નિર્ગમન ૭:૧-૨૫

  • યહોવા મૂસાની હિંમત બાંધે છે (૧-૭)

  • હારુનની લાકડી મોટો સાપ બની જાય છે (૮-૧૩)

  • પહેલી આફત: પાણી લોહી થઈ જાય છે (૧૪-૨૫)

 યહોવાએ પછી મૂસાને કહ્યું: “હું તને રાજા માટે ઈશ્વર જેવો બનાવું છું* અને તારો ભાઈ હારુન તારો પ્રબોધક* થશે.+ ૨  હું તને જે કંઈ કહું છું, એ બધું તું હારુનને કહેજે. હારુન તારા વતી રાજા સાથે વાત કરશે અને રાજા તેના દેશમાંથી ઇઝરાયેલીઓને જવા દેશે. ૩  પણ હું રાજાનું દિલ હઠીલું થવા દઈશ.+ હું ઇજિપ્ત દેશમાં ઘણાં શક્તિશાળી કાર્યો અને અદ્‍ભુત ચમત્કારો કરીશ.+ ૪  જોકે રાજા તમારું સાંભળશે નહિ, એટલે હું ઇજિપ્તને સજા કરવા મારો હાથ ઉગામીશ. પછી ઇઝરાયેલીઓને, હા, મારા અગણિત લોકોને* હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.+ ૫  હું ઇજિપ્ત વિરુદ્ધ મારો હાથ ઉઠાવીશ અને મારા લોકોને તેઓ વચ્ચેથી કાઢી લાવીશ. એ જોઈને તેઓ ચોક્કસ જાણશે કે હું યહોવા છું.”+ ૬  મૂસા અને હારુને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું, તેઓએ એમ જ કર્યું. ૭  રાજા સાથે વાત કરી ત્યારે, મૂસા ૮૦ વર્ષનો અને હારુન ૮૩ વર્ષનો હતો.+ ૮  યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૯  “જ્યારે રાજા તમને કહે કે, ‘ચમત્કાર કરી બતાવો,’ ત્યારે તું હારુનને કહેજે, ‘તારી લાકડી લઈને રાજા આગળ નાખ.’ એટલે એ લાકડી મોટો સાપ બની જશે.”+ ૧૦  તેથી મૂસા અને હારુન રાજા પાસે ગયા અને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. હારુને પોતાની લાકડી રાજા અને તેના સેવકો આગળ નાખી અને એ મોટો સાપ બની ગઈ. ૧૧  રાજાએ ઇજિપ્તના જ્ઞાનીઓ અને ભૂવાઓને બોલાવ્યા. એ જાદુગરોએ*+ પણ પોતાના જાદુથી એવો જ ચમત્કાર કર્યો.+ ૧૨  તેઓએ પણ પોતાની લાકડીઓ નાખી અને એ મોટા મોટા સાપ બની ગઈ. પણ હારુનનો સાપ* એ બધા સાપોને ગળી ગયો. ૧૩  એ જોયા છતાં રાજાનું દિલ હઠીલું રહ્યું.+ યહોવાએ કહ્યું હતું તેમ, તેણે મૂસા અને હારુનનું સાંભળ્યું નહિ. ૧૪  પછી યહોવાએ મૂસાને કહ્યું: “રાજાનું દિલ હઠીલું છે.+ તેણે મારા લોકોને જવા દેવાની ના પાડી છે. ૧૫  કાલે સવારે તું આમ કરજે: રાજા જ્યારે નાઈલ નદી પાસે જાય, ત્યારે તું પણ ત્યાં જજે અને નદીને કિનારે તેને મળજે. જે લાકડી સાપ બની ગઈ હતી, એ લાકડી તારા હાથમાં રાખજે.+ ૧૬  તું રાજાને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.+ ઈશ્વર કહે છે: “મારા લોકોને વેરાન પ્રદેશમાં જવા દે, જેથી તેઓ ત્યાં મારી સેવા કરી શકે.” પણ આ વાત તેં હજી સુધી માની નથી. ૧૭  એટલે યહોવા કહે છે: “હવે તું જાણીશ કે હું યહોવા છું.+ મારા હાથમાંની લાકડી હું નાઈલ નદીના પાણી પર મારીશ અને એ પાણી લોહી બની જશે. ૧૮  નદીની બધી માછલીઓ મરી જશે અને નદી ગંધાઈ ઊઠશે. ઇજિપ્તના લોકો નદીમાંથી એક ટીપુંય પાણી પી નહિ શકે.”’” ૧૯  પછી યહોવાએ મૂસાને કહ્યું: “હારુનને કહે, ‘તારી લાકડી લે અને ઇજિપ્તના પાણી પર, એનાં નદી-નાળાં, નહેરો અને સરોવરો પર તારો હાથ લાંબો કર,+ જેથી એમાંનું પાણી લોહી બની જાય.’ આખા ઇજિપ્તનું પાણી, લાકડાં અને પથ્થરનાં વાસણોમાંનું પાણી પણ લોહી થઈ જશે.” ૨૦  તરત જ મૂસા અને હારુને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. હારુને પોતાની લાકડી લીધી ને રાજા અને તેના સેવકોના દેખતાં નાઈલ નદી પર મારી. એટલે, નદીનું બધું પાણી લોહી થઈ ગયું.+ ૨૧  નદીની માછલીઓ મરી ગઈ+ અને નદી ગંધાવા લાગી. ઇજિપ્તના લોકો નદીમાંથી એક ટીપુંય પાણી પી ન શક્યા.+ આખા ઇજિપ્તમાં બધે લોહી જ લોહી હતું. ૨૨  જાદુગરોએ પણ પોતાની જાદુવિદ્યાથી એવો જ ચમત્કાર કર્યો.+ એટલે રાજાનું દિલ પીગળ્યું નહિ. યહોવાએ કહ્યું હતું તેમ, તેણે મૂસા અને હારુનનું સાંભળ્યું નહિ.+ ૨૩  એ ચમત્કાર જોઈને પણ રાજાના પેટનું પાણી હાલ્યું નહિ અને તે મહેલમાં પાછો ગયો. ૨૪  ઇજિપ્તના લોકો નાઈલ નદીનું પાણી પી શકતા ન હતા, એટલે તેઓ નદીની આસપાસ પાણી માટે જમીન ખોદવા લાગ્યા. ૨૫  યહોવા નાઈલ નદી પર આફત લાવ્યા એને પૂરા સાત દિવસ વીતી ગયા.

ફૂટનોટ

એટલે કે, રાજા પર અધિકાર આપું છું.
મૂળ, “મારાં સૈન્યોને, મારા લોકોને.”
અથવા, “જાદુટોણાં કરનારા યાજકોએ.”
મૂળ, “હારુનની લાકડી.”