નીતિવચનો ૭:૧-૨૭

  • ઈશ્વરની આજ્ઞા પાળ અને જીવતો રહે (૧-૫)

  • ભોળો યુવાન લલચાઈ ગયો (૬-૨૭)

    • “કતલખાનામાં જતા બળદની જેમ” (૨૨)

 મારા દીકરા, મારું કહેવું માનઅને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખ.+  ૨  મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે,+મારી શીખવેલી વાતોને આંખની કીકીની જેમ સાચવી રાખ.  ૩  એને તારી આંગળીઓ પર બાંધી દેઅને તારા દિલ પર લખી લે.+  ૪  બુદ્ધિને કહે, “તું મારી બહેન છે,”સમજણને કહે, “તું મારી સગી છે,”  ૫  જેથી પાપી* સ્ત્રીથી તારું રક્ષણ થાય,+વ્યભિચારી* સ્ત્રી અને તેની મીઠી મીઠી* વાતોથી તું બચી જાય.+  ૬  મારા ઘરની બારીમાંથી,મારા ઘરના ઝરૂખામાંથી મેં નીચે જોયું.  ૭  ત્યારે મારું ધ્યાન અમુક ભોળા* લોકો પર ગયું. મારી નજર એક યુવાન પર પડી. તેનામાં જરાય અક્કલ ન હતી.+  ૮  તે એક રસ્તા પર થઈને જતો હતો,જેના નાકે એક સ્ત્રી રહેતી હતી. એ સ્ત્રીના ઘર તરફ તે આગળ વધ્યો.  ૯  સાંજનો સમય હતો, દિવસ આથમી રહ્યો હતો,+અંધારું ઘેરાવા લાગ્યું હતું, રાત પડવાની તૈયારી હતી. ૧૦  પછી મેં જોયું તો એ સ્ત્રી પેલા યુવાનને મળવા આવી,તેણે વેશ્યા જેવાં* કપડાં પહેર્યાં હતાં,+ તેનું દિલ કપટથી ભરેલું હતું. ૧૧  તે બોલકણી, બેશરમ અને નફ્ફટ હતી.+ તેના પગ બે ઘડી પણ ઘરમાં ટકતા ન હતા. ૧૨  ક્યારેક તે બહાર હોય, તો ક્યારેક ચોકમાં. શિકારની શોધમાં તે ખૂણે ખૂણે ભટકતી.+ ૧૩  તેણે પેલા યુવાનને પકડ્યો અને તેને ચુંબન કર્યું. તે સ્ત્રીએ બેશરમ બનીને કહ્યું: ૧૪  “મારે શાંતિ-અર્પણો* ચઢાવવાનાં હતાં.+ આજે મેં મારી માનતા પૂરી કરી. ૧૫  એટલે હું તને મળવા આવી. હું તને જ શોધતી હતી અને તું મળી ગયો! ૧૬  મેં મારા પલંગ પર સુંદર ચાદર બિછાવી છે,ઇજિપ્તથી* મંગાવેલી શણની રંગીન ચાદર પાથરી છે.+ ૧૭  મેં બોળ,* અગર* અને તજમાંથી બનાવેલાં અત્તર છાંટીને મારા પલંગને ખુશબોદાર કર્યો છે.+ ૧૮  ચાલ, સવાર સુધી પ્રેમના પ્યાલામાંથી પીતાં રહીએ,એકબીજાના પ્રેમમાં ડૂબી જઈએ. ૧૯  મારો પતિ ઘરે નથી,તે લાંબી મુસાફરીએ ગયો છે. ૨૦  તે પૈસાની થેલી લઈને ગયો છે,છેક પૂનમ સુધી પાછો આવવાનો નથી.” ૨૧  એ સ્ત્રીએ મોહક વાતોથી પેલા યુવાનને ફસાવ્યો,+મીઠી મીઠી વાતોથી તેને લલચાવ્યો. ૨૨  કતલખાનામાં જતા બળદની* જેમ,અને હેડની* સજા ભોગવવા જતા મૂર્ખની જેમએ યુવાન તરત પેલી સ્ત્રી પાછળ ગયો.+ ૨૩  આખરે એ યુવાનનું કાળજું તીરથી વીંધાશે. ફાંદામાં ફસાતા પક્ષીની જેમ તે પોતાનો જીવ ગુમાવશે અને તેને એની ખબર પણ નહિ પડે.+ ૨૪  મારા દીકરા,* મારું સાંભળ,મારી વાત પર ધ્યાન આપ. ૨૫  તારા દિલને એ સ્ત્રીના રસ્તે ભટકવા દેતો નહિ,ફંટાઈને તું તેના માર્ગે જતો નહિ.+ ૨૬  તેણે ઘણાને મોતના મોંમાં ધકેલ્યા છે.+ તેના લીધે ઘણા લોકો માર્યા ગયા છે.+ ૨૭  તેનું ઘર કબરમાં* લઈ જાય છે,છેક મોતના ઓરડા* સુધી પહોંચાડે છે.

ફૂટનોટ

મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.
મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.
અથવા, “લોભામણી.”
અથવા, “બિનઅનુભવી.”
અથવા, “વેશ્યાનાં.”
અથવા, “મિસરથી.”
આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.
મૂળ, “આખલાની.”
મૂળ, “મારા દીકરાઓ.”
મૂળ, “અંદરના ઓરડા.”