નીતિવચનો ૩૦:૧-૩૩
૩૦ યાકેહના દીકરા આગૂરનો મહત્ત્વનો સંદેશો. એ સંદેશો તેણે ઇથીએલ અને ઉક્કાલને આપ્યો હતો.
૨ હું બીજાઓ કરતાં વધારે અજ્ઞાની છું,+લોકોમાં જે સમજણ હોવી જોઈએ એ મારામાં નથી.
૩ હું બુદ્ધિની વાતો શીખ્યો નથી,પરમ પવિત્ર ઈશ્વર પાસે છે એટલું જ્ઞાન મારી પાસે નથી.
૪ કોણ સ્વર્ગમાં ચઢ્યું છે અને ત્યાંથી નીચે ઊતર્યું છે?+
કોણે પોતાના ખોબામાં પવન ભર્યો છે?
કોણે પોતાના વસ્ત્રમાં પાણી બાંધી રાખ્યું છે?+
કોણે પૃથ્વીની સીમાઓ ઠરાવી છે?*+તેનું નામ શું છે? તેના દીકરાનું નામ શું છે?
તને ખબર હોય તો એનો જવાબ આપ.
૫ ઈશ્વરનો એકેએક શબ્દ શુદ્ધ* છે.+
તેમની શરણે જનાર લોકો માટે તે ઢાલ છે.+
૬ તેમની વાતોમાં એકેય શબ્દ ઉમેરીશ નહિ,+નહિતર તે તને ઠપકો આપશેઅને તું જૂઠો સાબિત થઈશ.
૭ હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન માંગું છું,મારા જીવતેજીવ મારી અરજ પૂરી કરો.
૮ અસત્ય અને જૂઠ મારાથી દૂર કરો.+
મને ગરીબી ન આપો કે અમીરી પણ ન આપો.
મને ફક્ત મારા હિસ્સાનું ભોજન આપો,+
૯ જેથી એવું ન થાય કે હું ધરાઈ જાઉં અને તમારો નકાર કરું અને કહું, “યહોવા કોણ છે?”+
એવું પણ ન થાય કે હું ગરીબ થઈ જાઉં અને ચોરી કરું અને મારા ઈશ્વરના નામને બદનામ કરું.
૧૦ * તું માલિક આગળ તેના ચાકરની ચાડી ન કર,નહિતર ચાકર તને શ્રાપ આપશે અને તું અપરાધી ઠરીશ.+
૧૧ એક એવી પેઢી છે જે પિતાને શ્રાપ આપે છેઅને માતાને આશીર્વાદ આપતી નથી.+
૧૨ એક એવી પેઢી છે જે પોતાને બહુ શુદ્ધ ગણે છે,+પણ તેની ગંદકી* સાફ કરવામાં આવી નથી.
૧૩ એક એવી પેઢી છે જેની આંખો ઘમંડી છેઅને જે બીજાને તિરસ્કારની નજરે જુએ છે.+
૧૪ એક એવી પેઢી છે જેના દાંત તલવાર જેવા છેઅને જડબાં ધારદાર છરી જેવાં છે.
તે પૃથ્વીના દીન-દુખિયાને ફાડી ખાય છેઅને ગરીબોને ભરખી જાય છે.+
૧૫ જળોને* બે દીકરીઓ છે, જે રડીને કહે છે, “મને આપ! મને આપ!”
ત્રણ બાબતો એવી છે જે કદી ધરાતી નથી,હા, ચાર એવી છે જે કદી કહેતી નથી, “બસ થયું!”
૧૬ કબર,*+ વાંઝણી સ્ત્રીની કૂખ,પાણી વગરની સૂકી જમીન,અને આગ જે કદી કહેતી નથી, “બસ થયું!”
૧૭ જે માણસ પિતાની મજાક ઉડાવે છે અને માતાની આજ્ઞાને ગણકારતો નથી,+તેની આંખોને ખીણના કાગડા કોચી ખાશેઅને ગરુડનાં બચ્ચાં એ ખાઈ જશે.+
૧૮ ત્રણ બાબતો એવી છે જે મારી સમજશક્તિની બહાર છે,*હા, ચાર એવી છે જે હું સમજતો નથી:
૧૯ આકાશમાં ઊડતા ગરુડનો માર્ગ,પથ્થર પર સરકતા સાપની ચાલ,દરિયો ખેડતા વહાણનો રસ્તોઅને યુવતી સાથે યુવાનનો વ્યવહાર.
૨૦ વ્યભિચારી સ્ત્રીનો માર્ગ આવો છે:
તે ખાય છે અને મોં લૂછી નાખે છે,પછી કહે છે, “મેં કંઈ ખોટું કર્યું નથી.”+
૨૧ ત્રણ બાબતો એવી છે જેના લીધે પૃથ્વી ધ્રૂજે છે,હા, ચાર એવી છે જેને એ સહન કરી શકતી નથી:
૨૨ ગુલામનું રાજા બનવું,+મૂર્ખનું પેટ ભરીને ખાવું,
૨૩ લોકો નફરત કરતા હોય* એવી સ્ત્રીનું પરણવુંઅને દાસીએ શેઠાણીનું સ્થાન લેવું.+
૨૪ પૃથ્વી પર ચાર જીવો ખૂબ નાના છે,પણ અતિશય બુદ્ધિશાળી છે:*+
૨૫ કીડીઓ શક્તિશાળી* નથી,છતાં ઉનાળામાં ખોરાક તૈયાર કરે છે.+
૨૬ ખડકોમાં રહેતાં સસલાં*+ બળવાન* નથી,છતાં પથ્થરોની બખોલમાં પોતાનું ઘર બનાવે છે.+
૨૭ તીડોનો+ કોઈ રાજા નથી,છતાં તેઓ સેનાની જેમ આગળ વધે છે.+
૨૮ ગરોળી*+ પંજાના સહારે દીવાલને ચોંટી રહે છે
અને તે રાજાના મહેલમાં ફરે છે.
૨૯ ત્રણ જીવો એવા છે જેઓ વટથી ચાલે છે,હા, ચાર એવા છે જેઓ શાનથી ચાલે છે:
૩૦ સિંહ, જે પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી છે,ભલે કોઈ પણ સામે આવે, તે પાછો હટતો નથી;+
૩૧ શિકારી કૂતરો; બકરો;અને સેના આગળ ચાલતો રાજા.
૩૨ જો તેં પોતાને ઊંચો કરવાની મૂર્ખતા કરી હોય+અથવા એમ કરવાનું કાવતરું ઘડ્યું હોય,તો તારા મોં પર હાથ મૂકીને ચૂપ થઈ જા.+
૩૩ કેમ કે જેમ દૂધ વલોવવાથી માખણ નીકળે છે,જેમ નાક મચકોડવાથી લોહી નીકળે છે,તેમ ગુસ્સો ભડકાવવાથી ઝઘડો ઊભો થાય છે.+
ફૂટનોટ
^ અથવા, “કોણે પૃથ્વીના ચારે ખૂણા ઊભા કર્યા છે?”
^ અથવા, “અગ્નિથી પરખાયેલો.”
^ આગૂર આ કલમથી ઇથીએલ અને ઉક્કાલને સંબોધીને વાત કરે છે.
^ અથવા, “તેનું મળ.”
^ પાણીમાં રહેતો કીડો, જે માણસો કે પ્રાણીઓનાં શરીરે ચોંટીને લોહી ચૂસે છે.
^ અથવા, “જે મને બહુ અજાયબ લાગે છે.”
^ અથવા, “જેને કોઈ પ્રેમ કરતું નથી.”
^ અથવા, “જન્મજાત બુદ્ધિશાળી છે; જેઓમાં સ્વયંસ્ફૂરણા છે.”
^ મૂળ, “બળવાન પ્રજા.”
^ મૂળ, “બળવાન પ્રજા.”
^ સસલા જેવું પૂંછડી વગરનું એક પ્રાણી, જે ખડકોમાં રહે છે.
^ અથવા, “ગેકો ગરોળી.”