમ.” વધારે માહિતી ખ-૫ જુઓ.