ન્યાયાધીશો ૧૨:૧-૧૫
૧૨ એફ્રાઈમના માણસો ભેગા થયા અને નદી પાર કરીને સાફોન* ગયા. તેઓએ યિફતાને કહ્યું: “તું આમ્મોનીઓ સામે લડવા ગયો ત્યારે અમને કેમ ન બોલાવ્યા?+ અમે તને અને તારા ઘરને બાળી નાખીશું.”
૨ યિફતાએ તેઓને કહ્યું: “મારી અને મારા લોકોની આમ્મોનીઓ સામે મોટી તકરાર ચાલતી હતી. મેં તમને મદદ માટે બોલાવ્યા હતા, પણ તમે મને તેઓના હાથમાંથી છોડાવવા આવ્યા નહિ.
૩ મેં જોયું કે તમે મને બચાવવાના નથી. એટલે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓ સામે લડવા નીકળી પડ્યો.+ એ તો યહોવાએ તેઓને મારા હાથમાં સોંપી દીધા. તો પછી તમે કેમ મારી સામે લડવા આવ્યા છો?”
૪ યિફતાએ ગિલયાદના બધા માણસોને ભેગા કર્યા+ અને એફ્રાઈમીઓ સામે લડાઈ કરી. ગિલયાદના માણસોએ એફ્રાઈમીઓને હરાવ્યા, જેઓ કહેતા હતા: “ઓ ગિલયાદીઓ, તમે ભલે એફ્રાઈમ અને મનાશ્શાના વિસ્તારમાં રહો છો, પણ એફ્રાઈમની નજરે તમારી કોઈ વિસાત નથી.”*
૫ એફ્રાઈમનો કોઈ માણસ બચી ન જાય એ માટે ગિલયાદીઓએ તેઓની આગળ જઈને યર્દનના ઘાટ કબજે કરી લીધા.+ એફ્રાઈમીઓ આવીને કહેતા, “મને નદી પાર કરવા દો.” જ્યારે ગિલયાદના માણસો તેને પૂછતા કે “તું એફ્રાઈમી છે?” ત્યારે તે “ના” પાડતો.
૬ ગિલયાદીઓ તેને “શિબ્બોલેથ” બોલવાનું કહેતા. પણ તે ખરો ઉચ્ચાર કરી શકતો ન હોવાથી “સિબ્બોલેથ” બોલતો. તેઓ તેને પકડીને યર્દનના ઘાટ પાસે મારી નાખતા. એ દિવસે ૪૨,૦૦૦ એફ્રાઈમીઓ માર્યા ગયા.
૭ ગિલયાદી યિફતાએ છ વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. પછી તેનું મરણ થયું અને તેને ગિલયાદમાં દફનાવવામાં આવ્યો.
૮ યિફતા પછી બેથલેહેમના ઈબ્સાને ઇઝરાયેલનો ન્યાય કર્યો.+
૯ તેને ૩૦ દીકરીઓ અને ૩૦ દીકરાઓ હતાં. તેણે પોતાની દીકરીઓને કુળની બહાર પરણાવી. તે પોતાના દીકરાઓ માટે બીજાં કુળોમાંથી ૩૦ વહુઓ લાવ્યો. તેણે ઇઝરાયેલનો સાત વર્ષ ન્યાય કર્યો.
૧૦ પછી ઈબ્સાનનું મરણ થયું અને તેને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો.
૧૧ ઈબ્સાન પછી ઝબુલોન કુળના એલોને ઇઝરાયેલનો દસ વર્ષ ન્યાય કર્યો.
૧૨ પછી એલોનનું મરણ થયું અને તેને ઝબુલોનના વિસ્તારમાં આવેલા આયાલોનમાં દફનાવવામાં આવ્યો.
૧૩ એલોન પછી આબ્દોને ઇઝરાયેલનો ન્યાય કર્યો. તે પિરઆથોનના હિલ્લેલનો દીકરો હતો.
૧૪ આબ્દોનને ૪૦ દીકરાઓ અને ૩૦ પૌત્રો હતા, જેઓ ૭૦ ગધેડાં પર સવારી કરતા હતા. તેણે ઇઝરાયેલનો આઠ વર્ષ ન્યાય કર્યો.
૧૫ પછી પિરઆથોનના હિલ્લેલનો દીકરો આબ્દોન મરણ પામ્યો. તેને પિરઆથોનમાં દફનાવવામાં આવ્યો, જે એફ્રાઈમમાં આવેલા અમાલેકીઓના+ પહાડી વિસ્તારમાં હતું.