નીતિવચનો ૫:૧-૨૩

  • વ્યભિચારી સ્ત્રી વિશે ચેતવણી (૧-૧૪)

  • તારી પત્ની સાથે ખુશ રહે (૧૫-૨૩)

 મારા દીકરા, હું તને બુદ્ધિની જે વાતો કહું છું, એના પર ધ્યાન આપ,સમજશક્તિ વિશે જે કંઈ શીખવું છું, એ કાને ધર.+  ૨  એમ કરવાથી તું તારી પારખશક્તિ સાચવી શકીશઅને તારા હોઠે હંમેશાં સત્યની વાતો નીકળશે.+  ૩  પાપી* સ્ત્રીના શબ્દો* મધ જેવા મીઠા છે,+તેની વાતો* તેલ જેવી લીસી છે.+  ૪  પણ આખરે તો તે સ્ત્રી કડવા છોડ* જેવી કડવી છે+અને બેધારી તલવાર જેવી ધારદાર છે.+  ૫  તેના પગ મરણ તરફ જાય છે,તેનાં પગલાં કબરમાં* જાય છે.  ૬  તે જીવનના માર્ગ વિશે જરાય વિચારતી નથી. તે આમતેમ ભટક્યા કરે છે,પણ જાણતી નથી કે ક્યાં જઈ રહી છે.  ૭  મારા દીકરા,* મારું સાંભળ,મારી વાતોથી મોં ન ફેરવ.  ૮  તું એ સ્ત્રીથી દૂર રહેજે,તેના ઘરના બારણે ફરકતો પણ નહિ,+  ૯  નહિતર તું તારું માન-સન્માન ગુમાવીશ+અને તારા દિવસો દુઃખ-તકલીફોમાં વીતશે;+ ૧૦  પારકાઓ તારી ધનદોલતથી લીલાલહેર કરશે,+મહેનત તું કરીશ, પણ ઘર બીજાનાં* ભરાશે. ૧૧  એવું થશે તો તારા જીવનના છેલ્લા દિવસોમાં,જ્યારે તારું બળ ઘટી જશે અને તારું શરીર કમજોર થઈ જશે, ત્યારે તું નિસાસા નાખીશ.+ ૧૨  તું કહીશ: “મેં કેમ શિસ્તનો* નકાર કર્યો? મારા દિલે કેમ ઠપકો ન સ્વીકાર્યો? ૧૩  મેં કેમ મારા સલાહકારોનું માન્યું નહિ? મેં કેમ મારા શિક્ષકોનું સાંભળ્યું નહિ? ૧૪  હું વિનાશને આરે આવી ગયો છુંઅને આખા સમાજની સામે* હું શરમમાં મુકાયો છું.”+ ૧૫  તારા પોતાના ટાંકામાંથી પાણી પીઅને તારા પોતાના કૂવામાંથી તાજું* પાણી પી.+ ૧૬  તારા ઝરાઓનું પાણી કેમ બહાર વહી જાય? તારી નદીઓનું પાણી કેમ ચોકમાં વહી જાય?+ ૧૭  એ ફક્ત તારા માટે જ રહે,બીજા લોકો માટે નહિ.+ ૧૮  તારા ઝરા પર ઈશ્વરનો આશીર્વાદ રહે,તારી યુવાનીની પત્ની સાથે તું ખુશ રહે.+ ૧૯  તે પ્રેમાળ હરણી જેવી અને સુંદર પહાડી બકરી જેવી છે.+ તેનાં સ્તનોથી તને હંમેશાં સંતોષ મળે. તું તેના પ્રેમમાં કાયમ ડૂબેલો રહે.+ ૨૦  બેટા, તું પાપી* સ્ત્રીની પ્રેમજાળમાં ફસાતો નહિ,વ્યભિચારી* સ્ત્રીને ગળે લગાવતો નહિ.+ ૨૧  માણસના બધા માર્ગો પર યહોવાની નજર છે,તે તેના રસ્તાઓ ધ્યાનથી તપાસે છે.+ ૨૨  દુષ્ટના અપરાધો તેના માટે ફાંદા જેવા છે,તે પોતાનાં જ પાપના દોરડાથી બંધાઈ જશે.+ ૨૩  શિસ્ત ન સ્વીકારવાને લીધે તે માર્યો જશે,અતિશય મૂર્ખાઈને લીધે તે માર્ગથી ભટકી જશે.

ફૂટનોટ

મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.
મૂળ, “પાપી સ્ત્રીના હોઠ.”
મૂળ, “તેનું મોં.”
મૂળ, “મારા દીકરાઓ.”
અથવા, “પરદેશીઓનાં.”
મૂળ, “સમાજ અને મંડળની વચ્ચે.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
અથવા, “વહેતું.”
મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.
મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.