ન્યાયાધીશો ૧૦:૧-૧૮

  • ન્યાયાધીશો તોલા અને યાઈર (૧-૫)

  • ઇઝરાયેલ બંડ કરે છે અને પસ્તાવો કરે છે (૬-૧૬)

  • આમ્મોનીઓ ઇઝરાયેલીઓ વિરુદ્ધ ભેગા થયા (૧૭, ૧૮)

૧૦  અબીમેલેખ પછી તોલા ઊભો થયો, જે દોદોના દીકરા પૂઆહનો દીકરો હતો. તેણે ઇઝરાયેલનો ન્યાય કર્યો.+ તે ઇસ્સાખાર કુળનો હતો અને એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલા શામીરમાં રહેતો હતો. ૨  તેણે ૨૩ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો. પછી તેનું મરણ થયું અને તેને શામીરમાં દફનાવવામાં આવ્યો. ૩  તોલા પછી ગિલયાદનો યાઈર ઊભો થયો, જેણે ૨૨ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો. ૪  તેને ૩૦ દીકરાઓ હતા, જેઓ ૩૦ ગધેડાં પર સવારી કરતા. તેઓ પાસે ગિલયાદ દેશમાં ૩૦ શહેરો હતાં, જે આજ સુધી હાવ્વોથ-યાઈર+ કહેવાય છે. ૫  એ પછી યાઈર મરણ પામ્યો અને તેને કામોનમાં દફનાવવામાં આવ્યો. ૬  યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઇઝરાયેલીઓ ફરીથી કરવા લાગ્યા.+ તેઓ બઆલ દેવો,+ આશ્તોરેથની મૂર્તિઓ, અરામના* દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો,+ આમ્મોનીઓના દેવો+ અને પલિસ્તીઓના દેવોને+ ભજવા લાગ્યા. તેઓએ યહોવાને છોડી દીધા અને તેમની ભક્તિ કરી નહિ. ૭  તેથી ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ સળગી ઊઠ્યો. તેમણે તેઓને પલિસ્તીઓ અને આમ્મોનીઓના હાથમાં સોંપી દીધા.+ ૮  તેઓએ ઇઝરાયેલીઓને બહુ દુઃખી કર્યા અને તેઓ પર જુલમ ગુજાર્યો. તેઓએ ગિલયાદમાં રહેતા બધા ઇઝરાયેલીઓ પર ૧૮ વર્ષ સુધી અત્યાચાર કર્યો. ગિલયાદમાં યર્દનની પૂર્વ તરફનો એ વિસ્તાર એક સમયે અમોરીઓનો હતો. ૯  આમ્મોનીઓ યર્દન નદી પાર કરીને યહૂદા, બિન્યામીન અને એફ્રાઈમનાં કુળો સામે લડવા જતા. ઇઝરાયેલીઓ ભારે સંકટમાં આવી પડ્યા. ૧૦  ઇઝરાયેલીઓએ મદદ માટે યહોવાને પોકાર કર્યો:+ “હે ઈશ્વર, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. અમે તમને છોડીને બઆલ દેવોની ભક્તિ કરી છે.”+ ૧૧  યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું: “શું મેં તમને ઇજિપ્તના હાથમાંથી છોડાવ્યા ન હતા?+ અમોરીઓ,+ આમ્મોનીઓ, પલિસ્તીઓ,+ ૧૨  સિદોનીઓ, અમાલેકીઓ અને મિદ્યાનીઓએ તમારા પર જુલમ કર્યો ત્યારે, શું મેં તમને બચાવ્યા ન હતા? તમે મને પોકારી ઊઠ્યા ત્યારે, મેં તેઓના પંજામાંથી તમને છોડાવ્યા હતા. ૧૩  પણ તમે મારાથી મોં ફેરવી લીધું અને બીજા દેવોની ભક્તિ કરવા લાગ્યા.+ હવે હું તમને બચાવવાનો નથી.+ ૧૪  તમે જે દેવોને પસંદ કર્યા છે તેઓ પાસે જાઓ, તેઓ પાસે મદદ માંગો.+ તેઓને કહો કે તમને મુસીબતોમાંથી બચાવે.”+ ૧૫  પણ ઇઝરાયેલીઓએ યહોવાને કહ્યું: “અમે પાપ કર્યું છે. તમને જે ઠીક લાગે એ કરો. મહેરબાની કરીને અમને આ વખતે બચાવી લો.” ૧૬  તેઓએ બીજા દેવોની મૂર્તિઓ ફેંકી દીધી અને યહોવાની ભક્તિ કરવા લાગ્યા.+ ઈશ્વરથી ઇઝરાયેલીઓનું દુઃખ જોઈ શકાયું નહિ.+ ૧૭  સમય જતાં, આમ્મોનીઓ+ યુદ્ધ કરવા ભેગા થયા અને ગિલયાદમાં છાવણી નાખી. ઇઝરાયેલીઓએ ભેગા થઈને મિસ્પાહમાં છાવણી નાખી. ૧૮  ગિલયાદના લોકોએ અને આગેવાનોએ એકબીજાને કહ્યું: “આમ્મોનીઓ વિરુદ્ધ લડવા કોણ આગેવાની લેશે?+ જે આગેવાની લે, તે ગિલયાદના સર્વ લોકોનો મુખી બને.”

ફૂટનોટ

અથવા, “સિરિયાના.”